‘સેફ્ટી’ માટે વેપારીઓ કમિશનરની અને રાજકોટ ભાજપ મુખ્યમંત્રીના શરણે, ‘શહેરમાં 22 શાળા-હોસ્પિટલ ભૂલથી સીલ થઈ’
TRP ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં 27 લોકોના ભથડાં થયા બાદ રાજકોટ મનપાએ ફાયર NOC અને બીયુ સર્ટિફિકેટ ચકાસણી કરી હતી. આ ચકાસણીમાં 500થી વધુ એકમો સીલ કર્યા હતા. હવે આ એકમોના સીલ ખોલવા કે સમય આપવા માટે નેતાઓ-પદાધિકારીઓ પાસે વેપારીઓની ભલામણો આવી રહી છે. ત્યારે આજે યોગ્ય નિર્ણય કરવા રાજકોટ ભાજપના નેતાઓ અને વેપારી અગ્રણીઓ મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા.મુખ્યમંત્રીની મુલાકાત બાદ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જૈમિન ઠાકરે જણાવ્યું હતું કે, 22 સ્કુલ કાયદેસર છે. એવી સ્કુલ અને હોસ્પિટલ માટે રજૂઆત કરી છે. તો બીજી તરફ રાજકોટના વેપારીઓ-શૈક્ષણિક સંસ્થાના આગેવાનો સહિત 50થી વધુ એસોસિએશનના હોદ્દેદારો મ્યુ. કમિશનરને NOC-બીયુ સિલીંગ કામગીરીને લઈ રજૂઆત કરવા પહોંચ્યા હતા.
મુખ્યમંત્રીની મુલાકાત બાદ રાજકોટ મનપા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જૈમિન ઠાકરે જણાવ્યું હતું કે, રાજકોટમાં શાળા, કોલેજ અને હોસ્પિટલ સીલ કરવાના વિષય અંગે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે. ગેરકાયદેસર બિલ્ડીંગ સીલ કર્યા એની સામે અમારી રજૂઆત નહોતી. પરંતુ 22 સ્કુલ કાયદેસર છે. એવી સ્કુલ અને હોસ્પિટલ માટે રજૂઆત કરી છે. ધારાધોરણ વગર ચાલતા બિલ્ડીંગ સામે તો કાર્યવાહી થશે. રાજકોટ મનપા અને સિટી પોલીસની આ કાર્યવાહી છે. હું માનું છું કે આ અમારી ભુલ છે. જે ગેરકાયદેસર છે એને કોઈ પણ સંજોગોમાં અમે ખોલવાના નથી. એવા લોકોને અમે પહેલા પણ નોટિસ આપી હતી. પણ જે કાયદેસર હતા છતાં સીલ કરી છે. એમાં અમારી ભુલ છે. 22 શાળા, હોસ્પિટલ એવી છે જેને ભુલથી સીલ કરી છે એના માટે અમે આજે આવ્યા છે. પહેલા પણ કાર્યવાહી કરી છે પણ આ દુર્ઘટના બની છે એટલે ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.