જસદણ-વિંછિયા બેઠક પરથી રૂપાલાને 47562 મતની લીડ - At This Time

જસદણ-વિંછિયા બેઠક પરથી રૂપાલાને 47562 મતની લીડ


2019ની ચૂંટણીમાં માત્ર મળી હતી 2818ની લીડ, ભાજપની લીડ કરતાં પણ કોંગ્રેસને મત ઓછા મળ્યા

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટ લોકસભાની હાઈવોલ્ટેજ બેઠક ઉપર ભાજપના પરસોત્તમભાઈ રૂપાલાનો તોતીંગ લીડથી વિજય થયો છે ત્યારે ભાજપ માટે પ્રમાણમાં કઠણ ગણાતી જસદણ-વિંછીયા વિધાનસભા બેઠકમાંથી ભાજપને 47562 મતની અત્યાર સુધીની સૌથી મોટી લીડ મળી છે. આ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 1,46,366 મત પડયા હતાં. તેમાંથી ભાજપના પરસોત્તમભાઈ રૂપાલાને 94,344 જ્યારે કોંગ્રેસના પરેશ ધાનાણીને 46,782 મત મળતાં રૂપાલાને 47,562 મત તોતીંગ લીડ મળી છે. જસદણ વિધાનસભા મત વિસ્તારમાંથી અત્યાર સુધીમાં લોકસભાના કોઈ ઉમેદવારને પ્રથમ વખત આટલી મોટી લીડ મળી છે. 2019ની ચૂંટણીમાં જસદણ-વિંછીયા વિધાનસભા વિસ્તારમાંથી ભાજપને માત્ર 2818 મતની લીડ મળી હતી. તેની સામે આ વખતે 47562 મતની ઐતિહાસીક લીડ મળતાં એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી જસદણ-વિંછીયા વિધાનસભા બેઠક હવે ભાજપનો ગઢ બની હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. સૌથી આશ્ર્ચર્યની વાત તો એ છે કે, એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક ઉપર પરેશ ધાનાણીને કુલ 46782 મળ્યા છે તેની સામે પરસોત્તમભાઈ રૂપાલાને 47562 મતની લીડ મળી છે. મતલબ કે કોંગ્રેસને ભાજપની લીડ જેટલા પણ મત મળ્યા નથી. રાજકોટ જિલ્લામાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે શરૂ થયેલા ક્ષત્રિય આંદોલનની સૌથી ઓછી અસર જસદણ વિંછીયા બેઠક ઉપર હતી આ ઉપરાંત આ વિસ્તારનાં કદાવર નેતા કુંવરજીભાઈ બાવળીયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા તેમણે રૂપાલાની લીડમાં મોટો રોલ ભજવ્યો હોય તેવું જણાય છે. આ ઉપરાંત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરાઅ પણ આ મત વિસ્તારમાં આવતાં આટકોટમાં કે.ડી.પરવાડીયા હોસ્પિટલ ઉભી કરી ગ્રામ્ય વિસ્તારનાં લોકોની જે સેવા શરૂ કરી છે તેનું ફળ ભાજપના ઉમેદવાર રૂપાલાને મળ્યાનું માનવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.