જમ્મુમાં બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી:21નાં મોત, 69 ઘાયલ; UP-રાજસ્થાનના 90 યાત્રાળુઓ હાથરસથી શિવખોરી જઈ રહ્યા હતા
જમ્મુના અખનૂરમાં ગુરુવારે બપોરે શ્રદ્ધાળુઓને લઈ જતી એક બસ 150 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 21 લોકોના મોત થયા હતા. જ્યારે 69 લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધી શકે છે. ઘાયલોને જમ્મુની અખનૂર હોસ્પિટલ અને જમ્મુની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત જમ્મુ-પૂંછ હાઈવે પર થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બસમાં ઉત્તર પ્રદેશના હાથરસથી લગભગ 90 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તેઓ હાથરસથી શિવ ખોરી જઈ રહ્યા હતા. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. અકસ્માતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. અહીં કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સાથે જ ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે. બસ અકસ્માતની તસવીરો... વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ મુર્મુએ શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ X પર લખ્યું, "જમ્મુ પાસે અખનૂરમાં એક બસ દુર્ઘટનામાં લોકોના મોતના સમાચારથી દુ:ખ થયું. મૃતકોના પરિવાર પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું." 6 મહિના પહેલાં પણ આવો જ એક અકસ્માત થયો હતો
15 નવેમ્બર, 2023ના રોજ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના અસ્સાર વિસ્તારમાં એક બસ 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 9 મહિલા સહિત 38 લોકોનાં મોત થયાં હતાં. બસ કિશ્તવાડથી જમ્મુ જઈ રહી હતી. પોલીસ અને SDRFની ટીમો સાથે સ્થાનિક લોકોએ પણ રાહત અને બચાવકાર્ય કર્યું હતું. બસનો કચ્ચરઘાણ થઈ ગયો હતો, તેથી મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢવા માટે બસના ભાગને કાપવો પડ્યો હતો. ઘાયલોને કિશ્તવાડ જિલ્લા હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજ (જીએમસી), ડોડામાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાક લોકોને એરલિફ્ટ કરીને જમ્મુ લઈ જવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.