રશિયાએ 24 કલાકમાં ISISના આતંકીઓથી ગાર્ડ્સને મુક્ત કરાવ્યા:સ્પેશિયલ ફોર્સે ઓપરેશન કર્યું; 6 આતંકવાદીઓએ જેલની બારી તોડીને 2 ગાર્ડને બંધક બનાવ્યા હતા
રશિયાના રોસ્ટોવ શહેરની જેલમાં બંધ આતંકવાદી સંગઠન ISISના છ આતંકવાદીઓએ રવિવારે (16 જૂન)ના રોજ બે ગાર્ડને બંધક બનાવ્યા હતા. રશિયન સ્પેશિયલ ફોર્સે ગાર્ડને મુક્ત કરવા માટે ખાસ ઓપરેશન હાથ ધર્યું અને તેમને બચાવ્યા. આ દરમિયાન ISISના ઘણા આતંકવાદીઓના મોત પણ થયા હતા. અગાઉ, ISIS આતંકવાદીઓએ ગાર્ડને મુક્ત કરવાના બદલામાં પોતાની મુક્તિની માગ કરી હતી. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, આમાંથી કેટલાક લોકોને આતંકવાદ ફેલાવવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. પોલીસકર્મીઓ ઘટનાસ્થળે હાજર છે. ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ISISના આતંકવાદીઓએ ત્યાંથી સલામત રીતે જવાની પરવાનગી અને એક કાર માગી હતી. રશિયન સ્ટેટ મીડિયા આરઆઈએએ અહેવાલ આપ્યો છે કે ઓપરેશન દરમિયાન, જેલની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકને પ્રતિબંધિત કરી રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. આતંકવાદીઓ જેલની બારી તોડીને ગાર્ડના રૂમમાં ઘૂસ્યા હતા અને છરી અને કુહાડીની મદદથી જેલ અધિકારીઓને બંધક બનાવી લીધા હતા. ISISની ખોરાસન વિંગે કર્યો હતો આતંકી હુમલો, 150 લોકો માર્યા ગયા
આ પહેલા 22 માર્ચે રશિયાની રાજધાની મોસ્કોમાં આતંકી હુમલો થયો હતો. આ ISIS દ્વારા જ કરવામાં આવ્યો હતો. આર્મી યુનિફોર્મ પહેરેલા પાંચ આતંકવાદીઓએ ક્રોકસ સિટી હોલમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો, બોમ્બ ફેંક્યા અને ભાગી ગયા. આ હુમલામાં લગભગ 150 લોકોના મોત થયા હતા. હુમલાની જવાબદારી સ્વીકારતા આતંકવાદી સંગઠને કહ્યું હતું કે, "ઈસ્લામિક સ્ટેટના લડવૈયાઓએ રશિયાની રાજધાની મોસ્કોની બહાર આવેલા ક્રાસ્નોગોર્સ્ક શહેરમાં ખ્રિસ્તીઓની એક વિશાળ સભા પર હુમલો કર્યો હતો, જેમાં સેંકડો લોકો માર્યા ગયા હતા અને ઘાયલ થયા હતા. તેઓ સુરક્ષિત રીતે તેમના ઠેકાણા પર પાછા ફર્યા તે પહેલા આ સ્થળે મોટાપાયે વિનાશ થયો હતો. હુમલા બાદ અમારા લડવૈયાઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે કહ્યું હતું કે રશિયા લોહીનો બદલો લોહીથી લેશે. આતંકવાદીઓ આતંકની ભાષા જ સમજે છે. જ્યાં સુધી બળથી તેમનો મુકાબલો ના કરવામાં આવે અને આતંકવાદીઓ સાથે તેમના પરિવારો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ તપાસનો કોઈ અર્થ નથી. ISISએ રશિયા પર શા માટે હુમલો કર્યો?
બીબીસીએ પોતાના રિપોર્ટમાં નિષ્ણાતોને ટાંકીને લખ્યું હતું કે- આ હુમલો ISISની ખોરાસન વિંગ એટલે કે ISIS-K દ્વારા કરવામાં આવ્યો હતો. ISIS-K નું નામ ઉત્તરપૂર્વ ઈરાન, દક્ષિણ તુર્કમેનિસ્તાન અને ઉત્તર અફઘાનિસ્તાનનો સમાવેશ કરતા પ્રદેશના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ સંગઠન સૌપ્રથમ 2014માં પૂર્વી અફઘાનિસ્તાનમાં સક્રિય થયું હતું. ત્યારબાદ તેમાં જોડાવા માટે રશિયન આતંકવાદી જૂથોના ઘણા લડવૈયાઓ સીરિયા પહોંચ્યા. તેઓ પુતિન અને તેમના પ્રચારનો વિરોધ કરે છે. તેઓ કહે છે કે પુતિનની સરકાર ચેચન્યા અને સીરિયામાં હુમલા કરીને મુસ્લિમો પર અત્યાચાર ગુજારે છે. સોવિયેત યુગમાં રશિયા દ્વારા અફઘાનિસ્તાનમાં મુસ્લિમો પર આવા જ અત્યાચારો કરવામાં આવ્યા હતા. પુતિન 18 માર્ચે 5મી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા. આ મોટો આતંકવાદી હુમલો 5 દિવસ પછી થયો છે. હાલ પુતિને હુમલા અંગે કોઈ નિવેદન આપ્યું નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.