સોઈ ઝાટકીને:મણિપુર એક વર્ષથી ભડકે બળે છે... તેના પર કોણ ધ્યાન આપશે : ભાગવત - At This Time

સોઈ ઝાટકીને:મણિપુર એક વર્ષથી ભડકે બળે છે… તેના પર કોણ ધ્યાન આપશે : ભાગવત


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ ડૉ. મોહન ભાગવતે મણિપુર હિંસા અને લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષોના વલણ અંગે સોઈ ઝાટકીને વાત મૂકી હતી. નાગપુરમાં સંઘ કાર્યકરોના વિકાસ વર્ગ કાર્યક્રમના સમાપન ટાણે ભાગવતે કહ્યું હતું કે ‘1 વર્ષથી મણિપુર શાંતિની રાહ જોઈ રહ્યું છે. પહેલાં 10 વર્ષ શાંત રહ્યું અને હવે ત્યાં એકાએક જે ક્લેશ થયો કે કરવામાં આવ્યો, તેની આગમાં મણિપુર હજી સુધી ભડકે બળે છે, ત્રાહિમામ્ પોકારી રહ્યું છે તેના પર કોણ ધ્યાન આપશે? પ્રાથમિકતા આપીને આ અંગે વિચાર કરવો એ કર્તવ્ય છે.’ નોંધનીય છે કે મણિપુર હિંસામાં 200થી વધુ મૃત્યુ થયાં છે અને 50 હજાર લોકો રાહત છાવણીમાં રહેવા મજબૂર બન્યા છે. ચૂંટણી પ્રચારમાં મર્યાદા તૂટવાનો ઉલ્લેખ કરતાં ડૉ. ભાગવતે કહ્યું કે ચૂંટણીમાં જે કાંઈ થયું તેના વિશે વિચાર કરવો પડશે. દેશે વિકાસ કર્યો છે પરંતુ પડકારોને ભૂલવા ન જોઈએ. સૌએ સંમતિથી દેશ ચલાવવાની પરંપરા પણ યાદ રાખવી જોઈએ. તેમણે કહ્યું કે ‘ચૂંટણી હોય છે ત્યારે સ્પર્ધા જરૂરી થઈ પડે છે. તેમાં બીજાને પાછળ ધકેલવાનું પણ હોય છે પરંતુ તેની એક મર્યાદા હોય છે. આ સ્પર્ધા જુઠ્ઠાણાં પર આધારિત ન હોવી જોઈએ. આ વખતે યુદ્ધની જેમ ચૂંટણી લડાઈ. અકારણ આરએસએસ જેવાં સંગઠનોને તેમાં સામેલ કરાયાં. તકનિકનો ઉપયોગ કરીને જુઠાણું ફેલાવાયું. તકનિક અને જ્ઞાનનો એક જ અર્થ થાય છે? જે રીતે બધું થયું, જે રીતે બંને પક્ષે કમર કસીને હુમલા કર્યા, તેનાતી વિભાજન થશે. સામાજિક અને માનસિક ખાઈ વધશે.’ જે મર્યાદાનું પાલન કરે, અહંકાર ન કરે, એ જ સેવક
ભાગવતે કહ્યું, જે પોતાના કર્તવ્યનું પાલન કરીને મર્યાદાની સીમાનું પાલન કરે, જે પોતાના કામનો ગર્વ કરે, છતાં અનાસક્ત રહે, જે અહંકાર રહિત હોય છે, એવી વ્યક્તિ જ વાસ્તવમાં સેવક કહેવાને લાયક હોય છે. કામ કરો પરંતુ મેં કર્યું એવો અહંકાર ન રાખો તો આપણે આ દેશની સાચી સેવા કરી કહેવાશે. વિપક્ષને વિરોધી નહીં, પ્રતિપક્ષ કહેવાનું યોગ્ય
ભાગવતે કહ્યું, સંસદમાં બે પક્ષ જરૂરી છે. દેશ ચલાવવા માટે સંમતિ જરૂરી છે. સંસદમાં સંમતિથી નિર્ણય લેવા માટે બહુમતનો પ્રયાસ કરાય છે પરંતુ દરેક સ્થિતિમાં બંને પક્ષને મર્યાદાનું ધ્યાન રાખવું જોઈએ. સંસદમાં કોઈ પ્રશ્નના બે પાસાં સામે આવે, એટલે આ વ્યવસ્થા છે. વિપક્ષને વિરોધી પક્ષને બદલે પ્રતિપક્ષ કહેવો જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.