નોર્થ કોરિયાના સૈનિકો સાઉથ કોરિયામાં 50 મીટર અંદર ઘૂસ્યા:સાઉથ કોરિયાએ ચેતવણી આપતા ફાયરિંગ કર્યું, તાનાશાહના સૈનિકો ભૂલથી સરહદ પાર કરી ગયા
સાઉથ કોરિયાએ પડોશી દેશ નોર્થ કોરિયાની સરહદ નજીક ફાયરિંગ કર્યું છે. ખરેખરમાં, નોર્થ કોરિયાના લગભગ 20-30 સૈનિકોએ ડિમિલિટરાઇઝ્ડ ઝોન (DMZ)માં બંને દેશોની સરહદ પાર કરી હતી. આ પછી, સાઉથ કોરિયાની સેનાએ તેમને ચેતવણી આપવા માટે ફાયરિંગ કર્યું હતું. સાઉથ કોરિયાના મીડિયા રિપોર્ટ્સમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આ ઘટના રવિવારે બપોરે બની હતી, જેની વિગતો હવે સામે આવી છે. રિપોર્ટ અનુસાર, ગોળીબાર બાદ નોર્થ કોરિયાના સૈનિકો પોતાના દેશમાં પરત ફર્યા હતા. સાઉથ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે કહ્યું કે ઉત્તર કોરિયાના સૈનિકો પાસે કન્સ્ટ્રક્શન ટુલ છે. તેમાંથી કેટલાક પાસે હથિયાર પણ હતા. તેઓ સાઉથ કોરિયાની સરહદના 50 મીટરની અંદર ઘુસી ગયા હતા. હજુ સુધી આ મામલે નોર્થ કોરિયા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. ન્યૂઝ એજન્સી એપી અનુસાર, સાઉથ કોરિયાની સેનાએ તપાસ બાદ એવી શક્યતા વ્યક્ત કરી છે કે નોર્થ કોરિયાના સૈનિકો ભુલથી સરહદ પાર કરી ગયા હતા. ખરેખરમાં, બંને દેશોની સરહદને વિભાજિત કરતી રેખા સ્પષ્ટ રીતે સાઈન લગાવાયું નથી, જેના કારણે ભુલ થવાની શક્યતાઓ રહે છે. નાર્થ- સાઉથ કોરિયા સરહદ પર શસ્ત્રોની વધુ તહેનાતી
નાર્થ અને સાઉથ કોરિયા વચ્ચેની DMZ એ વિશ્વની સૌથી વધુ શસ્ત્રોની તહેનાતીવાળી સરહદ છે. આંકડા મુજબ, સરહદ અને તેની આસપાસ 20 લાખ ખાણો નાખવામાં આવી છે. આ સિવાય સરહદની બંને તરફ કાંટાળા તારની વાડ, ટેન્કની જાળ અને લડાયક સૈનિકો પણ તહેનાત છે. આ સરહદ 1950 થી 1953 સુધી ચાલેલા કોરિયન યુદ્ધને સમાપ્ત કરવા માટેના કરાર હેઠળ બનાવવામાં આવી હતી. તાનાશાહ કિમ જોંગ સાઉથ કોરિયામાં કચરાવાળા ફુગ્ગા મોકલી રહ્યા છે
આ ઘટના એવા સમયે બની છે જ્યારે બંને દેશો વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. નોર્થ કોરિયા છેલ્લા કેટલાક દિવસોથી સતત બલૂનમાં કચરો બાંધીને સાઉથ કોરિયા મોકલી રહ્યું છે. જેના કારણે દક્ષિણ કોરિયાના અનેક રસ્તાઓ પર કચરો એકઠો થયો છે. નોર્થ કોરિયાના સરકારી મીડિયા KCNA અનુસાર, તાનાશાહ કિમ જોંગે આ પગલું એટલા માટે લીધું હતું કારણ કે સાઉથ કોરિયા વારંવાર નાર્થ કોરિયાને તેના પ્રચાર સંબંધિત પેમ્ફલેટ પહોંચાડે છે. આ સિવાય તે અવારનવાર દવાઓ, ફૂડ, રેડિયો અને સાઉથ કોરિયાના સમાચાર અને ટીવી શોના રેકોર્ડિંગવાળી પેન-ડ્રાઈવ પણ ત્યાં મોકલે છે. કિમ જોંગની બહેનની ચેતવણી - બંને દેશો વચ્ચે સંઘર્ષની સ્થિતિ ન બનાવો
નોર્થ કોરિયા વિરુદ્ધ કાર્યવાહી કરતા સાઉથ કોરિયાએ સરહદ નજીક લાઉડસ્પીકર દ્વારા તાનાશાહ કિમ જોંગ વિરુદ્ધ પ્રચાર સંદેશો પ્રસારિત કરવાનું શરૂ કર્યું છે. નોર્થ કોરિયાના વિરોધને કારણે 2018માં આ મેસેજ બંધ થઈ ગયા હતા. તાનાશાહ કિમ જોંગની બહેન કિમ યો જોંગે દક્ષિણ કોરિયાને ચેતવણી આપી છે કે આ કાર્યવાહીથી બંને દેશો વચ્ચે સંઘર્ષ થઈ શકે છે. ખરેખરમાં નોર્થ કોરિયાને ડર છે કે સાઉથ કોરિયાના મેસેજને કારણે સરહદ પર તહેનાત તેમના સૈનિકો તાનાશાહ વિરુદ્ધ બળવો કરી શકે છે. તેનાથી તેમની સુરક્ષા માટે જોખમ ઉભું થઈ શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.