મંગેતરના ફોટા અન્ય ગ્રુપમાંથી ડીલીટ કરવાનું કહેતા યુવાન પર ચાર શખ્સોનો છરીથી જીવલેણ હુમલો - At This Time

મંગેતરના ફોટા અન્ય ગ્રુપમાંથી ડીલીટ કરવાનું કહેતા યુવાન પર ચાર શખ્સોનો છરીથી જીવલેણ હુમલો


પ્રણામી ચોક પાસે આવેલ મહેશ્વરી સોસાયટીમાં મોડી રાત્રે મારામારીનો બનાવ સામે આવ્યો હતો. જેમાં યુવાને તેના સસરાને મંગેતરના ફોટા ડીલીટ કરવાનું કહેતા ઉશ્કેરાયેલા તેના સસરાને કુટુંબીક ભાઈઓએ છરીથી જીવલેણ હુમલો કરી ગળાના અને માથાના ભાગે ઘા ઝીંકયા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે ભકિતનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે પ્રણામી ચોકમાં મહેશ્વરી સોસાયટી શેરી નં.2માં રહેતા અરબાજ રફીકભાઈ ફુંફાર (ઉ.24)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે આદીલ રહીમ શેખ, હુસેન ભારો, રહે. બન્ને ઘાંચીવાડ, સલમાન ઉર્ફે ભોદીયો અને સુફીયાનનું નામ આપતા ભકિતનગર પોલીસે આઈપીસી 326, 325, 324, 323 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવેલ કે તે મજુરીકામ કરે છે તેમજ ત્રણ ભાઈમાં મોટો છે. ગઈ રાત્રીતા એકાદ વાગ્યાની આસપાસ તે ઘરે હતો ત્યારે તેમના ભાઈ તેજીમે તેના સસરા ઈમરાનભાઈને ઘરે બોલાવતા તેઓ ઘરે આવેલ હતા. ઈમરાનભાઈની પુત્રી મહેકની તેજીમ સાથે એક વર્ષ પહેલા સગાઈ થયેલ છે. તે યુવતીનો ફોટો બીજા કોઈ ગ્રુપમાં શેર થયેલો હોય જે તેજીમને પસંદ ન આવતા ફોટો ડીલીટ કરવા ફોન કરવા છતા ફોટો ડીલીટ કરતા ન હતા.
જેથી ઈમરાનભાઈને ઘરે બોલાવેલ હતા અને તેમને જણાવેલ કે તમારી પુત્રીના ફોટા બીનજરૂરી લોકોમાં શેર ન કરો અને જેઓને શેર કરેલ છે તેને કહો કે મોબાઈલમાંથી ડીલીટ કરી નાખે તેમ વાત કરતા ઈમરાનભાઈએ તે થઈ જશે તેમ કહી જતા રહેલ હતા. થોડીવારમાં ઈમરાનભાઈનો કુટુંબીક ભાઈ આદીલનો તેજીમમાં ફોન આવેલ અને ગાળાગાળી કરવા લાગેલ તેમજ તેઓના પીતાને ફોન કરી ગાળાગાળી કરતા ફરીયાદીએ તેના પીતા પાસેથી ફોન લઈ આદીલ સાથે વાત કરેલ તો તેને પણ ગાળો આપી હું જીલ્લા ગાર્ડને ઉભો છું તું આવી જા તેમ કહેતા તેને ઘરે આવી વાત કરવા કહ્યું હતું.
દરમ્યાન રાત્રીના અઢી વાગ્યાની આસપાસ આદીલ તેનો મીત્ર હુસેન ભાણો, સલમાન ઉર્ફે ભોદીયો અને સુફીયાન બે બાઈકમાં ઘર પાસે ધસી આવેલ હતા. જેમાં આદીલ પાસે ધોકો અને સલમાન ઉર્ફે ભોદીયા પાસે છરી હતી. દરમ્યાન આદીલ ગાળાગાળી કરી ઉશ્કેરાઈ જઈ ધોકાથી હુમલો કર્યો હતો. ત્યારે તેનો ભાઈ ફરદીન તેમના બચાવવા વચ્ચે પડતા ભોદીયાએ છરીથી હુમલો કરી ગળાના ભાગે ઘા ઝીંકી દીધો હતો.
તેમજ સલમાને ફરીયાદી યુવકને પણ પડખામાં અને માથાના ભાગે છરીના ઘા ઝીંકયા હતા. તેમજ હુસેને ધોકો લઈ પગના ભાગે બેફામ ઘા ફટકાર્યા હતા. બાદમાં રાડારાડી થતા આરોપીઓ નાસી છુટયા હતા. બાદમાં ઈજાગ્રસ્તને 108 મારફત સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ભકિતનગર પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

કૌટુંબિક ભત્રીજીના ફોટા ડીલીટ કરવા મામલે ઘાંચીવાડના યુવક પર વળતો પ્રહાર: લોખંડની પટ્ટીના ઘા ઝીંકયા

મહેશ્વરી સોસાયટીમાં કૌટુંબીક ભત્રીજીના ફોટા ડીલીટ કરવા મામલે ઘાંચીવાડના આદીલ શેખ પર વળતો પ્રહાર કરવામાં આવ્યો હતો. લોખંડની પટ્ટીના ઘા ઝીંકતા ગંભીર ઈજા પહોંચતા સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે ભકિતનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે ઘાંચીવાડ શેરી નં.4/6ના કોર્નર પર રહેતા આદીલ રહીમભાઈ શેખ (ઉ.27)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અરબાજ ફુફાર, ફરદીન ફુફાર અને તેજીમ ફુફારનું નામ આપી જણાવ્યું હતું કે તે મજુરીકામ કરે છે ગઈ રાત્રીના અગીયારેક વાગ્યે તે ભરતવન સોસાયટીમાં રહેતા તેના ફુવાના ઘરે ગયેલ ત્યારે જાણવા મળેલ કે ઈમરાનભાઈની દીકરીની સગાઈ કરેલ છે તે તેજીમ દીકરી વિશે ફોન કરી બોલાચાલી વાત કરેલ છે. બાદમાં રાત્રીના દોઢેક વાગ્યાની આસપાસ તે તેનો મીત્ર હુસેન ભાણો, સુફીયાન અને સલમાન ઉર્ફે ભોદીયો જીલ્લા ગાર્ડન ચોક પાસે બેઠા હતા ત્યારે તેમના કૌટુંબીક ભાઈ ઈમરાનનો ફોન આવેલ અને તેની પુત્રીના મંગેતર તેજીમ ફોટા ડીલીટ કરવાની વાત કરે છે.
દરમ્યાન તેજીમનો તેનામાં ફોન આવેલ અને ગાળો બોલવા લાગતા તેને જીલ્લા ગાર્ડન પાસે આવવાનું કહેતા તેણે તેના ઘરે બોલાવેલ હતો. બાદમાં તે તેના મીત્રો સાથે બાઈકમાં તેજીમના ઘરે ગયેલ ત્યાં તેજીમ તેનો ભાઈ અરબાજ અને ફરદીન હાજર હતા. અને તેની મંગેતરના ફોટા બાબતે ગાળો આપવા લાગતા તે ઉશ્કેરાઈ ગયેલ અને આરોપી અરબાજને એક ધોકો ફટકારી દીધેલ હતો.
બાદમાં ઝપાઝપી થતા અરબાજ લોખંડની પટ્ટીથી હુમલો કરી માથામાં ઘા ઝીંકતા તે નીચે પડી ગયેલ હતો. તેમની પાસે રહેલ ધોકો તેમના મીત્ર હુસેને લઈ અરબાજને મારેલ અને સલમાને છરી કાઢી અરબાજને મારતા તેનો ભાઈ ફરદીન ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતો. બનાવમાં તેઓને ઈજા પહોંચતા સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડેલ હતો. બનાવ અંગે ભકિતનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.