શિશુવિહાર બુધસભાનું અનોખું આયોજન દિવંગત કવિઓની કવિતાઓનો મુશાયરો યોજાયો
શિશુવિહાર બુધસભાનું અનોખું આયોજન
દિવંગત કવિઓની કવિતાઓનો મુશાયરો યોજાયો
ભાવનગર ૧૯૮૦ થી અવિરત ચાલી રહેલી કાવ્યપ્રવૃત્તિ શિશુવિહાર બુધસભા દ્વારા શબ્દસ્થ કવિઓને એમની કવિતાઓની પ્રસ્તુતિ દ્વારા શબ્દાંજલિ આપવાનો એક અનેરો ઉપક્રમ યોજાયો હતો. મહિનાના પાંચમા બુધવારે શિશુવિહાર ખાતે મુશાયરો આયોજિત કરવામાં આવતો હોય છે, જેના સંચાલક પ્રા. હિમલ પંડ્યાની પરિકલ્પનાથી આ વખતે બુધસભાના જ ભૂતપૂર્વ કવિઓને યાદ કરીને એમને એમની જ કવિતાઓથી સાંપ્રત કવિઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ ઉપક્રમમાં દિવંગત કવિઓ પરાજિત ડાભી, અરુણ દેશાણી, રાહી ઓધારિયા, પ્રફુલ્લા વોરા અને દિલહર સંઘવીની કવિતાઓથી વર્તમાન પેઢીના કવિઓને અવગત કરાવવામાં આવ્યા. આ તમામ કવિઓની રચનાઓની પ્રસ્તુતિ કવિઓ ધ્રુવ દેસાઈ, રાજીવ ભટ્ટ 'દક્ષરાજ', ભરત વાઘેલા, નેહા પુરોહિત તથા જયેશ ભટ્ટ દ્વારા કરવામાં આવી. આ પ્રસંગે કાવ્યપાઠ કરનાર કવિઓ અને સંચાલકશ્રીએ દિવંગત કવિઓ સાથેના બુધસભાના અનુભવો અને પ્રસંગોને વાગોળ્યા હતા. બે દિવસ પહેલા જ અંતિમ શ્વાસ લેનાર વરિષ્ઠ કવયિત્રી પરિમલાબેન રાવલને પુષ્પાંજલિ અર્પણ કરીને એમની એક રચનાનું પઠન દર્શનાબેન રાવલ દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે રાષ્ટ્રીય અકાદમી પુરસ્કૃત કૃતિ 'સૈરન્ધ્રી'ના કવિ શ્રી વિનોદ જોશીએ વિશેષ ઉપસ્થિત રહીને આ આયોજનના વિચારને બિરદાવ્યો હતો તથા શબ્દસ્થ કવિઓ સાથેના પોતાના સંસ્મરણો તાજા કર્યા હતા.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.