બોટાદ જિલ્લાની મુલાકાતે પધાર્યા રાજ્યના ઓપરેશન હેડ ડો. મુકેશભાઈ ચાવડા
પશુઓને આરોગ્ય સંભાળ આપવામાં આકસ્મિક સારવાર માટે ૧૯૬૨ની સેવા વધુ સુદ્રઢ કરવા અંગે તબીબો અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર્સને માર્ગદર્શિત કર્યા
(માહિતી બ્યુરો, બોટાદ)
જીવદયા પ્રેમી ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા પશુ સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી રાજ્યમાં હાલ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના પશુપાલન પ્રભાગ દ્વારા કાર્યરત “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨” તથા “૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના” અને EMRI GHS સંચાલિત કેન્દ્ર પુરસ્કૃત મોબાઈલ વેટનરી યુનિટ (MVU) 1962 સેવા મોખરે છે આ સેવાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી ગુજરાત રાજ્યના ઓપરેશન હેડ ડો.મુકેશ ચાવડાએ બોટાદ જિલ્લાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ચાવડા દ્વારા ૧૯૬૨ હેલ્પલાઈન નંબર ડાયલ કરવાથી વિનામૂલ્યે કોઈપણ ગામમાં પશુઓની સારવાર તુરંત ઉપલબ્ધ બની રહે તેવા ઓછાં સમયમાં રિસ્પોન્સ કરીને સારવાર આપે એવું મેનેજમેન્ટ કરવા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર્સ અને ડોક્ટર્સને માર્ગદર્શન આપ્યું હતું, તેમજ આ સેવાનો પશુપાલકો તથા અન્ય લોકો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા પ્રયાસો કરવા સૂચિત કર્યા હતા. સાથોસાથ પશુ સારવાર માટેની જરૂરી તમામ દવા સાધન સામગ્રી અને નિષ્ણાત પશુચિકિત્સા અધિકારી સાથે રહી આ યોજના મારફતે નિ:શુલ્ક પશુ સારવાર સેવાઓ વર્ષના ૩૬૫ દિવસ સવારે ૭ થી સાંજે ૭ દરમ્યાન પશુપાલકોને ઉપલબ્ધ રહે તેવું સૂચન આપવામાં આવ્યું હતું. આ તમામ વાહનોમાં જીપીએસની સુવિધા હોવાથી મુખ્યમંત્રીના ડેશબોર્ડ મારફતે યોજનાનું રીયલ ટાઈમ મોનિટરીંગ કરવામાં આવતું હોવાથી કુદરતી આફતના સમયમાં આ એકમો દ્વારા અવિરત સેવાઓ મળી રહેશે તેવા પ્રયાસો કરવા ઓપરેશન હેડ ચાવડા દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લાની સાથેસાથે શ્રી ચાવડાએ અમરેલી અને ભાવનગર જિલ્લાની પણ મુલાકાત લીધી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.