સ્વીમીંગ પુલમાં ડૂબી જવાથી ત્રણ વર્ષની બે પિતરાઈ બહેનોના કરૂણ મોત
રાજકોટમાં રૈયા ગામ પાસે આવેલ શિલ્પન ઓનીક્સ રેસિડેન્સીમાં ગઈ રાતે કરૂણ બનાવ બન્યો હતો. ત્યાં ચોકીદારી કરતાં નેપાળી પરિવારની ત્રણ વર્ષની બે માસૂમ પુત્રી રેસિડેન્સીમાં આવેલ સ્વીમીંગ પુલમાં ગરક થતાં બંનેના કરૂણ મોત નિપજ્યા હતાં. બનાવથી નેપાળી પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો. બનાવથી રેસિડેન્સીના લોકો પણ એકઠાં થયાં હતાં. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં રૈયા ગામ પાસે આવેલ શિલ્પન ઓનીક્સ રેસિડેન્સીમાં રહેતાં અને ત્યાં જ ચોકીદારી કરતાં ગોકુલભાઈ રંગબહાદુર ચાંદની ત્રણ વર્ષની પુત્રી પ્રકૃતિ અને ત્યાં જ રહેતાં પ્રકાશભાઈ તેજબહાદુર સિંઘની ત્રણ વર્ષની પુત્રી મેનકા બંને પિતરાઈ બહેનો સાયકલ ચલાવતી ચલાવતી રેસિડેન્સીમાં આવેલ સ્વીમીંગ પુલ પાસે પહોંચી હતી.
બાદમાં બંને બહેનો સ્વીમીંગ પુલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. મોડે સુધી બંને બાળકીઓ પોતપોતાના ઘરે ન પહોંચતા પરિવારજનો બંનેને શોધવા લાગ્યાં હતાં. બાદમાં રેસિડેન્સીમાં રહેતાં સ્થાનિક લોકોને ધ્યાને સ્વીમીંગ પુલમાં મૃતદેહ તરતાં હોવાનું ધ્યાને આવતાં તાત્કાલિક લોકો દોડી આવ્યાં હતાં અને બાળકીઓના મૃતદેહને બહાર કાઢી 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ની ટીમે બંને બાળકીઓને તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગે જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુમાં મળેલ વિગત મુજબ, બંને મૃતક માસૂમ બાળકીઓનો પરીવાર મૂળ નેપાળનો વતની છે. મૃતક પ્રકૃતિના પિતા ગોકુલભાઈ પરીવાર સાથે શિલ્પન ઓનેકસા રેસિડેન્સીમાં 17 દિવસથી કામે આવ્યાં હતા જ્યારે મૃતક મેનકાના પિતા પ્રકાશ અને માતા મનીષાબેન સહિતના પરિવારજનો 8 માસથી અહીં નોકરી પર આવેલ છે.
મૃતક પ્રકૃતિ એક બહેન એક ભાઈમાં મોટી અને મેનકા પરિવારની એક ની એક પુત્રી હતી. બનાવથી પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.