ભાજપ છાશ ફૂંકીને પીશે:લોકસભાના નુકસાનની ભરપાઈ માટે ભાજપે વિધાનસભાઓ મંત્રીઓને સોંપી - At This Time

ભાજપ છાશ ફૂંકીને પીશે:લોકસભાના નુકસાનની ભરપાઈ માટે ભાજપે વિધાનસભાઓ મંત્રીઓને સોંપી


કેન્દ્રમાં નવી સરકાર રચાયા પછી ભાજપે આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીર રાજ્યોમાં ચૂંટણી યોજાશે, તેમાંથી જમ્મુ-કાશ્મીર સિવાયનાં 3 રાજ્યમાં આ વખતે ભાજપને લોકસભામાં અણધાર્યો માર પડ્યો છે. આ ચૂંટણીઓમાં પક્ષ છાશ પણ ફૂંકીફૂંકીને પીશે. અને એટલે લોકસભાનો ખાડો પૂરવા માટે પક્ષે કેન્દ્રીય મંત્રીઓ અને પૂર્વ-વર્તમાન મુખ્યમંત્રીઓને હવાલો સોંપ્યો છે. પક્ષના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ સોમવારે ચારેય રાજ્યના પ્રભારી અને સહપ્રભારીની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં નિરાશાજનક દેખાવ પછી પક્ષ વિધાનસભા ચૂંટણીમાં કોઈ કચાશ રાખવા ઇચ્છતો નથી. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને મહારાષ્ટ્રના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને સહપ્રભારી બનાવાયા છે. મહારાષ્ટ્રમાં ગત લોકસભા ચૂંટણીમાં એકલાહાથે 23 અને શિવસેના સાથે 41 બેઠક જીતનારો ભાજપ સ્વયમ્ આ વખતે 9 બેઠક પર સમેટાઈ ગયો છે. તેના સાથી પક્ષ એકનાથ શિંદેની શિવસેનાને 7 અને અજિત પવારની એનસીપીને માત્ર 1 બેઠક મળી છે. મહારાષ્ટ્રની સાથે જ હરિયાણામાં પણ આ વર્ષે ઓક્ટોબરમાં ચૂંટણી છે. અહીંનો હવાલો કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને સોંપાયો છે. ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી અને સાંસદ બિપ્લવ દેબ સહપ્રભારી રહેશે. હરિયાણામાં ભાજપ આ વખતે 5 જ બેઠક જીતી શક્યો છે. ગઈ ચૂંટણીમાં ભાજપે તમામ 10 બેઠક જીતી હતી. કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને ઝારખંડના પ્રભારી બનાવાયા છે. તેમના સહાયક તરીકે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને સહપ્રભારી બનાવાય છે. ઝારખંડમાં પણ ભાજપ 2019ની સ્થિતિનું પુનરાવર્તન કરવામાં નિષ્ફળ રહ્યો છે. આ વખતે ભાજપને 8 અને સાથી પક્ષ આજસૂને 1 બેઠક મળી છે. ગઈ ચૂંટણીમાં એકલા ભાજપને 11 અને આજસૂને 1 બેઠક મળી હતી. લોકસભાની 14માંથી 5 કોંગ્રેસ અને ઝામુમોને મળી છે. રેડ્ડીને જમ્મુ-કાશ્મીરનો પ્રભાર સોંપાયો
ચૂંટણીપંચના ચૂંટણી યોજવાના સંકેત પછી ભાજપે જમ્મુ-કાશ્મીરમાં પણ તૈયારી શરૂ કરી દીધી છે. કલમ 370 હટાવાયા પછી આ પહેલી વિધાનસભા ચૂંટણી હશે. ભાજપે કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીને જમ્મુ-કાશ્મીરના પ્રભારી બનાવ્યા છે. તમામ નિમણૂકો તાકીદની અસરથી લાગુ કરી દેવાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.