મનપામાંથી ઠેબાને ઠેબુ, રિમાન્ડ પૂરા થતાં જેલમાં ધકેલી દેવાયા - At This Time

મનપામાંથી ઠેબાને ઠેબુ, રિમાન્ડ પૂરા થતાં જેલમાં ધકેલી દેવાયા


ACBમાં ગુનો નોંધાયા બાદ મ્યુનિ. કમિશનરે સોમવારે કર્યા સસ્પેન્ડ

ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સહિત 4 આરોપી પણ જેલહવાલે

ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડની ઘટના બાદ રાજકોટ એસીબીએ તપાસ કરી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી તેને 3 દિવસના રિમાન્ડ પર લીધો હતો. રિમાન્ડ પૂરા થતાં સોમવારે ઠેબાને જેલહવાલે કરાયો હતો. બીજી બાજુ એસીબીમાં ગુનો નોંધાતા મ્યુનિ. કમિશનરે ઠેબાને સસ્પેન્ડ કરી દીધા છે. આ ઉપરાંત ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકી સહિતના ચાર આરોપીને તપાસ ટીમે રિમાન્ડ પર લીધા હતા તેના પણ રિમાન્ડ પૂરા થતાં તે ચારેય પણ જેલમાં ધકેલાયા હતા. અગ્નિકાંડની ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી અને ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહીના આદેશ થયા હતા. રાજકોટ એસીબીએ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા જીવા ઠેબાની તપાસ કરતાં ભીખા ઠેબા સામે તેની આવકના પ્રમાણમાં 67.27 ટકા વધુ અપ્રમાણસરની મિલકત હોવાનું ખૂલતા ભીખા ઠેબા સામે ગુનો નોંધી તેને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. સોમવારે રિમાન્ડ પૂરા થતાં ભીખાને જેલહવાલે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અગ્નિકાંડમાં 27-27 લોકો ભડથું થઇ જવાના મામલામાં નોંધાયેલી ફરિયાદમાં જેમને આરોપી તરીકે દર્શાવાયા હતા તે ગેમ ઝોનના સંચાલક ધવલ ભરત ઠક્કર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ અને નીતિન લોઢાના પણ રિમાન્ડ પૂરા થતાં તે ચારેયને પણ સોમવારે જેલહવાલે કરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી કિરીટસિંહ જાડેજા અગાઉ જ જેલહવાલે થઇ ચૂક્યો છે. તપાસ ટીમ પાસે હાલમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા, બે એટીપીઓ મુકેશ મકવાણા અને ગૌતમ જોષી તથા ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા રિમાન્ડ પર છે. પોલીસ આ ચારેયની સઘન પૂછપરછ કરી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.