કુવૈત અગ્નિકાંડ અકસ્માત કે લાલચનું પરિણામ..!:જીવન મુશ્કેલ, પણ કમાણી મોટી.. એટલે તો પહેલી પસંદ છે આ ખાડી દેશ...જાણો કુવૈતમાં નોકરી કરવા કેમ જાય છે ભારતીયો... - At This Time

કુવૈત અગ્નિકાંડ અકસ્માત કે લાલચનું પરિણામ..!:જીવન મુશ્કેલ, પણ કમાણી મોટી.. એટલે તો પહેલી પસંદ છે આ ખાડી દેશ…જાણો કુવૈતમાં નોકરી કરવા કેમ જાય છે ભારતીયો…


એવું શું છે કુવૈતમાં કે ત્યાંની કુલ વસ્તીના 20 ટકાથી વધુ લોકો માત્ર ભારતીયો છે... ભારતીય કામદારોની પહેલી પસંદ કુવૈત કેમ બની રહ્યું છે... આ સવાલ દરેકના મનમાં ઊઠશે જ... ખરેખર તાજેતરમાં કુવૈતના દક્ષિણ માંગાફમાં થયેલી દુર્ઘટનામાં 40થી વધુ ભારતીય મજૂરોનાં મોત બાદ આ સવાલો ઊઠી રહ્યા છે. કુવૈત સરકારના આંકડા મુજબ ડિસેમ્બર 2023માં કુવૈતની કુલ વસ્તી 48.59 લાખ હતી. જેમાં 10 લાખથી વધુ ભારતીય મજૂર છે. ત્યારે આવો સમજીએ કે કુવૈત શા માટે ભારતીયોની પસંદગી બન્યું છે? હકીકતમાં, કુવૈતમાં ભારતીય કામદારોની ઘણી માંગ છે... સુથાર, મિસ્ત્રી, ઘરેલુ કામદારો, ફેબ્રિકેટર્સ, ડ્રાઇવરો, ફૂડ ડિલિવરી કરનારા લોકો અને કુરિયર બોય્સ પણ મોટી સંખ્યામાં ભારતીયો છે. ભારતીય મજૂરને દર મહિને 1050 ડૉલર સુધીનો પગાર
કુવૈતમાં મોટાભાગના લોકો કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પંજાબથી જાય છે. એક માહિતી અનુસાર તેમનો પગાર દર મહિને 300થી 1050 ડૉલર હોય છે. અહીં આપવામાં આવતું વેતન ઇન્ડોનેશિયા, મલેશિયા અને ઇરાક જેવા એશિયન દેશો કરતાં વધુ હોય છે. કુવૈતમાં સુથાર, મિસ્ત્રી, ડ્રાઇવરો અને પાઇપ ફિટર્સનો પગાર સૌથી ઓછો હોય છે... તેઓને દર મહિને લગભગ $300 ચૂકવવામાં આવે છે. જ્યારે ભારે વાહનોના ડ્રાઇવરો અને ઘરેલુ કામદારોને થોડો સારો પગાર મળે છે. તેમને દર મહિને 1050 ડૉલર સુધીનો પગાર મળે છે. આ ઉપરાંત ભારત કુવૈતમાં ભારતીય કામદારોના મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં 10 લાખ રૂપિયાનું કવરેજ પણ પ્રદાન કરે છે. કામદારો રહે છે કઠોર પરિસ્થિતિમાં
કુવૈતી ચલણ દિનારની ભારતીય રૂપિયા સાથે સરખામણી કરવામાં આવે તો આ ઘણું વધારે છે. જો કોઈ વ્યક્તિ કુવૈતમાં દર મહિને 1000 દિનાર કમાય છે, તો તે ભારતીય રૂપિયામાં લગભગ 2 લાખ 72 હજાર છે. જો કે, કુવૈતમાં રહેતા ભારતીય મજૂરો અને કામદારો કઠોર પરિસ્થિતિમાં રહે છે. તેઓ ખૂબ જ નાની જગ્યાઓમાં રહે છે. તેઓ અર્ધ-તૈયાર ઇમારતો અને મજૂર કેમ્પસમાં નાના રૂમમાં રહે છે. પરંતુ ભારત કરતાં વધુ કમાતા હોવાથી તેઓ અહીં કામ કરવા જાય છે. કુવૈતમાં કેટલા ભારતીયો છે?
કુવૈતમાં ભારતીય દૂતાવાસ અનુસાર કુવૈત ઘણાં વર્ષોથી મોટાભાગે ભારતીયો પર નિર્ભર છે. અહીં લગભગ 10 લાખ ભારતીયો રહે છે, જે કુવૈતની કુલ વસ્તીના 21 ટકા છે. એટલું જ નહીં, કુવૈતના કુલ વર્કફોર્સમાં 30 ટકા ભારતીયો પણ છે. કુવૈતની પબ્લિક ઓથોરિટી ફોર સિવિલ ઇન્ફોર્મેશન (PACI) ના ડેટા અનુસાર, ડિસેમ્બર 2023 સુધીમાં કુવૈતની વસ્તી 48.59 લાખ હતી. તેમાં પણ 33 લાખથી વધુ વસ્તી વિદેશી નાગરિકોની હતી. જો આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો કુવૈતમાં અંદાજે 30 લાખ મજૂરો અથવા કામદારો છે. આંકડા દર્શાવે છે કે કુવૈતમાં રહેતી વિદેશી વસ્તીના 75% લોકો મજૂર તરીકે કામ કરે છે. આંકડા અનુસાર, કુવૈતમાં 5.09 લાખ લોકો સરકારી સેક્ટરમાં અને 16.38 લાખ લોકો પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરે છે. સરકારી સેક્ટરમાં સાડા ચાર ટકા ભારતીયો છે, જ્યારે પ્રાઈવેટ સેક્ટરમાં 30 ટકા ભારતીયો છે. કુવૈતમાં ભારતીયોની વસ્તી પણ 10 લાખને વટાવી ગઈ છે. 10 લાખ ભારતીયોમાંથી 8.85 લાખથી વધુ ભારતીયો ત્યાં મજૂર તરીકે કામ કરે છે. કુવૈતમાં ભારતીયો પછી સૌથી વધુ કામદારો ઇજિપ્તના છે. કુવૈતમાં 4.77 લાખ ઇજિપ્તના કામદારો કામ કરે છે. આ સિવાય કુવૈતમાં 28 ટકાથી વધુ ઘરેલુ હેલ્પર પણ ભારતીય મહિલાઓ છે. પરંતુ એવું નથી કે કુવૈતમાં ભારતીયો માત્ર મજૂર તરીકે કામ કરે છે. ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર કુવૈતમાં એક હજારથી વધુ ભારતીય ડોક્ટરો છે. 500 ડેન્ટિસ્ટ ભારતીય છે અને 24 હજારથી વધુ નર્સો ભારતીય છે. શા માટે ભારતીયોની પસંદગી છે કુવૈત?
આનાં ઘણાં કારણો છે. પહેલું કારણ એ છે કે કુવૈતમાં કામ કરવું સરળ છે. અહીં, વધુ કૌશલ્યની જરૂર નથી અને કમાણી પણ વધુ છે. અહીં કોઈને પણ અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ કરવા માટે દબાણ કરી શકાતું નથી. જો કોઈ દિવસ વધુ કામ કરાવવામાં આવે તો ઓવરટાઇમ પણ ચૂકવવો પડે છે. ઓવરટાઇમ પણ બે કલાકથી વધુ નથી કરાવી શકાતો. જોકે કુવૈતમાં લઘુતમ વેતનનો કોઈ નિયમ નથી. પરંતુ ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO)ની ગાઈડલાઈન મુજબ વિદેશમાં કામ કરતા ભારતીય કામદારો માટે લઘુતમ વેતન નક્કી છે. 2016માં ગલ્ફ દેશોમાં કામની 64 શ્રેણીઓમાં કામ કરતા કામદારો માટે લઘુતમ વેતન નક્કી કરવામાં આવ્યું હતું. અહીં કામ કરતા ભારતીયોને 300થી 1050 ડૉલર સુધીનો પગાર મળે છે. રહેવું, ખાવું-પીવું... બધું સસ્તું
રિસર્ચ ફર્મ વર્કયાર્ડના રિપોર્ટ અનુસાર, કુવૈત વિશ્વની સૌથી સસ્તી જગ્યાઓમાંથી એક છે. અહીં રહેવા, ખાવા-પીવાનું બધું જ સસ્તું છે.અહીં એક બેડરૂમનો ફ્લેટ 250થી 300 દિનારના ભાડામાં ઉપલબ્ધ છે. તે જ સમયે, બે બેડરૂમના ફ્લેટનું ભાડું દર મહિને 300થી 400 દિનારની વચ્ચે છે. અહીં રહેતા ભારતીયો સાથે મળીને ફ્લેટ ભાડે લે છે. એકલા રહેતા લોકોને પણ અહીં 75થી 100 દિનારના માસિક ભાડા પર રૂમ મળે છે. સામાન્ય રીતે, કુવૈતમાં એક વ્યક્તિ માટે એક મહિના માટે ખાવાનો ખર્ચ માત્ર 50થી 75 દિનાર છે. એટલું જ નહીં, જો કોઈ વ્યક્તિનો માસિક પગાર 600 દિનારથી વધુ હોય તો તે કાર ખરીદી શકે છે. અહીં કાર ખરીદવા માટે માસિક પગાર ઓછામાં ઓછો 600 દિનાર હોવો જોઈએ. અહીં અઢીથી ત્રણ હજાર દિનારમાં સારી સેકન્ડ હેન્ડ કાર મળે છે. કુવૈતમાં કામ કરતા ભારતીયોના અધિકારો
- તમને કામ કરવા બદલ પગાર ચોક્કસ મળશે. જો તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે અથવા તમે જાતે જ છોડી દો તો પણ કોઈ કંપની કે કોન્ટ્રાક્ટર તમારો પગાર રોકી શકશે નહીં.
- દર વર્ષે 30 દિવસની રજા ફરજિયાત મળશે. જો આ 30 રજાઓનો ઉપયોગ કરવામાં ન આવે તો કંપની અથવા કોન્ટ્રાક્ટર વધારાની ચૂકવણી કરશે.
- કુવૈતમાં કામ કરતી વખતે જો તમે ઈમર્જન્સીની સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ થાવ છો, તો તમને પ્રવાસી ભારતીય વીમા યોજના હેઠળ 75 હજાર રૂપિયાની આર્થિક સહાય મળે છે.
- અહીં, જો તમે બીમાર પડો છો, તો તમે 15 દિવસની રજા લઈ શકો છો અને આ સમયગાળા દરમિયાન કોઈ પૈસા કાપવામાં આવતા નથી. જો તમે 15 દિવસથી વધુ રજા લો છો, તો તમને ત્રણ ચતુર્થાંશ પગાર મળે છે.
- તમને દર અઠવાડિયે એક દિવસની રજા મળે છે. જો તમે સપ્તાહની રજા પર કામ કરો છો, તો કંપની અથવા કોન્ટ્રાક્ટર લઘુતમ વેતનના 50% વધુ ચૂકવશે. દરરોજ એક કલાકનો બ્રેક પણ મળે છે.
- દરરોજ 6 કલાક અને અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ નથી કરાવી શકાતું. જો વધુ કામ કરાવાય તો કોન્ટ્રાક્ટર કે કંપનીને ઓવરટાઇમ ચૂકવવો પડશે. આ ઓવરટાઇમ મૂળભૂત વેતન કરતાં 25% વધુ હશે.
- 30 વર્ષથી ઓછી ઉંમરની ભારતીય મહિલાઓ ઘરેલુ હેલ્પર તરીકે કામ કરી શકતી નથી. ભારત સરકારે આ પ્રતિબંધ લગાવ્યો છે. આટલું જ નહીં, ઘરેલુ હેલ્પર સિવાય અન્ય કામમાં રોકાયેલી મહિલાઓને રાત્રે 10 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી કામ કરાવી શકાશે નહીં.
- ભારતમાંથી વિદેશમાં કામ કરનારાઓને પણ વીમા કવરેજ મળે છે. વિદેશમાં કામ કરતી વખતે અચાનક મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં 10 લાખ રૂપિયા સુધીનો વીમો ઉપલબ્ધ છે. કોઈપણ વિવાદના કિસ્સામાં સરકાર 30,000 રૂપિયા સુધીનો કાનૂની ખર્ચ પણ ઉઠાવે છે. કુવૈતમાં ભારતીયો શું કામ કરે છે?
ભારતીય નાગરિકો કુવૈતમાં ઘણા કારણોસર રહે છે. સૌથી મોટાં કારણો નોકરી, ધંધો અને પ્રવાસન છે. આજે કુવૈત નોકરીની બાબતમાં ભારતીયોને આકર્ષે છે. તેનાં કારણોમાં કરમુક્ત આવક, મકાનો પર સબસિડી, ઓછા વ્યાજે લોન, ઉત્તમ પગાર પેકેજ, તબીબી સહાય અને નોકરીની ઘણી તકો છે. જેના કારણે ભારતીયો કુવૈત પહોંચે છે. મળતી માહિતી મુજબ અહીંના મોટાભાગના ભારતીયો ઓઈલ, ગેસ, કન્સ્ટ્રક્શન સેક્ટર, હેલ્થકેર અને ફાઈનાન્સ સેક્ટરમાં કામ કરે છે. પ્રોફેશનલ લેવલના ફાયદા તેમને અહીં નોકરી સાથે જોડાયેલા રાખે છે. આ રીતે ત્યાં જતા ભારતીયોની સંખ્યા વધી રહી છે. એટલું જ નહીં, બંને દેશો વચ્ચેના સારા સંબંધોનો લાભ પણ ભારતીયોને મળે છે. તમને કેટલો પગાર મળે છે?
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કુવૈતમાં ભારતીયોને કેટલો પગાર મળે છે? માહિતી અનુસાર, લોઅરથી મિડ રેન્જમાં કામ કરતા પ્રોફેશનલ્સનો પગાર 2.70 લાખથી 8 લાખ રૂપિયા સુધીનો છે. જ્યારે અત્યંત કુશળ અને અનુભવી વ્યાવસાયિકોના પગારનો આંકડો આના કરતા ઘણો વધારે છે. જ્યારે કુવૈતમાં અકુશળ મજૂર, હેલ્પર અને સફાઈ કામદારોને દર મહિને લગભગ 100 કુવૈતી દિનાર એટલે કે લગભગ 27 હજાર રૂપિયા મળે છે. જ્યારે નિમ્ન કુશળ લોકોને દર મહિને રૂ. 38 હજારથી રૂ. 46 હજાર મળે છે. કુવૈતમાં ભારતીયો માટે કેટલા વિઝા કુવૈત ભારતીયોને 4 કેટેગરીમાં વિઝા આપે છે. ટુરિસ્ટ વિઝા: કુવૈત ભારતીય નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા જારી કરે છે. આ તે ભારતીયો માટે જારી કરવામાં આવે છે જેઓ ત્યાં ફરવા જાય છે. વિઝિટર વિઝા: ભારતીયો માટે આપવામાં આવતા આ વિઝા 90 દિવસ માટે માન્ય રહે છે, પરંતુ અહીં 30 દિવસથી વધુ રહેવાની મંજૂરી નથી. જો તમે આનાથી વધુ સમય પસાર કરો છો, તો તમારે દરરોજ $30નો દંડ ચૂકવવો પડશે. ટ્રાન્ઝિટ વિઝા: આ વિઝા કુવૈત પોર્ટ ઓથોરિટી અથવા કુવૈત કોન્સ્યુલેટ દ્વારા મેળવી શકાય છે. આ માત્ર 7 દિવસ માટે માન્ય છે. આ વિઝા મેળવવા માટે અરજદારો પાસે કુવૈતની કન્ફર્મ ટિકિટ હોવી જરૂરી છે. વર્ક વિઝાઃ જો તમારે અહીં નોકરી કરવી હોય તો તમારે કુવૈત વર્ક વિઝા માટે અરજી કરવી પડશે. આ વિઝા કુવૈતના બંધારણની કલમ 17 અને 18ના નિયમો હેઠળ જારી કરવામાં આવે છે. આ વિઝા માટે ઘણી શરતો છે, જેને પૂરી કરવી પડશે. આ માટે ભારતીયો પાસે કુવૈતી કંપનીનો ઓફર લેટર હોવો જોઈએ. ફિટનેસ સર્ટિફિકેટ હોવું પણ જરૂરી છે. જો કે, શરૂઆતમાં તે 90 દિવસ માટે જારી કરવામાં આવે છે અને પછી તે 1 વર્ષ માટે જારી કરવામાં આવે છે. ભારતીયો તેમની સુવિધા અને જરૂરિયાત મુજબ આ માટે અરજી કરી શકે છે. તો આવો જાણીએ કુવૈત આગકાંડ બાદ ભારતીય સરકાર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કુવૈતમાં 42 ભારતીય મજૂર ઊંઘમાં જ ભડથું
કુવૈતના માંગાફ શહેરમાં બુધવારે 6 માળની ઈમારતમાં લાગેલી આગમાં 49 મજૂરોનાં મોત થયાં છે. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા લોકોમાંથી લગભગ 42 ભારતીયો છે. ANI અનુસાર, આમાંથી 12 કેરળના અને 5 તમિલનાડુના હતા. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જ કુવૈત જવા રવાના થયા છે. અન્ય મૃતકો પાકિસ્તાન, ફિલિપાઈન્સ, ઈજિપ્ત અને નેપાળના છે. અકસ્માત બાદ ભારતના વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ કુવૈત પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે, ઈમારતમાં આગ લાગવાને કારણે કેટલાક મૃતદેહો એટલી ખરાબ રીતે દાઝી ગયા હતા કે તેમની ઓળખ થઈ શકી નથી. બિલ્ડિંગની સીડીઓ પર ઘણા મૃતદેહો મળી આવ્યા હતા. ભારતનું એરફોર્સ વન પ્લેન મૃતદેહોને પરત લાવવા માટે તૈયાર છે. મંત્રીએ કહ્યું, જેવી જ મૃતદેહોની ઓળખ થશે, તેમના પરિવારોને જાણ કરવામાં આવશે. આ પછી મૃતદેહોને ભારત પરત લાવવામાં આવશે. કુવૈતના સમય મુજબ બુધવારે સવારે લગભગ સાડા ચાર વાગ્યે આ અકસ્માત થયો હતો. 6 માળની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રસોડામાં લાગેલી આગ ઝડપથી સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. તે સમયે તમામ કામદારો સૂતા હતા. આગના કારણે મચેલી નાસભાગ વચ્ચે ઘણા લોકો ગભરાઈને ઈમારતની બારીમાંથી કૂદી પડ્યા હતા. ઘણા લોકો બિલ્ડિંગની અંદર ફસાયા હતા અને ધુમાડામાં ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાનું વળતર અપાશે
આ ઘટનાને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ બુધવારે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે, મૃત્યુ પામેલા ભારતીયોનાં પરિવારજનોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. પીએમ મોદીએ મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.