ગોળીઓના અવાજથી સલમાન ભર ઊંઘમાંથી સફાળો જાગી ગયો હતો:14 એપ્રિલની ઘટના પર આપ્યું નિવેદન, એક્ટરે કહ્યું, ‘મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે’, મને કોર્ટ દ્વારા સજા થઈ ચૂકી છે
14 એપ્રિલે સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબાર થયો હતો. બે મહિના બાદ મુંબઈ પોલીસે આ મામલે સલમાન ખાનનું નિવેદન લીધું છે. પોતાના નિવેદનમાં સલમાને ખુલાસો કર્યો છે કે તે 14 એપ્રિલની સવારે ગોળીબારનો અવાજ સાંભળીને જાગી ગયો હતો. પોલીસે દાવો કર્યો છે કે શૂટરોએ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિર્દેશ પર 58 વર્ષીય અભિનેતાની હત્યા કરવાની યોજના બનાવી હતી. સલમાને પોલીસને કહ્યું, 'હું વારંવાર અલગ-અલગ લોકો દ્વારા નિશાન બનીને કંટાળી ગયો છું. અગાઉ પણ અનેક વખત ધમકીઓ મળી છે, દંડ પણ ફટકારવામાં આવ્યો છે. હું ઘણા કેસોમાં ફસાઈ ગયો છું. હું હતાશ છું. મને કોર્ટ દ્વારા સજા મળી ચૂકી છે'. 4 જૂને સલમાન અને તેના ભાઈઓના નિવેદન નોંધવામાં આવ્યાં હતાં
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની 4 લોકોની ટીમે 4 જૂને સલમાન અને તેના ભાઈઓ સોહેલ અને અરબાઝનું નિવેદન નોંધ્યું હતું. આ દરમિયાન સલમાનના ભાઈઓની 6 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો સલમાને પોતાના નિવેદનમાં પોલીસને કહ્યું છે કે તેને લાગ્યું કે તેનો જીવ જોખમમાં છે. તેણે મદદ માટે મુંબઈ પોલીસનો પણ આભાર માન્યો છે. પોતાના નિવેદનમાં સલમાને કહ્યું કે, 13 એપ્રિલે પાર્ટી કર્યા બાદ તે મોડી રાત્રે સૂઈ ગયો હતો. સવારે ગોળીબારનો અવાજ સાંભળીને તે જાગી ગયો. આ પછી તે બાલ્કનીમાં પણ દોડી ગયો હતો. તેણે ત્યાંથી બહાર જોયું તો બહાર કોઈ નહોતું. સલમાન ખાનને મારવા માટે પાકિસ્તાનથી AK-47 મગાવવામાં આવી હતી
ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ કર્યા બાદ લોરેન્સ બિશ્નોઈની ગેંગ ફરીથી સલમાન ખાન પર હુમલો કરવાની યોજના બનાવી રહી હતી. 1 જૂનના રોજ નવી મુંબઈ પોલીસે આ કેસમાં લોરેન્સ બિશ્નોઈની ગેંગના ચાર લોકોની ધરપકડ કરી હતી. ચાર આરોપીઓની ઓળખ ધનંજય ઉર્ફે અજય કશ્યપ, ગૌરવ ભાટિયા ઉર્ફે ન્હાઈ, વાસ્પી ખાન ઉર્ફે વસીમ ચિકના અને ઝીશાન ખાન ઉર્ફે જાવેદ ખાન તરીકે કરવામાં આવી છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ આ લોકો પનવેલમાં સલમાનની કાર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. સલમાન ખાન પર નજર રાખવામાં આવી રહી હતી
ગોરેગાંવ ફિલ્મ સિટીની રેકી પણ કરી હતી જેમાં એક્ટરના ફાર્મ હાઉસ અને કેટલાક શૂટિંગ સ્થળોનો સમાવેશ થાય છે. મુંબઈ, રાયગઢ, નવી મુંબઈ, થાણે, પુણે અને ગુજરાતમાંથી આવતા લોરેન્સ બિશ્નોઈ અને સંપત નેહરા ગેંગના લગભગ 60 થી 70 સાગરિતો સલમાન ખાન પર નજર રાખી રહ્યા હતા. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓના મોબાઈલ ફોનમાંથી આ પ્રકારના અનેક વીડિયો પણ કબજે કર્યા છે. પોલીસે ઘણા ફોન અને સિમ કાર્ડ પણ રિકવર કર્યા છે. સગીર દ્વારા સલમાન પર હુમલો કરવાનો હતો પ્લાન
તેઓ સગીરો દ્વારા સલમાન પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. હુમલા બાદ તેમની યોજના કન્યાકુમારીથી બોટ દ્વારા શ્રીલંકા ભાગી જવાની હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.