૨૪ જૂનથી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થશે - At This Time

૨૪ જૂનથી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થશે


૨૪ જૂનથી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થશે

લોકસભાનું સત્ર ત્રણ જુલાઈ સુધી ચાલશે, રાજ્યસભાનું સત્ર ૨૭ જૂનથી શરૂ થશે

૧૮મી લોકસભાના પ્રથમ સત્રનો ૨૪ જૂનથી પ્રારંભ થશે. ત્રીજી જુલાઈ સુધી ચાલનારા આ સત્ર દરમિયાન નવા ચૂંટાયેલા સાંસદો શપથ લેશે, નવા લોકસભા અધ્યક્ષની ચૂંટણી થશે તેમજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ લોકસભા અને રાજ્યસભાના જોઈન્ટ સીટિંગને સંબોધન કરશે. રાષ્ટ્રપતિના ભાષણ અંગે બંને ગૃહ દ્વારા આભાર પ્રસ્તાવ પસાર થવા સાથે ત્રીજી જુલાઈએ સત્રનું સમાપન થશે. લોકસભામાં સત્રના શરૂના ત્રણ દિવસ દરમિયાન સાંસદોની શપથવિધિ અને નવા અધ્યક્ષની ચૂંટણી થશે. ૨૭ જૂને રાષ્ટ્રપતિ જોઈન્ટ સીટિંગને સંબોધશે તથા નવી સરકારની આગામી પાંચ વર્ષ માટેની રૂપરેખા રજૂ કરશે. સત્રની વિગતો આપતા સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ એમ પણ જણાવ્યું હતું કે રાજ્યસભાનું ૨૬૪મું સત્ર ૨૭ જૂને શરૂ થઈને ત્રીજી જુલાઈએ પૂરું થશે. ૨૭ જૂને રાષ્ટ્રપતિના ભાષણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં તેમના નવા પ્રધાનમંડળનો પરિચય કરાવશે. ૨૪ જૂને લોકસભાના સત્રના પ્રારંભના ગણતરીના કલાકો પૂર્વે રાષ્ટ્રપતિ પ્રો-ટેમ સ્પીકર નીમશે, જેઓ સાંસદોને શપથ લેવડાવશે અને સ્પીકરની ચૂંટણી કરાવશે. સામાન્ય રીતે ગૃહના સૌથી વરિષ્ઠ સાંસદ પ્રો-ટેમ સ્પીકર બનતા હોય છે.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.