ડભોઈ નગર પાલિકાએ કેટલાક રોજમદાર કર્મચારીઓને છૂટા કર્યા – નગરમાં વિવિધ ચર્ચાએ વેગ પકડ્યો
રિપોર્ટ -નિમેષ સોની, ડભોઈ
ડભોઇ નગરપાલિકા વારંવાર વિવાદોના વમળમાં જ રહેતી હોય છે. હાલ જાણવા મળતી માહિતી મુજબ, ડભોઇ નગરપાલિકામાં રોજમદાર કર્મચારીઓનું મહેકમ વધુ પડતું હોવાની, તેમજ રાજકીય અને ઉપર નીચેના વહિવટની આંટીઘૂંટીઓમાં વિવાદમાં આવી ગયેલ કેટલાક રોજમદારો કર્મચારીઓને છૂટાં કરતાં નગરમાં વિવિધ ચર્ચાઓએ વેગ પકડ્યો છે. કેટલાક રોજમદાર કર્મચારીઓ સત્તાધીશોના કમાઉ દીકરા તરીકેની એક છાપ નગરમાં ઉભી કરી હતી. ત્યારે પાલિકામાં વધુ પડતાં રોજમદાર કર્મચારીઓ હોવા અંગેની વિરોધ પક્ષની રજૂઆતને પ્રાદેશિક કમિશનરે ધ્યાને લઈને રોજમદાર કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવા પાલિકાનાં સત્તાધીશોને સૂચન કરેલ છે. જેનો અમલીકરણ કરવાના ભાગરૂપે ડભોઇ નગરપાલિકાનાં વહીવટી તંત્રએ આ રોજમદાર કમાઉં દીકરાઓને મને કમને છુટા કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
છેલ્લા કેટલાય સમયથી ડભોઇ નગરપાલિકામાં હેતુફેર, રજા ચિઠ્ઠી, આકરણી પત્રક, સ્ટ્રીટલાઈટના કનેક્શન, ગટર પાણીના કનેક્શન જેવા અનેક કાર્યોને લઈને આ કમાઉં દીકરાઓ કોની છત્રછાયામાં વહિવટ કરી રહ્યા હતાં, તે તો જાગૃત નગરજનો જાણે જ છે. પરંતુ આજરોજ આ સમગ્ર મામલો બહાર આવતાં તાત્કાલિક ધોરણે ડભોઈનગર પાલિકાએ આ કમાઉં દીકરાઓને પ્રાદેશિક કમિશનરના હુકમને ધ્યાને રાખીને છૂટા કર્યા હોવાનું જણાવવામાં આવી રહયું છે. પરંતુ તેની પાછળનું રહસ્ય કઈ અલગ જ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. માત્ર નહિવત કર્મચારીઓને છૂટા કરવાથી વહિવટ સુધરી જવાનો નથી. પરંતુ એવા કેટલાય રોજમદાર કર્મચારીઓ હાલ કામ કરી રહ્યા છે જે સત્તાધીશો માટે કમાઉં દિકરા બની વહિવટ કરે છે. એટલું જ નહીં પાલિકામાંથી નિવૃત્ત થયેલાં રૂઆબદાર અને બધાં પ્રકારનાં વહિવટમાં નિપુણ કર્મચારીઓને પણ રોજમદાર કર્મચારી તરીકે ફરજમાં લેવામાં આવતાં હોય છે અને તે પાછળનું સાચું રહસ્ય તો નગરજનો જાણે છે. એક તરફ ડભોઇ નગરપાલિકા વિકાસનાં પંથે આગળ વધવા પ્રયાસ કરી રહી છે, ત્યારે બીજી તરફ રાજકીય હૂંસાતૂસી અને આંટીઘૂંટીઓને કારણે ડભોઇનો વિકાસ રૂંધાઇ રહ્યો .હોવાનું જાગૃત નાગરિકોને લાગી રહયું છે. જયારે પ્રજાજનો વિકાસની મીટ મારીને બેઠા છે. સારા પરિણામો કયારે આવશે એ તો ખુદા જાણે. પરંતુ કેટલાક લોકોનો અને કેટલાક સત્તાધીશોને તો બારેમાસ વિકાસ વિકાસ જ છે. " વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો " જેવી સ્થિતિ નગરજનોની છે.
9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.