*પ્રિ- મોન્સૂન કામગીરી અંતર્ગત વેરાવળના વિવિધ સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરતાં જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા*
*પ્રિ- મોન્સૂન કામગીરી અંતર્ગત વેરાવળના વિવિધ સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરતાં જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા*
----------
*રેલવે ઓવરબ્રિજ, નાળા-પુલ, વરસાદી પાણીના નિકાલની કામગીરીનું નિરીક્ષણ કરી આપ્યું જરૂરી માર્ગદર્શન*
--------------
*આવતીકાલે નગરપાલિકા, કોમ્યુનિટી હોલ, ડાભોર રોડ ખાતે સાંજે ૪-૦૦ કલાકે લોકોની સુરક્ષા અને સલામતી માટેના જાહેરનામા અન્વયે લોક જાગૃતિ સેમિનાર યોજાશે*
--------------
ગીર સોમનાથ, તા. ૩૧: ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ન ભરાય અને શહેરીજનોને અગવડતા ન ભોગવવી પડે તે માટે પ્રિ મોન્સૂન કામગીરીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ આજે વેરાવળના પાટણ દરવાજા, રેલવે ઓવરબ્રિજ, જલારામ સોસાયટી સહિતના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.
જિલ્લા કલેક્ટરશ્રીએ રેલવે ઓવરબ્રિજની કામગીરી, સ્વચ્છતા કામગીરી, વરસાદી પાણીના નિકાલની કામગીરી, રસ્તાઓ પર આવેલા નાળા-પુલ રિપેર કરવા અંગેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, રેલવે ઓવરબ્રિજની બાજુમાં સર્વિસ રોડ બનાવવા, સર્વિસ રોડ પરનું દબાણ દૂર કરવા અને સાત દિવસની અંદર રોડ બનાવવા માટેની સૂચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી.
કલેક્ટરશ્રીએ પાટણ દરવાજા પાસેથી પસાર થતાં વોંકળાઓની સાફ-સફાઈ કરવા માટે તેમજ ઓવરબ્રીજ પાસે પાણીના નિકાલની કામગીરી વિશે સૂચનાઓ આપી હતી. તેમજ સ્થાનિક લોકોની રજૂઆતો સાંભળી અને પિલર્સને નડતા હોર્ડિંગ્સ ઉતારવા, વોંકળાઓ ઉંડા કરવા, ચોમાસા પહેલા ગંદકીનો યોગ્ય નિકાલ કરવા, નાળા ચોખ્ખા કરાવવા, પાઈપ નાંખવાની સુનિયોજીત કામગીરી કરવા, રસ્તા પરનો વાહન વ્યવહાર ન ખોરવાય તે રીતે ઓવરબ્રીજ પાસેથી અન્ય ડાઈવર્ઝનની વ્યવસ્થા કરવા જેવી વ્યવસ્થાઓ યુદ્ધના ધોરણે પૂરી કરવા માટેની સૂચનાઓ આપી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ શહેરીજનોને અગવડતા ન પડે અને શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ જવાથી સમસ્યાઓ ન સર્જાય તે માટે ચોમાસા પહેલા કરવાની થતી તમામ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવાની તાકીદ કરી પ્રિ મોન્સૂન કામગીરીના ભાગરૂપે નડતરરૂપ અનઅધિકૃત બાંધકામને દૂર કરી પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થાઓ ગોઠવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ કામગીરી ઝડપથી થાય અને સ્થાનિક પ્રશ્નોનો ઝડપથી નિકાલ આવે તે માટે તે માટે કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં રવિવારથી નગરપાલિકાના તમામ ૧૧ વોર્ડમાં વર્ગ-૨ ના અધિકારીની અધ્યક્ષતામાં મહેસૂલ, પોલીસ, ફાયર, પીજીવીસીએલ, વોર્ડ ઓફિસર વિગેરેની સંયુક્ત ટીમ દ્વારા તપાસણી કરવામાં આવશે. આ ટીમ દરેક વોર્ડમાં સુજલામ-સુફલામ યોજના અંતર્ગત પ્રિ-મોન્સૂન કામગીરી માટે કલેકટરશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ વિવિધ કામો જેવાં કે, વોકળા-કુદરતી પાણીનાં નિકાલની સફાઈ, ગટર-રોડ,રસ્તાની સફાઈ, રસ્તા પરના ગેરકાયદેસર દબાણ દૂર કરવા વગેરેનો તાત્કાલિક નિકાલ કરવાની કામગીરી હાથ ધરશે.
વિશેષમાં લોકોની સુરક્ષા અને સલામતી માટેના જાહેરનામા અંગે વેરાવળના નગરજનોમાં જાગૃતિ આવે તે માટે આવતીકાલે બપોરે ૪-૦૦ કલાકે નગરપાલિકા, કોમ્યુનિટી હોલ, ડાભોર રોડ, વેરાવળ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફાયર, પોલીસ, પીજીવીસીએલ વિભાગ, આરટીઓ, બાયોમેડિકલ વેસ્ટ નિકાલ વિગેરેના તજજ્ઞો દ્વારા દરેક વ્યવસાયિક એકમો અને વિવિધ સંસ્થાઓનાં સંચાલકોએ ફાયર સેફટી એનઓસી, લિફ્ટ કાર્યરત સર્ટિફિકેટ , બીયુ પરમિશન, બાયોમેડિકલ વેસ્ટ બાબતેના નિયમો, બાળકોને સ્કૂલે લઈ જતા વાહનોએ રાખવાની સાવચેતી વગેરે બાબતનું માર્ગદર્શન આપવામાં આવશે.
આગામી રવિવારથી લોકોની સુરક્ષા બાબતે બહાર પાડવામાં આવેલ જાહેરનામા અંતર્ગત દરેક સંચાલકો દ્વારા વિકાસ પરવાનગીની વિગત, બિલ્ડિંગ યુટિલાઈઝન સર્ટિફિકેટની વિગત, ફાયર સેફ્ટી એન.ઓ.સી, ઇલેક્ટ્રિક સર્ટિફિકેટ, સીસીટીવી, ફૂડ લાઈસન્સ વગેરે સહિતની વિગતો નાગરિકો સ્પષ્ટ રીતે જોઈ શકે તેની તપાસણી કરવા માટે કલેકટરશ્રી દ્વારા બનાવવામાં આવેલી વિવિધ ટીમો દ્વારા સ્થળ તપાસ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કલેક્ટરશ્રીની આ સ્થળ મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજા, અધિક નિવાસી કલેક્ટર શ્રી રાજેશ આલ, પ્રાંત અધિકારી શ્રી વિનોદભાઈ જોશી, ચીફ ઓફિસર શ્રી ચેતન ડુડિયા, મામલતદાર શ્રી, જીએમબી-ફિશરીઝ તેમજ આરએન્ડબીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.