ભારત નવા મુકામ પર:ભારતના પહેલા ખાનગી પેડથી વિશ્વમાં પહેલું 3ડી પ્રિન્ટેડ એન્જિન રોકેટ ઊડ્યું
ચેન્નાઇ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ અગ્નિકુલે ઇતિહાસ રચતા અંતિરક્ષ ક્ષેત્રમાં ભારતને નવા મુકામ પર પહોંચાડ્યું છે. સ્ટાર્ટઅપે ગુરુવારે સવારે 7.15 વાગ્યે પોતાના પહેલા રોકેટ ‘અગ્નિબાણ સોર્ટેડ 01’ને લૉન્ચ કર્યું. આ લૉન્ચિંગ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં બનેલા દેશના પહેલા ખાનગી લૉન્ચ પેડથી થયું હતું. આ રૉકેટમાં દેશનું પહેલું સેમી ક્રાયોજેનિક સિંગલ પીસ 3ડી પ્રિન્ટેડ એન્જિન છે, જેને કેરોસીન અને લિક્વિડ ઑક્સિજન ફ્યૂઅલથી ઉડાન ભરી હતી. અત્યારે વિશ્વભરની મોટી ટેક્ કંપનીથી લઇને સ્ટાર્ટઅપ કંપનીઓ પોતાની ટેક્નિકને શ્રેષ્ઠ બનાવવા અને દૂરનાં ક્ષેત્રો માટે ક્લાઇમેટ ચેન્જનું મોનિટરિંગ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેવા ઉપયોગો માટે 500 કિ.ગ્રા સુધીનું વજન ધરાવતા નાના સેટેલાઇટ લોન્ચ કરવાનું વિચારી રહી છે. 3ડી પ્રિન્ટેડ એન્જિનની સફળતાથી અગ્નિકુલ હવે ઑન ડિમાન્ડ રૉકેટ એન્જિન બનાવી શકશે. તેનાથી નાના સેટેલાઇટના વૈશ્વિક માર્કેટમાં આપણી રજૂઆત એટલી આકર્ષક હશે કે વિશ્વ તેને નજરઅંદાજ નહીં કરી શકે. લૉન્ચિંગનો ખર્ચ એક તૃતીયાંશ, સ્પેસ માર્કેટમાં હિસ્સો 5 ગણો વધશે
અગ્નિકુલની સફળતાએ નાના સેટેલાઇટના વૈશ્વિક માર્કેટમાં ભારતની દાવેદારી મજબૂત કરી છે. તેની સૌથી વધુ અસર ખર્ચ પર થશે. અત્યારે એક લૉન્ચનો ખર્ચ 30 હજાર ડૉલર પ્રતિ કિલો સુધી છે. અગ્નિકુલ તેને 10 હજાર ડૉલર પ્રતિ કિલો પર લઇ જશે. આ સંભવત: વિશ્વમાં સૌથી ઓછો ખર્ચ છે. તેનાથી આપણે આગામી કેટલાંક વર્ષમાં સ્પેસ માર્કેટમાં 9થી 10% હિસ્સો ધરાવતા હોઈશું. અત્યારે તે 2% છે. વિશ્વમાં ઉપગ્રહનું માર્કેટ 2030 સુધી 1 ટ્રિલિયન ડૉલર (83 લાખ કરોડ રૂ.)નું થઇ જશે. ભારતે તેમાં $44 અબજ (3.65 લાખ કરોડ રૂ.)નું લક્ષ્ય રાખ્યું છે. તેમાં $11 અબજ સુધી માત્ર નિકાસ હશે. સ્પેસ ઝોન ઑફ ઇન્ડિયા મોબાઇલ લોન્ચિંગ પેડથી હાઇબ્રિડ રૉકેટના સહારે 3 ક્યૂબ સેટેલાઇટ અને 50 પિકો સેટેલાઇટ છોડશે. આવું વિશ્વમાં પ્રથમવાર થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.