ભાસ્કર વિશેષ:દક્ષિણ કોરિયા વર્ષ 2032માં ચન્દ્ર પર યાન મોકલશે - At This Time

ભાસ્કર વિશેષ:દક્ષિણ કોરિયા વર્ષ 2032માં ચન્દ્ર પર યાન મોકલશે


અંતરીક્ષના પ્રયોગો, ઍરોનોટિક્સ અને અંતરીક્ષનાં સંશોધનો માટે અમેરિકાએ જે રીતે 1958માં નેશનલ ઍરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ની સ્થાપના કરી હતી તેમ હવે દક્ષિણ કોરિયાએ પણ અંતરીક્ષ સંશોધનો માટે પોતાનું આગવું અને અલાયદું કોરિયા ઍરોસ્પેસ એડમિનિસ્ટ્રેશન (કાસા)ની સ્થાપના કરી છે. અને અવકાશ સંશોધન માટે વર્ષ 2033 સુધીમાં ચન્દ્ર પર યાન મોકલવા તથા વર્ષ 2045 સુધીમાં મંગળ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની યોજના જાહેર કરી છે. ઍરોસ્પેસ ક્ષેત્રે નિયમો ઘડવા અને ઔદ્યોગિક વિકાસની દિશામાં આગળ વધવા માટે કોરિયાએ ‘કાસા’નું નિર્માણ કર્યું છે. અંતરીક્ષ નીતિ અને યોજનાઓના પ્રભારી સરકારી સંગઠનોને એક સાથે લાવવા માટે દક્ષિણ કોરિયાની સંસદે જાન્યુઆરીમાં કાયદો પસાર કર્યો હતો. આ માટે દક્ષિણ ગાયોન્ગસાન્ગ રાજ્યના સાચોનમાં નવી એજન્સી કામ કરશે. તે માટેનું બજેટ પણ 556 મિલિયન ડૉલર એટલે કે રૂ. 46 અબજ રૂપિયાનું ફાળવાયું છે. સાથે જ વર્ષ 2045 સુધીમાં બજેટ 72.5 બિલિયન ડૉલર એટલે કે 605 કરોડ રૂપિયા કરવાની જાહેરાત પણ કરાઈ છે. રાષ્ટ્રપતિ યૂં સુક યેઓલે કહ્યું હતું કે દક્ષિણ કોરિયાએ 2045 સુધીમાં મંગળ ગ્રહ પર ઊતરવાની યોજના છે. સરકારી નીતિ સાથે સંકલનમાં રહીને કાસા કોરિયાના અવકાશ સંશોધનો, રિયુઝેબલ લોન્ચ વ્હીકલ્સને પ્રમોટ કરવા, દક્ષિણ કોરિયાની ગ્લોબલ પૉઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ)ને વિકસાવવા અને ચન્દ્ર પર જવાના કાર્યક્રમ સહિતનો રોડમેપ તૈયાર કરશે. એટલું જ નહીં, એજન્સી વર્ષ 2023માં ચન્દ્ર પર યાન મોકલવાની અને કોમર્શિયલ લોન્ચ સર્વિસ માર્કેટમાં પ્રવેશ કરવા માટે એન્જિન વિકસાવવા અને ડિઝાઇન તૈયાર કરવાની યોજના પણ ઘડી રહી છે. અંતરિક્ષ ક્ષેત્રે દક્ષિણ કોરિયાની કામગીરી
ગત વર્ષે દક્ષિણ કોરિયાએ 200 ટન વજનની ‘નૂરી’ એટલે કે કેએસએલવી-2નું ત્રીજું પ્રક્ષેપણ સફળતાપૂર્વક પૂરું કર્યું હતું અને 8 વ્યાવહારિક ઉપગ્રહોને કક્ષામાં સ્થાપિત કર્યા હતા. ઉત્તર કોરિયા પર ચાંપતી નજર રાખવા માટે ડિસેમ્બર અને પછી એપ્રિલમાં સ્પેસએક્સ રોકેટ દ્વારા લઈ જવાયેલા બે સૈન્ય ઉપગ્રહ પણ ભ્રમણ કક્ષામાં મોકલ્યા હતા. એટલું જ નહીં, 2025 સુધીમાં 5 જાસૂસી ઉપગ્રહ મેળવવાની અને 2030 સુધીમાં 60 નાના અને સૂક્ષ્મ આકારના જાસૂસી ઉપગ્રહ મેળવવાની યોજના ઘડી કાઢી છે. આ ઉપગ્રહો દર 30 મિનિટ કે તેનાથી પણ ઓછા સમયમાં કોરિયાના ઉપદ્વીપની દેખરેખ રાખવામાં સેનાને સક્ષમ બનાવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.