મોડલીંગની જાહેરાત જોઈ એમબીબીએસની છાત્રા છેતરાઈ: રૂા.20 હજાર ગુમાવ્યા
શહેરમાં મંગળા રોડ પર રહેતી એમબીબીએસની છાત્રાએ ઈન્સ્ટાગ્રામમાં આવેલી મોડલીંગની પ્રતિદિન રૂા.6000ની પગારવાળી જાહેરાત જોતા ડિપોઝીટ પેટે જયવીર નામના શખ્સે રૂા.20 હજાર પડાવી છેતરપીંડી આચરતા એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે મંગળા મેઈન રોડ પર મનહરપ્લોટ શેરી નં.7માં મહાકાળી એપાર્ટમેન્ટમાં રહેતા બ્રાસની ઉર્ફે વૃંદા અનિલકુમાર સાટોડીયા (ઉ.26) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જયવીરનું નામ આપતા એ ડીવીઝન પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તે એમબીબીએસનો અભ્યાસ કરે છે અને એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ ધરાવે છે. નવેક મહિના પહેલા તેણી તેના ઘરે હતી ત્યારે મોબાઈલ ફોનમાં ઈન્સ્ટાગ્રામમાં ટાઈટલ ઓફ ગુજરાત ટાઈટલ્સ ઓફ ગુજરાત નામના આઈડીને ફોલો કરેલ હતું. તે આઈડીમાં રેગ્યુલર સ્ટેટસ જોતી હતી.
ગઈ તા.3/10/23 ના આઈડીમાં એક સ્ટોરી જોયેલ જેમાં અમદાવાદમાં એડવર્ટાઈઝર માટે ગર્લ્સની જરૂરત હોય અને એક દિવસના છ હજાર રૂપિયા પગાર તેમજ રહેવા-જમવા અને ટ્રાવેલ્સની સુવિધા આપશે તેવું લખેલ હતું. સ્ટોરીમાં મોબાઈલ નંબર 88497 64856 આપેલ હતું. તેણીને મોડલીંગ કરવાનો શોખ હોય જેથી તે નંબર પર વોટસએપ મારફતે ફોટા મોકલેલ હતા.
બાદમાં ગઈ તા.4/10/23ના તે નંબર પરથી મેસેજ આવેલ હતો અને કોલ કરવાનું કહેતા તેમાં કોલ કરેલ અને સામાવાળાનું નામ પુછતા પોતાનું નામ જયમીન હોવાનું જણાવેલ હતું. દરમ્યાન એડવર્ટાઈઝર માટેના નિયમ બાબતે બંને વચ્ચે ચર્ચા થયેલ હતી.
તેણીની સાથે તેમની નાની બહેન કૃતિને પણ એડવર્ટાઈઝર તરીકે જવું હોય જેથી આરોપીને કહેલ કે અમારા બંને બહેનોને એડવર્ટાઈઝર તરીકે આવવું છે જેથી આરોપીએ એક વ્યક્તિના ડિપોઝીટ પેટે રૂા.10 હજાર આપવા પડશે અને તમે નોકરી જોઈનીંગ કરશો ત્યારે ડિપોઝીટ પરત આપવામાં આવશે તેમ વાત કરેલ હતી.
બાદમાં ગઈ તા.5/10/23ના આરોપીને ફોન કરી ડિપોઝીટ પેટેના રૂા.20 હજાર કયુઆર કોડ મારફતે ટ્રાન્સફર કરેલ હતા અને આરોપીને ફોન કરી અમારે કયારે આવવાનું છે તેમ પુછતા તેણે જણાવેલ કે તમારે આવવાનું હશે તેના એક અઠવાડીયા પહેલા જાણ કરવામાં આવશે.
બાદમાં તેને ફોન કરતા અલગ અલગ તારીખો આપતો હતો. જેથી તેમની સાથે ફ્રોડ થયાનું જાણવા મળતા ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી એ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી પીએસઆઈ બી.એચ.પરમારે તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.