EDITOR'S VIEW: ભાઈ-બહેનના ખભે કોંગ્રેસનો ભાર:બેઠક છોડવાના ધર્મસંકટમાંથી રાહુલ આ રીતે રસ્તો નીકાળી શકે, ઉત્તર અને દક્ષિણ ભારત બંને સાચવવાનો ગાંધી પરિવારનો માસ્ટર પ્લાન - At This Time

EDITOR’S VIEW: ભાઈ-બહેનના ખભે કોંગ્રેસનો ભાર:બેઠક છોડવાના ધર્મસંકટમાંથી રાહુલ આ રીતે રસ્તો નીકાળી શકે, ઉત્તર અને દક્ષિણ ભારત બંને સાચવવાનો ગાંધી પરિવારનો માસ્ટર પ્લાન


2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા અને વારાણસી બંને સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. બંને સીટ પરથી જીત્યા હતા અને તેમણે વડોદરા સીટ છોડી વારાણસીની સીટ પસંદ કરી હતી. એવું જ આ વખતે રાહુલ ગાંધી સાથે થયું છે. ઉત્તર ભારતમાં એટલે ઉત્તર પ્રદેશમાં રાયબરેલીની સીટ પરથી પણ રાહુલે જીત મેળવી ને દક્ષિણ ભારતમાં કેરળની વાયનાડ સીટ પરથી પણ જીત મેળવી. હવે રાહુલ કઈ સીટ છોડે છે, તેના પર સૌનો મદાર છે. કારણ કે આજે વાયનાડ ગયેલા રાહુલ ગાંધીએ કહ્યું કે, મારા માટે ધર્મસંકટ છે કે કઈ સીટ છોડવી? નમસ્કાર રાહુલ જ્યારે પણ નિર્ણય લેશે ત્યારે રાયબરેલી સીટ જાળવી રાખે તેવી સંભાવના વધારે છે. કારણ કે રાયબરેલી કોંગ્રેસની, ખાસ કરીને ગાંધી પરિવારની કમિટેડ સીટ રહી છે અને કોંગ્રેસના હાથમાં ઉત્તર પ્રદેશ આવ્યું છે ત્યારે રાહુલ રાયબરેલીની સીટ જાળવી રાખીને વાયનાડ છોડે તેવી શક્યતા વધારે છે. વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડે એવું સંભવ છે, એટલે ભાઈ ઉત્તર પ્રદેશ સંભાળશે અને બહેન દક્ષિણ ભારત સંભાળશે. આ રીતે કોંગ્રેસ બેલેન્સ કરવાનો માસ્ટર પ્લાન બનાવી રહી છે. રાહુલના વાયનાડ ભાષણના 5 મુખ્ય મુદ્દાઓ... 1. સીટ છોડવાનું ધર્મસંકટ
રાહુલ ગાંધીએ કેરળના મલ્લપુરમમાં સભાને સંબોધન કરતાં સીટ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, વાયનાડ સીટ છોડું કે રાયબરેલી, તે મારા માટે ધર્મસંકટ છે. મોદીની જેમ મને પરમાત્માનું ગાઈડન્સ નથી મળતું. હું તો સાધારણ મનુષ્ય છું એટલે સીટનો નિર્ણય મારે જ લેવો પડશે. દેશની ગરીબ જનતા જ મારા માટે પરમાત્મા છે. હું જનતા સાથે વાત કરીશ અને પછી નિર્ણય લઈશ. 2. મોદીના પરમાત્મા આદેશ આપે છે
મોદીએ કહ્યું હતું કે તે બાયોલોજિકલ નથી. તેને પરમાત્માએ મોકલ્યા છે. મોદીજીના પરમાત્મા અદાણી-અંબાણી માટે નિર્ણયો લે છે. મોદીના પરમાત્મા કહે કે બોમ્બે એરપોર્ટ અદાણીને આપો તો આપી દેશે. પછી કહે છે કે લખનૌ એરપોર્ટ આપો, તો મોદી આપશે. પછી પાવર પ્લાન્ટ અદાણી-અંબાણીનાં નામે ટ્રાન્સફર થાય છે. આ પછી પીએમ મોદીએ અદાણીની મદદ માટે અગ્નિવીર સ્કીમ બનાવી. 3. મોદી-શાહ બંધારણ બદલવા માંગે છે
દેશના દરેક રાજ્યમાં અલગ-અલગ ભાષાઓ છે, અલગ અલગ સંસ્કૃતિ છે. બંધારણના કારણે જ દરેક રાજ્યની પરંપરાઓ સુરક્ષિત છે. જો બંધારણ જતું રહેશે તો કાલે કોઈ કેરળ આવશે અને કહેશે કે તમે મલયાલમ બોલો... આ ચૂંટણી બંધારણ માટે હતી. એક તરફ લાખો લોકો કહી રહ્યા હતા કે અમને અમારી પરંપરા પાછી જોઈએ છે. અમે અમારી સંસ્કૃતિમાં માનીએ છીએ. અમારું ભવિષ્ય અમે જાતે નક્કી કરીશું. બીજી તરફ, પીએમ મોદી અને અમિત શાહ ઇચ્છતા હતા કે કેરળના લોકો હિન્દી બોલે. 4. મોદી-શાહ તાનાશાહી નહીં કરી શકે
મોદી-શાહને લાગ્યું કે તેમની પાસે ED-CBI હશે તો જ તેઓ તાનાશાહી ચલાવી શકશે. ઉત્તર પ્રદેશ અને કેરળના લોકોએ જવાબ આપી દીધો કે અમે તાનાશાહી નહીં ચલાવી લઈએ. આ ચૂંટણીમાં નફરત અને હિંસાને મોહબ્બતે હરાવી છે. અહંકારને માનવતાએ હરાવ્યો છે. 5. અમે વિપક્ષની ભૂમિકા ભજવતા રહીશું
દિલ્હીમાં રચાયેલી સરકાર અપંગ સરકાર છે. વિપક્ષે ભાજપને ભારે નુકસાન પહોંચાડ્યું છે. મોદીજીનું વલણ પણ બદલાયું છે. અમે વિપક્ષની ફરજ નિભાવતા રહીશું. અમે સંસદમાં ગરીબોનો મુદ્દો ઉઠાવતા રહીશું. મોદીએ કહ્યું હતું કે તે 400ને પાર કરશે. પછી કહ્યું કે તે 300ને પાર કરશે. પરંતુ 300ને પણ પાર કરી શક્યા નથી. ગાંધી પરિવારની કમિટેડ સીટ છે, રાયબરેલી
ગાંધી પરિવાર 1952થી રાયબરેલી સીટ જીતી રહ્યો છે. રાહુલના દાદા ફિરોઝ ગાંધી, દાદી ઈન્દિરા ગાંધી અને માતા સોનિયા ગાંધી અગાઉ આ બેઠક પરથી સાંસદ રહી ચૂક્યાં છે. ઈન્દિરાના પતિ ફિરોઝ ગાંધીએ 1952માં પહેલીવાર આ સીટ જીતી હતી. ઈન્દિરા ગાંધીએ 1967થી 1977 વચ્ચે દસ વર્ષ સુધી આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1980માં ઈન્દિરા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં રાયબરેલી અને અવિભાજિત આંધ્રપ્રદેશમાં મેડક એમ બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી. બંને બેઠકો જીતી હતી. ઈન્દિરા ગાંધીએ રાયબરેલી બેઠક છોડી અને મેડક જાળવી રાખી હતી. 1980થી ગાંધી પરિવારના વફાદાર અરુણ નેહરુ, શિલા કૌલ અને કેપ્ટન સતીશ શર્માએ 2004 સુધી રાયબરેલી જીતી હતી. આ પછી સોનિયા ગાંધી અહીંથી લડતાં રહ્યાં અને 2019 સુધી અહીંથી સાંસદ રહ્યાં. રાયબરેલીમાં રાહુલે કહ્યું હતું, પ્રિયંકા સામે મોદી હારી જાત
બુધવારે રાહુલ ગાંધી વાયનાડ ગયા હતા તો મંગળવારે તે રાયબરેલીમાં હતા. ત્યાં તેમણે મતદારોનો આભાર માનવા સભા કરી હતી. આ સભામાં રાહુલની સાથે પ્રિયંકા ગાંધી પણ હતાં. રાહુલ ગાંધીએ સભા સંબોધનમાં કહ્યું કે, ભાજપ અયોધ્યા બેઠક હારી ગયો. અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું, પરંતુ પ્રાણપ્રતિષ્ઠા વખતે એકપણ ગરીબ નહોતો. દેશના રાષ્ટ્રપતિને પણ કહી દેવાયું હતું કે, તમે અહીં ન આવી શકો. અયોધ્યામાં જ નહીં, પ્રધાનમંત્રી પોતે વારાણસીથી માંડ માંડ જીત્યા. મારી બહેન પ્રિયંકા વારાણસીથી ચૂંટણી લડી હોત તો મોદી 2થી 3 લાખ વોટથી હારી ગયા હોત. હું અમેઠીના લોકોને કહેવા માગુ છું, હું રાયબરેલીનો સાંસદ છું. પરંતુ જે રાયબરેલીમાં થશે તે અમેઠીમાં પણ થશે. પ્રિયંકા ગાંધીએ રાયબરેલીમાં કહ્યું- જ્યારે હું ચૂંટણી લડવા આવી હતી ત્યારે મેં કહ્યું હતું કે મારી પાસે 300 કલાક છે. તમે લોકો 2-2 કલાક સૂઈ જાઓ. બાકીના સમયમાં કામ કરવાનું છે. અવધથી અમે આખા દેશને જીતનો સંદેશો આપ્યો. આ વખતે કોંગ્રેસ એક થઈને લડી છે. સમાજવાદી પાર્ટીનો આભાર કે તેમનો દરેક કાર્યકર્તા અમારા કાર્યકરો સાથે મળીને લડ્યો. રાહુલને રાયબરેલી અને વાયનાડ, બંને સીટ પર જંગી લીડ મળી
રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલી અને કેરળના વાયનાડથી ચૂંટણી લડ્યા ને જીત્યા. બંને સીટ પર તેમને જંગી લીડ મળી છે. રાયબરેલી સીટમાં તેમને 6 લાખ 87 હજાર 649 મત મળ્યા હતા અને 66.17% વોટશેર હતો. તેમને 3 લાખ 90 હજાર 030ની લીડ મળી છે. તો વાયનાડ સીટ પર રાહુલને 6 લાખ 47 હજાર 445 મત મળ્યા. તેમનો વોટશેર અહીં 59.69% હતો. અહીં રાહુલની લીડ 3 લાખ 64 હજાર 422 છે. મજાની વાત એ છે કે, આખા યુપીમાં સૌથી વધારે લીડ પણ રાહુલ ગાંધીની છે. રાહુલ રાયબરેલી સીટ જાળવી રાખશે, તેના કારણો આ રહ્યા... દિલ્હીની સત્તાનો માર્ગ ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે...
રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની રાયબરેલી સીટ નહીં છોડે એ લગભગ નક્કી માની શકાય. કારણ કે, ભારતના રાજકારણમાં એવું કહેવાય છે કે- જેનું ઉત્તર પ્રદેશ, તેનું દિલ્હી. દિલ્હીમાં સત્તાનો માર્ગ ઉત્તરપ્રદેશમાંથી પસાર થાય છે. અહીં લોકસભાની સૌથી વધારે 80 બેઠક છે. આ જ કારણ છે કે પીએમ મોદી પણ ગુજરાતને બદલે વારાણસીથી ચૂંટણી લડે છે. 2014 અને 2019માં ભાજપે ઉત્તરપ્રદેશમાં એકતરફી પ્રદર્શન કરીને બહુમતી મેળવી હતી. પણ 2024માં ચિત્ર પલટાયું. 2027માં યુપી વિધાનસભાની ચૂંટણી છે, જે કોંગ્રેસ માટે મહત્વની છે
2019માં અમેઠીમાંથી રાહુલ ગાંધીની હાર બાદ યુપીમાંથી કોંગ્રેસનું સમર્થન ઊથલપાથલ થઈ ગયું હતું. માત્ર રાયબરેલી સીટ બાકી હતી. 2024ની ચૂંટણીમાં કોંગ્રેસે સપા સાથે ગઠબંધન કર્યું અને અમેઠી-રાયબરેલી સહિત 6 બેઠક જીતી. કોંગ્રેસને એવી આશા દેખાઈ રહી છે કે તે ફરી એકવાર યુપીમાં પોતાનાં મૂળિયાં મજબૂત કરી શકે છે. 2027માં વિધાનસભાની ચૂંટણી છે. 3 વર્ષનો સમય બાકી છે. આ સમયગાળા દરમિયાન કોંગ્રેસ સંપૂર્ણ તૈયારી કરીને પોતાનું પ્રદર્શન સુધારી શકે છે. આવી સ્થિતિમાં જો રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશ છોડશે તો પાર્ટીને મોટો ફટકો પડશે. રાહુલ વાયનાડ છોડે તો પણ કોંગ્રેસને આ સીટ પર જોખમ જેવું ખરું
​​​​​​​વાયનાડ કોંગ્રેસની કમિટેડ સીટ છે, તેના કરતાં ત્યાંના લોકો રાહુલને પ્રેમ કરે છે અને એટલે જ જંગી લીડથી તે જીતતા આવ્યા છે. બે વર્ષ પછી 2026માં કેરળમાં વિધાનસભાની ચૂંટણી છે. કોંગ્રેસ માટે તેના સૌથી મોટા નેતાને દક્ષિણ ભારતમાંથી સાંસદ બનાવવા ફાયદાકારક રહેશે. રાહુલ વાયનાડ છોડશે તો ખોટો સંદેશ જશે. રાહુલના રાજીનામા બાદ આ સીટ પર પેટાચૂંટણી યોજાશે. આવી સ્થિતિમાં કોંગ્રેસની સહયોગી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) દાવો કરશે, કારણ કે રાહુલને આ સીટ જિતાડવાની જવાબદારી IUMLના મતદારો પર છે. વાયનાડ બેઠકમાં ત્રણ જિલ્લાની સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. તેમાંથી ત્રણ વિધાનસભા મતવિસ્તાર મલપ્પુરમ જિલ્લાના અને એક વિધાનસભા મતવિસ્તાર કોઝિકોડ જિલ્લામાંથી છે, જેમાં IUMLનો નોંધપાત્ર પ્રભાવ છે. બની શકે કે રાહુલ વાયનાડ સીટ જાળવી રાખે
એવું પણ બને કે, રાહુલ ગાંધી રાયબરેલી છોડીને વાયનાડને પોતાના માટે રાખે. દક્ષિણમાં કોંગ્રેસની સ્થિતિ સારી છે. જ્યારે કટોકટીની સ્થિતિ સર્જાઈ ત્યારે રાહુલ ગાંધી કેરળ જ ગયા હતા. કેરળ દક્ષિણનું પ્રવેશદ્વાર છે. કેરળ, કર્ણાટક અને તામિલનાડુ રાજ્યો ભલે અલગ હોય, લોકો ભલે અલગ હોય પણ તેમનો સાંસ્કૃતિક વારસો એકબીજા સાથે જોડાયેલો છે. મલયાલમ, કન્નડ અને તમિળ સંસ્કૃતની ત્રણ દીકરી છે. આ ત્રણેય રાજ્યમાં એકબીજાના સંબંધીઓ રહે છે. જો તેઓ વાયનાડ જાળવી રાખે તો દક્ષિણમાં કોંગ્રેસનું પ્રદર્શન સુધરશે. જે સીટ રાહુલ ખાલી કરશે, પ્રિયંકા ત્યાંથી ચૂંટણી લડી શકે છે
​​​​​​​રાહુલ ગાંધી એ બે બેઠક પરથી લડી રહ્યા હતા, જ્યાં તેમની જીત નિશ્ચિત હતી. તે એક બેઠક છોડશે એ પણ નક્કી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના રણનીતિકારોએ આને એક તક તરીકે જોઈ રહ્યા છે. તેમણે પ્રિયંકા ગાંધી માટે આ તર ઊભી કરી છે. પ્રિયંકા ગાંધી યુપીનાં બે વર્ષ પહેલાં 2019માં સક્રિય રાજકારણમાં આવ્યાં હતાં. 2019ની યુપી ચૂંટણીમાં પ્રિયંકા કંઈ કરી શક્યાં નથી. ત્યારે એવું લાગતું હતું કે પ્રિયંકાની રાજકીય કારકિર્દી ખતમ થઈ જશે. તેમણે આ લોકસભા ચૂંટણી લડી નહોતી. હવે તેઓ રાયબરેલી અથવા વાયનાડથી પેટાચૂંટણી દ્વારા સંસદમાં પહોંચી શકે છે. જાણકારો ત્યાં સુધી કહે છે કે, વાયનાડ સીટ એવી છે જ્યાં કોંગ્રેસ ક્યારેય હારશે નહીં. કોંગ્રેસમાંથી કોઈપણ લડશે, એ જીતી જ જશે. છેલ્લે, રાહુલ ગાંધીએ રાયબરેલી અને વાયનાડમાં મતદારોનો આભાર માનવા સભા કરી. રાયબરેલીમાં મંચ પર પ્રિયંકા ગાંધી હાજર હતાં. વાયનાડની સભામાં પ્રિયંકા હાજર નહોતા પણ મંચ પરના બેનરમાં તેનો ફોટો હતો. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ... (રિસર્ચ: યશપાલ બક્ષી)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.