ગાઝામાં સીઝફાયરનો પ્રસ્તાવ UNSCમાં પાસ:અમેરિકાએ પહેલીવાર રજૂ કર્યો, દાવો- ઇઝરાયલ પહેલેથી જ સહમત છે, હમાસ પણ વાતચીત માટે તૈયાર - At This Time

ગાઝામાં સીઝફાયરનો પ્રસ્તાવ UNSCમાં પાસ:અમેરિકાએ પહેલીવાર રજૂ કર્યો, દાવો- ઇઝરાયલ પહેલેથી જ સહમત છે, હમાસ પણ વાતચીત માટે તૈયાર


ઇઝરાયલ અને હમાસ વચ્ચે 8 મહિનાથી ચાલેલા યુદ્ધ વચ્ચે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સીઝફાયરનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ અમેરિકાએ રજૂ કર્યો હતો. સોમવારે યોજાયેલા મતદાનમાં, 15માંથી 14 દેશોએ તેની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે વીટો પાવર ધરાવતું રશિયા આ પ્રસ્તાવથી દૂર રહ્યું હતું. પહેલીવાર અમેરિકા દ્વારા રજૂ કરાયેલ સીઝફાયર પ્રસ્તાવમાં 3 તબક્કામાં યુદ્ધ સમાપ્ત કરવાની વાત કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 6 સપ્તાહનો સીઝફાયર રહેશે. આ સમયગાળા દરમિયાન, હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા કેટલાક ઇઝરાયલ અને ઇઝરાયલમાં કેદ પેલેસ્ટિનિયનોને છોડવાની વાત કરવામાં આવી છે. આ પછી, બીજા તબક્કામાં યુદ્ધ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે અને બાકીના બંધકોને મુક્ત કરવામાં આવશે. છેલ્લા તબક્કામાં ગાઝા પટ્ટીને ફરીથી વસાવવાનો ઉલ્લેખ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ગયા મહિને આ પ્રસ્તાવની જાહેરાત કરી હતી. અમેરિકાના મતે ઇઝરાયલ આ પ્રસ્તાવને પહેલા જ સ્વીકારી ચુક્યું છે. નેતન્યાહુએ કહ્યું- હમાસના ખાતમા પહેલા યુદ્ધ અટકશે નહીં
જોકે, કેટલાક ઇઝરાયલ અધિકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી હમાસ ગાઝામાંથી ખતમ નહીં થાય ત્યાં સુધી તેઓ યુદ્ધ ચાલુ રાખશે. ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ એમ પણ કહ્યું કે બાઈડને પ્રસ્તાવનો અમુક ભાગ જ સાર્વજનિક કર્યો છે. હમાસનો સંપૂર્ણ ખાતમો થશે ત્યારે જ ઇઝરાયલ કાયમી સીઝફાયરની વાત કરશે. બીજી તરફ, હમાસે UNSCમાં પસાર કરાયેલા આ ઠરાવનું સ્વાગત કર્યું છે. મતદાન બાદ હમાસે કહ્યું કે તે મધ્યસ્થી સાથે ચર્ચા કરવા તૈયાર છે. આ સિવાય અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ગાઝામાં સીઝફાયર માટે ઇઝરાયલની મુલાકાતે છે. સોમવારે તેઓ પીએમ નેતન્યાહૂને પણ મળ્યા હતા. બ્લિંકને ભારપૂર્વક જણાવ્યું હતું કે સીઝફાયર તમામ ઇઝરાયલી બંધકોને કોઈપણ મુશ્કેલી વિના ઘરે પરત ફરવાની મંજૂરી આપશે. આ ઉપરાંત ગાઝામાં માનવતાવાદી સહાય પણ સરળતાથી પહોંચાડવામાં આવશે. માર્ચમાં પ્રથમ વખત સીઝફાયર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો
અગાઉ માર્ચમાં પણ માનવતાવાદી સંકટના આધારે UNSCમાં સીઝફાયરનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવ માં તમામ બંધકોને શરતો વિના તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. આ પ્રસ્તાવ માટે પણ 15માંથી 14 સભ્યોએ તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે અમેરિકાએ તેનાથી દૂર રહ્યું હતું. આ પહેલો પ્રસંગ હતો જ્યારે અમેરિકાએ સીઝફાયર પ્રસ્તાવ પર મતદાન કર્યું ન હતું. આ પહેલા તેણે UNSCમાં આ પ્રસ્તાવોને ત્રણ વખત વીટો કર્યો હતો. ઇઝરાયલે અમેરિકાએ વોટિંગથી દૂર રહેવા પર નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારપછી નેતન્યાહુએ સંરક્ષણ પ્રધાન યોવ ગેલેંટની વોશિંગ્ટનની મુલાકાત રદ કરી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, UNSCના પ્રસ્તા​​​​​વોને આંતરરાષ્ટ્રીય કાયદો ગણવામાં આવે છે. સભ્ય દેશોએ તેનું પાલન કરવું જરૂરી છે. જો કે, ઇઝરાયલ UNSC​​​​​​​નું કાયમી કે હંગામી સભ્ય નથી. આવી સ્થિતિમાં તે આ પ્રસ્તાવ સ્વીકારવા બંધાયેલું નથી. ઇઝરાયલ-હમાસ યુદ્ધને રોકવા માટેનો પહેલો પ્રસ્તાવ માલ્ટાએ નવેમ્બર 2023માં રજૂ કર્યો હતો. બીજી વખત UAEએ ડિસેમ્બર 2023માં પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને ફેબ્રુઆરી 2024માં ત્રીજી વખત ઉત્તર આફ્રિકન દેશ અલ્જેરિયાએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અમેરિકાએ તેને ત્રણેય વખત ફગાવી દીધા હતા. હમાસના આતંકવાદીઓએ 234 લોકોને બંધક બનાવ્યા હતા
7 ઓક્ટોબર, 2023ના રોજ ઇઝરાયલ પરના હુમલામાં, હમાસે ગાઝામાં લગભગ 234 લોકોને બંધક બનાવ્યા હતા. અત્યાર સુધી બંને પક્ષો વચ્ચે માત્ર એક જ વાર 24-30 નવેમ્બર સુધી સીઝફાયર થયું છે. ત્યારપછી હમાસ અને ઇઝરાયલની સેનાએ 7 દિવસ સુધી હુમલા રોકી દીધા. આ સમયગાળા દરમિયાન, લગભગ 107 બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.