કાશ્મીરમાં વૈષ્ણોદેવી જતી બસ પર આતંકી હુમલો:2 આતંકીઓ આર્મીની વર્દીમાં હતા, 25-30 ગોળીઓ વરસાવી, બસ ખીણમાં ખાબકી, 10ના મોત - At This Time

કાશ્મીરમાં વૈષ્ણોદેવી જતી બસ પર આતંકી હુમલો:2 આતંકીઓ આર્મીની વર્દીમાં હતા, 25-30 ગોળીઓ વરસાવી, બસ ખીણમાં ખાબકી, 10ના મોત


મોદીના શપથ ગ્રહણના એક કલાક પહેલા રવિવારે સાંજે 6.15 કલાકે જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં ભક્તોને લઈ જતી બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં 10 લોકોના મોત થયા હતા, જ્યારે 33 લોકો ઘાયલ થયા હતા. રિયાસીના એસએસપી મોહિતા શર્માના જણાવ્યા અનુસાર, કાંડા વિસ્તારમાં શિવ ઘોડીથી કટરા જઈ રહેલી બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં ડ્રાઈવર ઘાયલ થયો હતો અને તેણે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે બસ ખીણમાં ખાબકી હતી. નજરે જોનારના જણાવ્યા અનુસાર 2 આતંકવાદીઓ ઘટનાસ્થળે હતા. મોહિતા શર્માએ કહ્યું કે આતંકવાદીઓ હાઈવે પર બસની રાહ જોઈ રહ્યા હતા. એવું લાગે છે કે તેઓએ આ બસને નિશાન બનાવી છે કારણ કે તેમાં સવાર મુસાફરો જમ્મુ-કાશ્મીરની બહારના હતા. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાની આતંકવાદી જૂથો જમ્મુ-કાશ્મીરમાં ફરીથી આતંક ફેલાવવા માંગે છે. ઘાયલ સંતોષ કુમારે જણાવ્યું કે આતંકીઓએ સેનાનો યુનિફોર્મ પહેર્યો હતો. તેનું મોં ઢાંકેલું હતું. બસ વળાંકની આસપાસ આવી કે તરત જ અચાનક ગોળીઓ વરસવા લાગી. બસ ખીણમાં પડી તે પહેલા આતંકીઓએ 25 થી 30 ગોળીઓ વરસાવી હતી. બસમાં મુસાફરી કરી રહેલા યુપીના અન્ય એક ઘાયલ શ્રદ્ધાળુએ જણાવ્યું કે બસ પડી ગયા પછી પણ આતંકવાદીઓ ગોળીબાર કરતા રહ્યા. બસ સાંજે 4 વાગ્યે ઉપડવાની હતી, પરંતુ તે 5:30 વાગ્યે નીકળી હતી. બસ મોડી પડી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે પોલીસ, સેના અને CRPFની ​​​​​​સંયુક્ત સુરક્ષા દળની ટીમ બનાવીને આતંકીઓને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સર્ચ ઓપરેશન માટે પાંચ અલગ-અલગ ટીમો પણ બનાવવામાં આવી છે. તપાસ માટે NIAની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આતંકવાદી હુમલો અને સર્ચ ઓપરેશનની તસવીરો ત્રણ દાયકામાં બીજી વખત આવો હુમલો થયો છે
જમ્મુ-કાશ્મીરમાં ત્રણ દાયકામાં આ બીજો હુમલો છે. આ પહેલા 10 જુલાઈ 2017ના રોજ અનંતનાગમાં અમરનાથ યાત્રા દરમિયાન આતંકવાદીઓએ બસ પર ગોળીબાર કર્યો હતો. જેમાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જ્યારે 19 ઘાયલ થયા હતા. ખડગેએ કહ્યું- ઘાટીમાં શાંતિના મોદીના દાવા પોકળ છે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રિયાસીમાં થયેલી ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની એનડીએ સરકાર શપથ લઈ રહી હતી અને ઘણા દેશોના વડા દેશમાં હતા ત્યારે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર આતંકવાદી હુમલો થયો હતો. જેમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્રણ અઠવાડિયા પહેલા પહલગામમાં એક પ્રવાસી બસ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા ચાલુ છે. ખીણમાં શાંતિ અને સ્થિરતા લાવવાના નરેન્દ્ર મોદી સરકાર (હવે એનડીએ સરકાર)ના દાવા પોકળ છે. શાહે કહ્યું- હુમલાના દોષિતોને છોડવામાં આવશે નહીં
કેન્દ્રીય મંત્રી અમિત શાહે X પર પોસ્ટ કરીને કહ્યું કે ભક્તો પર હુમલાના દોષિતોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. તેમને પરિણામ ભોગવવા પડશે. સ્થાનિક વહીવટીતંત્ર મદદ પહોંચાડવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. મારી સંવેદના પીડિત પરિવાર સાથે છે. સંરક્ષણ નિષ્ણાતે કહ્યું- પાકિસ્તાન કાશ્મીરની શાંતિ ડહોંળવા માંગે છે
સંરક્ષણ નિષ્ણાત હેમંત મહાજને કહ્યું કે પાકિસ્તાન સિવાયના તમામ પાડોશી દેશોને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આવા સમયે હુમલાનો અર્થ સ્પષ્ટ છે. કાશ્મીરમાં શાંતિ ડહોંળવા માંગે છે. પ્રવાસન, રોજગાર અને ધંધાનો અંત લાવવાનો ઈરાદો છે. જમ્મુ-કાશ્મીરના એલજીએ કહ્યું- ગુનેગારોને છોડવામાં આવશે નહીં
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને મને પરિસ્થિતિ પર નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ કૃત્ય પાછળ જે પણ હશે તેને વહેલી તકે સજા કરવામાં આવશે. પીએમ મોદીએ તમામ ઘાયલોને આરોગ્ય સંભાળ અને મદદ આપવાનો નિર્દેશ આપ્યો છે. 4 મેના રોજ એરફોર્સના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો
જમ્મુ-કાશ્મીરના પૂંચમાં 4 મેના રોજ એરફોર્સના જવાનો પર થયેલા આતંકી હુમલામાં એક જવાન શહીદ થયો હતો. હુમલામાં પાંચ સૈનિકો ઘાયલ થયા હતા, જેમને એરલિફ્ટ કરીને ઉધમપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક જવાનનું મોત થયું હતું. આ હુમલો પૂંછના શાહસિતાર વિસ્તારમાં થયો હતો. આતંકવાદીઓએ સુરક્ષાદળોના બે વાહનો પર ભારે ગોળીબાર કર્યો હતો. આ વાહનોમાંથી એક એરફોર્સનું હતું. બંને વાહનો સનાઈ ટોપ તરફ જઈ રહ્યા હતા. આ વર્ષે જાન્યુઆરીમાં પણ પૂંછમાં હુમલો થયો હતો
આ વર્ષે 12 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરના પૂંચમાં આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. આ પછી જવાનોએ જવાબી કાર્યવાહી કરવી પડી. ગુપ્તચર માહિતી અનુસાર 250-300 આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવા માટે તૈયાર છે.
16 ડિસેમ્બર, 2023ના રોજ, BSFના એક વરિષ્ઠ અધિકારીએ ગુપ્ત માહિતીને ટાંકીને માહિતી આપી હતી કે 250 થી 300 આતંકવાદીઓ પાકિસ્તાન સરહદ પરના લોન્ચપેડ પર છે. તેઓ જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સરહદ પારથી ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવશે. BSF IG અશોક યાદવે પુલવામામાં કહ્યું કે આતંકવાદી હલચલને જોતા અમે (BSF) અને સેના સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખી રહ્યા છીએ અને સતર્ક છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં સુરક્ષા દળો અને કાશ્મીરના લોકો વચ્ચેના સંબંધોમાં વધારો થયો છે. જો લોકો અમને સહકાર આપે તો અમે વિકાસના કામને વધુ સારી રીતે આગળ વધારી શકીશું. આ સમાચાર પણ વાંચો... જમ્મુમાં યુપીના 22 શ્રદ્ધાળુઓના મોત: હાથરસ-અલીગઢથી શિવ ઘોડી જઈ રહી હતી બસ, 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી 30 મેના રોજ જમ્મુના અખનૂરમાં યુપીથી જઈ રહેલી બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 22 લોકોના મોત થયા છે, જ્યારે 69 લોકો ઘાયલ થયા છે. તેને અખનૂર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલોને જમ્મુ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા. આ અકસ્માત જમ્મુ-પૂંચ હાઈવે પર થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશના હાથરસ, અલીગઢ ઉપરાંત રાજસ્થાનના લગભગ 90 લોકો બસમાં મુસાફરી કરી રહ્યા હતા. બધા હાથરસ બસ (UP 86 EC 4078) દ્વારા શિવ ઘોડી જઈ રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.