*સ્વેચ્છાએ ધાર્મિક દબાણ દૂર કરનાર નાગરિકોનું સન્માન કરતા જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા* - At This Time

*સ્વેચ્છાએ ધાર્મિક દબાણ દૂર કરનાર નાગરિકોનું સન્માન કરતા જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા*


*સ્વેચ્છાએ ધાર્મિક દબાણ દૂર કરનાર નાગરિકોનું સન્માન કરતા જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા*
----------
*અનુકરણીય ઉદાહરણ રજૂ કરનાર નાગરિકોનું શાલ ઓઢાડી સન્માન કર્યું*
----------
ગીર સોમનાથ, તા.18: વેરાવળ શહેરમાં જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અનઅધિકૃત દબાણો ખુલ્લા કરવા પૂરઝડપે કામગીરી થઈ રહી છે. કલેક્ટરશ્રીની સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની અપીલને પણ સાનુકૂળ પ્રતિસાદ મળી રહ્યો છે. જે અંતર્ગત શહેરમાં આવેલા અનધિકૃત દબાણોને લોકો સ્વેચ્છાએ દૂર કરી રહ્યાં છે.

આવા જ એક કિસ્સામાં વેરાવળ-સોમનાથ બાયપાસ પાસે સિગડી હોટેલની સામે ધાર્મિક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થયેલું હતું. જે પાણીના નિકાલ માટેની વ્યવસ્થામાં બાધારૂપ બનતું હતું. આ ઉપરાંત નેશનલ હાઈવેની માલિકીમાં આ જગ્યા હોવાના કારણે માર્ગ અકસ્માતની શક્યતા પણ હતી. જેને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા આ જગ્યાની દેખરેખ રાખતાં જવાબદાર લોકોને ધાર્મિક જગ્યા પરનું દબાણ સ્વેચ્છાએ દૂર કરવા માટે સમજૂત કરવામાં આવ્યાં હતાં.

જેનો સાનુકૂળ પ્રતિસાદ આપતાં નિશાદ દાદા મન્સૂરી, સુલેમાન મહમદ, સલીમભાઈ માયાએ સ્વેચ્છાએ આ ધાર્મિક દબાણ દૂર કરીને અન્ય નાગરિકો માટે અનુકરણીય ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. વેરાવળ સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અને પટણી જમાતના પટેલ અને શિક્ષક શ્રી અફઝલ પંજાએ પણ કલેક્ટરશ્રીની આ અપીલને ધ્યાનમાં લઈ મધ્યસ્થતા કરી આ દબાણ દૂર કરવામાં મદદ કરી હતી.

આ કામગીરીને બીરદાવતા કલેક્ટરશ્રીએ તાજેતરમાં નિશાદ દાદા મન્સૂરી, સુલેમાન મહમદ, સલીમભાઈ માયા અને મધ્યસ્થી કરનાર શિક્ષક શ્રી અફઝલ પંજાનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

જનતાને ખુલ્લા અને પહોળા રોડ-રસ્તા મળે તેમજ બીનજરૂરી દબાણ દૂર થાય તે માટે કલેક્ટરશ્રી વ્યક્તિગત રસ લઈને નગરમાં ગેરકાયદેસર રીતે ઉભા થયેલા દબાણો દૂર કરવાનું અભિયાન ચલાવી રહ્યાં છે. ત્યારે નાગરિક સમાજમાંથી સામેથી આ દબાણો દૂર કરીને કલેક્ટરશ્રીની આ કામગીરીને અપ્રત્યક્ષ રીતે અનુમોદન આપી રહ્યાં છે.

હજુ પણ જિલ્લામાં જાહેર રોડ સહિત જાહેર જગ્યા તેમજ વિવિધ સ્થળોએ ગેરકાયદેસર દબાણો છે તે સ્વેચ્છાએ દૂર કરી વહીવટી તંત્રને સહયોગ આપવા કલેક્ટરશ્રીએ અપીલ કરી છે.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, અધિક કલેકટર શ્રી રાજેશ આલ તેમજ પ્રાંત અધિકારી શ્રી વિનોદભાઈ જોશીએ પણ નાગરિક સમાજની આ સ્વૈચ્છિક પહેલને બીરદાવી હતી.
00 000 00 000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.