બોટાદ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે જિલ્લાના ખેડૂતોને બાગાયતી ખેતી માટે માર્ગદર્શન આપતો સેમીનાર સંપન્ન - At This Time

બોટાદ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે જિલ્લાના ખેડૂતોને બાગાયતી ખેતી માટે માર્ગદર્શન આપતો સેમીનાર સંપન્ન


(માહિતી બ્યુરો, બોટાદ)
બોટાદ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયાની પ્રેરક ઉપસ્થિતિમાં નાયબ બાગાયત નિયામકની કચેરી, બોટાદ દ્વારા બાગાયતી પાકોમાં રક્ષિત ખેતી અંગે ઈમ્પેક્ટ એનાલીસીસ-વ-સેમીનારનું આયોજન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયાએ વિશેષ ઉપસ્થીત રહી ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા. આ સેમિનારમાં જિલ્લાના નેટ હાઉસ (ગ્રીન હાઉસ)માં ખેતી કરતા ૮૫ જેટલા ખેડૂતો જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સી. એમ. પટેલ, બાગાયત નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર અને આર. એચ. લાડાણી, સંયુક્ત બાગાયત નિયામક, રાજકોટ ઓનલાઇન માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા. તેમજ સભાખંડમાં ઉપસ્થિત સમગ્ર ખેડૂતોને બાગાયતી ખેતી અંગે માહિતી આપી હતી.

આ તકે કે. જી. વેકરીયા, સિનીયર રિસર્ચ આસિસ્ટન્ટ, મુખ્ય શાકભાજી સંશોધન કેંદ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટીથી ખાસ ઉપસ્થિત રહી ખેડૂતોને રક્ષિત ખેતી અંગે માહિતગાર કર્યા હતા. સાથે બોટાદ જિલ્લા નાયબ બાગાયત નિયામક જે. ડી. વાળા તેમજ રાજકોટ જિલ્લા નાયબ બાગાયત નિયામક એ. એમ. દેત્રોજાએ પણ બાગાયતી ખેતી અંગે વિશેષ ચર્ચા કરી હતી. તેમજ ભવિષ્યમાં પાક પસંદગી, માર્કેટીંગ, ઉત્પાદન જેવા મુદાઓને FPO હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. બોટાદમાં FPO (ખેડૂત સંગઠન)માં 515 ખેડૂતો જોડાયેલા છે. જેમા વધુ ખેડૂતો જોડાય અને સરકારની યોજનાઓનો લાભ લે તેવું ખેડૂત સંગઠનના ડાયરેક્ટર હરેશભાઈ દેલવાડીયા દ્વારા જણાવવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ દરમ્યાન તમામ અધિકારી તથા વૈજ્ઞાનિકો, બેંકના અધિકારીઓ તેમજ ખેડૂતો દ્વારા જીલ્લામાં નેટ હાઉસમાં ખેતી કરતા ખેડૂતોના ખેતરની રુબરૂ મુલાકાત લઇ તેમની ખેતી પદ્ધતિ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમા ગ્રીન હાઉસમાં કામ કરતી વખતે ગ્રીન હાઉસના બારી-દરવાજા બંધ રાખવા, ઈરીગેશનમા જે પ્રકારની જમીન હોય તેટલા પ્રમાણમાં જ પાણી આપવુ તેમજ ફર્ટીકેશન અંગે ખાસ માહિતી આપવામા આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.