TRP ગેમઝોનમાં નવો ખુલાસો: માર્ગ-મકાન વિભાગે 9 માસ પુર્વે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો છતાં પોલીસ બેદરકાર રહી! - At This Time

TRP ગેમઝોનમાં નવો ખુલાસો: માર્ગ-મકાન વિભાગે 9 માસ પુર્વે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો છતાં પોલીસ બેદરકાર રહી!


શહેર માર્ગ મકાન વિભાગે રાજકોટના પોલીસતંત્રને સ્પષ્ટ અભિપ્રાય આપેલ હતો. છતા પણ પોલીસ તંત્ર અને ગેમઝોનના સંચાલકો લાપરવાહ રહ્યા હોવાનું બહાર આવેલ છે અને શહેર માર્ગ મકાન વિભાગનાં અભિપ્રાયની સંચાલકો તથા પોલીસે ઐસી-તૈસી કરી નાંખી અને તમામ નિયમોનો ઉલાળીયો કરી ગેમઝોનનાં સંચાલકોને મંજુરી આપી દીધી હોવાનું પણ બહાર આવેલ છે.
શહેર માર્ગ મકાન વિભાગનાં કાર્યપાલક ઈજનેરએ પોલીસ કમિશ્ર્નરને પાઠવેલા અભિપ્રાયમાં એવું સ્પષ્ટપણે જણાવેલ હતું કે આગ, વાવાઝોડા કે અન્ય અકસ્માતની જવાબદારી આયોજકોના શિરે રહેશે તેવી સૂચના અપાઈ હતી તથા ફાયર સેફટી અને યાંત્રીક રાઈડના ઉપયોગની મંજુરી પણ ફરજીયાત લેવાની રહેશે તેવો અભિપ્રાય આપ્યો હતો, જયારે ઈલેકટ્રીક સાધનો અને ગેસ કે લાઈનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હતો.
ઉલ્લેખનીય છે કે ટીઆરપી ગેમઝોનના રેસવે એન્ટરપ્રાઈઝના નામે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા મંજુરી માંગવામાં આવી હતી. રાજકોટ શહેર માર્ગ મકાન વિભાગે શહેર પોલીસ કમિશ્ર્નરને તા.14/9/2023નાં રોજ પાઠવેલા પત્રમાં જુદી-જુદી 15 શરતોનું પાલન થાય તો જ મંજુરી આપી શકાય તેવું સ્પષ્ટ જણાવેલ હતું.
માર્ગ મકાન વિભાગે જે જુદી-જુદી 15 શરતો પોલીસને જણાવી હતી તે જોઈએ તો આયોજકોએ સ્ત્રીઓ તેમજ પુરુષો એમ બન્ને માટે અલગ અલગ કામચલાઉ મુતરડીઓની વ્યવસ્થા સ્થળ પર કરવાની રહેશે તથા ગ્રાઉન્ડમાં ઉભા કરવામાં આવેલ સ્ટોલ્સ તેમજ બેરીકેટીંગ મજબુતાઈથી ઉભા કરવાના રહેશે અને સ્થળ પર અગ્નિશામક સાધનો રાખવાના રહેશે. ફાયર બ્રિગેડ વિભાગની મંજુરી બારોબાર મેળવી લેવાની રહેશે જયારે આગ, વાવાઝોડા કે અન્ય અકસ્માતની તમામ જવાબદારી આયોજકોના શીરે રહેશે.
આ ઉપરાંત આઈએસઓ/8758/93 ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ખાદ્યપદાર્થોના સ્ટોકમાં ખાદ્યપદાર્થો ગરમ કરવા માટે ગેસ, પ્રાઈમસ કે અન્ય ઈલેકટ્રોનીક સાધનોનો ઉપયોગ કરવાનો રહેશે નહી તેમજ યાંત્રીક વિભાગની મંજુરી મેળવવાની રહેતી હોય તો લગત વિભાગની મંજુરી બારોબાર મેળવી લેવાની રહેશે તથા મંડપ, બેરીકેટીંગની મજબુતાઈ અંગે વિષય નિષ્ણાંતોનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે, અને ઈલેકટ્રીકને લગત તમામ પ્રકારનાં સાધનો/વસ્તુઓ/ઉપકરણોને લગતી ચકાસણી કરી વિદ્યુત/ઈલેકટ્રીક વિભાગની સરકારનાં પ્રવર્તમાન ધારા-ધોરણ મુજબ મંજુરી મેળવવાની રહેશે તેમજ બારોબાર રજુ કરવાનું રહેશે.
આયોજકશ્રીને રાજકોટ ખાતે જે જગ્યા ફાળવવામાં આવેલ હોય, તેનો લે-આઉટ પ્લાનમાં સમાવેશ કરવાનો રહેશે તથા સમગ્ર કાર્યક્રમ દરમિયાન ફાળવેલ જગ્યાનો જ વપરાશ કરવાનો રહેશે. અન્ય કોઈ જગ્યાનો વપરાશ કરવાનો રહેશે નહી. તે બાબતની સંપૂર્ણ કાળજી આયોજકએ રાખવાની રહેશે તથા આયોજક દ્વારા ઉપરોક્ત કાર્યક્રમ દરમિયાન ઉભા કરવામાં આવેલ મંડપ, પંડાલ, સાઉન્ડ, ટાયર, લાઈટીંગ, ટાવર, પ્રદર્શન માટેનાં મંડપ/સ્તંભ/ગાળા વગેરેની માળખાકીય મજબૂતાઈ અંગે વિષય નિષ્ણાંતનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે તે બારોબાર રજુ કરવાનું રહેશે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.