સાઇબર ક્રાઇમ:ભારતીયોએ સાઇબર ફ્રોડમાં માત્ર ચાર મહિનામાં 1750 કરોડ રૂપિયા ગુમાવ્યા - At This Time

સાઇબર ક્રાઇમ:ભારતીયોએ સાઇબર ફ્રોડમાં માત્ર ચાર મહિનામાં 1750 કરોડ રૂપિયા ગુમાવ્યા


દુનિયાભરમાં સાઇબર ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં ઑનલાઇન ઇન્વેસ્ટમેન્ટ, ગેમિંગ એપ્સ, સેક્સટોર્શન અને ઓટીપી આધારિત ફ્રોડની સૌથી વધારે ઘટનાઓ નોંધાઈ રહી છે. છેલ્લા ચાર મહિનામાં એટલે કે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં ભારતીયોએ સાઇબર ફ્રોડમાં 1750 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કૉઓર્ડિનેશન સેન્ટરના રિપોર્ટ અનુસાર ભારતમાં સાઇબર ક્રાઇમની દરરોજ 7 હજાર ફરિયાદો નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટીંગ પોર્ટલ પર નોંધાઈ રહી છે. 4 મહિનામાં 7.40 લાખ ફરિયાદો નોંધાઈ છે. મેમાં પણ દરરોજ 7 હજાર ફરિયાદ નોંધાઈ હતી. જે 2021માં નોંધાયેલી ફરિયાદો કરતા 113.7 ટકા વધારે છે. જ્યારે 2023ની તુલનામાં 60.9 ટકા વધારે છે. સૌથી વધારે 1420 કરોડ રૂપિયાની ઠગાઈ ટ્રેડિંગ સ્કેમ્સ દ્વારા કરવામાં આવી છે. માત્ર 4 મહિનામાં તેના 20,043 કેસ નોંધાયા છે. ગૃહ મંત્રાલયે સાઇબર ફ્રોડના કેસ રોકવા માટે ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કૉઓર્ડિનેશન સેન્ટરની સ્થાપના કરી હતી. આ સેન્ટર રિઝર્વ બેન્ક, ફિનટેક અને ટેલિકોમ કંપનીઓની સાથે મળીને કામ કરે છે. તે ફરિયાદોના આધારે સ્કાઇપ એકાઉન્ટ, ગૂગલ-મેટાની ઍડ, સીમ કાર્ડ તથા બેન્ક ખાતા બ્લૉક કરે છે. આ વર્ષે ડિજિટલ અરેસ્ટ દ્વારા 120 કરોડની છેતરપિંડી
ચાલુ વર્ષે ડિજિટલ સાઇબર અરેસ્ટ આધારિત ફ્રોડની ઘટનાઓમાં વધારો થયો છે. આ રીતે માત્ર 4 મહિનામાં 120 કરોડ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે તથા કુલ 4,599 ફરિયાદ નોંધાઈ છે. આ પ્રકારની છેતરપિંડીમાં પોલીસ અધિકારી કે સરકારી અધિકારી તરીકે ઓળખ આપીને પીડિતને ઑનલાઇન રહેવાની ફરજ પાડવામાં આવે છે તથા ડરાવી, ધમકાવીને નાણા વસુલવામાં આવે છે. 3 લાખથી વધુ સીમ બ્લોક કરાયા છતાં ઠગાઈ અટકવાનું નામ લેતી નથી
ઇન્ડિયન સાઈબર ક્રાઇમ કોઓર્ડિશન સેન્ટરની ઢબે અમદાવાદમાં સેવેન જોઇન્ટ કોઓર્ડિનેશન ટીમ બનાવાઈ છે. સરકાર દ્વારા નેશનલ સાઈબર ફોરેન્સિક લેબોરેટરી અને સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ બનાવાયું છે. દેશમાં અત્યાર સુધી, 3.2 લાખ સીમ કાર્ડ અને 49 હજાર આઇએમઇઆઇ નંબર પોલીસ દ્વારા બ્લોક કરાયા છે. આ પગલાંઓ છતાં પણ ઠગાઇવા કેસ અટકતાં નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.