રાણપુર તાલુકાના જાળીલા ગામમાં શાળાની આજુબાજુના વિસ્તારમાં તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા હાથ ધરાયુ સરપ્રાઇઝ ચેકિંગ - At This Time

રાણપુર તાલુકાના જાળીલા ગામમાં શાળાની આજુબાજુના વિસ્તારમાં તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા હાથ ધરાયુ સરપ્રાઇઝ ચેકિંગ


(માહિતી બ્યુરો, બોટાદ)
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લા ક્લેકટર ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયા તેમજ જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એ.કે.સિંગની અધ્યક્ષતામાં બોટાદ જીલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યું છે. જેમાં તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)ના સઘન અમલીકરણને ધ્યાને લઈ આજ સવારથી રાણપુર તાલુકાના જાળીલા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - ટાસ્ક ફોર્સ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

તમાકુ કે તમાકુની બનાવટ વેચતા નાના-મોટા વેપારીઓ, પાન-ગલ્લા પાર્લર વગેરે ૧૨ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી, ૫ જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.૧૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો. ચેકીંગ દરમિયાન વેપારીઓ દ્વારા “તમાકુથી કેન્સર થાય છે”, “૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિને તમાકુનું વેચાણ એ દંડનીય ગુનો છે”, “સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે.” એવું લખાણ સાથે નિર્દિષ્ટ આરોગ્ય –વિષયક ચેતવણી વિના સિગારેટ્સ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ, બીડી, બીસ્ટોલ/સિગારેટના પેકેટ ઉપર ૮૫% ભાગમાં “તમાકુ જીવલેણ છે, તમાકુના સેવનથી કેન્સર થાય છે.” તેવું સચિત્ર ચેતવણી અને શાળાની આજુબાજુમાં તમાકુના વેચાણ પર પ્રતિબંધ જેવી બાબતોની ચકાસણી કરાઇ હતી. સાથોસાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ થાય છે કે નહિ તે અંગે પણ સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું.

આ કામગીરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો.કિંજલ એસ. મકવાણા, પ્રા.આ. કેન્દ્રના સુપરવાઈઝર હરેશ ગોલેતર તેમજ એમ.પી.એચ.ડબ્લ્યુ અલ્પેશ મોદી દ્વારા કરવામાં આવી હતી તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવાયુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.