સેક્સ સ્કેન્ડલના આરોપી પ્રજ્વલ રેવન્નાએ VIDEO જાહેર કર્યો:કહ્યું- 31 મેના રોજ SIT સમક્ષ હાજર થઈશ, મારા પર લાગેલા તમામ આરોપો ખોટા છે
સેક્સ સ્કેન્ડલના આરોપી અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાએ સોમવારે વીડિયો જાહેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે હું 31 મેના રોજ SIT સમક્ષ હાજર થઈશ. તેણે કહ્યું કે મારા પર લાગેલા તમામ આરોપો ખોટા છે. એચડી દેવેગૌડાએ ગુરુવારે 23 મેના રોજ તેમના પૌત્ર અને સેક્સ સ્કેન્ડલના આરોપી પ્રજ્વલ રેવન્નાને ભારત પાછા ફરવા અને તપાસનો સામનો કરવાની ચેતવણી આપી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ કેસની તપાસમાં તેમની અને તેમના પરિવાર તરફથી કોઈ દખલગીરી કરવામાં આવશે નહીં. પ્રજ્વલ સામે 3 મહિલાની છેડતીના 3 કેસ નોંધાયેલા છે. 26 એપ્રિલે લોકસભાના મતદાન બાદ તે જર્મની ગયો હતો, ત્યારથી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. પ્રજ્વલ હાસન લોકસભા સીટ પરથી જેડીએસનો ઉમેદવાર છે. જો પ્રજ્વલ વાત માનશે નહીં. તો તેણે આખા પરિવારના ગુસ્સાનો સામનો કરવો પડશે
દેવેગૌડાએ કહ્યું હતું કે હું પ્રજ્વલને વિનંતી નથી કરતો, પરંતુ તેને ચેતવણી આપી રહ્યો છું. જો તે આ ચેતવણી પર ધ્યાન નહીં આપે તો તેને મારા અને સમગ્ર પરિવારના ગુસ્સાનો સામનો કરવો પડશે. કાયદો તેની સામેના આરોપોની તપાસ કરશે, પરંતુ જો તે પરિવારની વાત નહીં સાંભળે તો અમે તેને એકલો છોડી દઈશું. જો તેને મારા માટે થોડું પણ માન હોય તો તેણે તરત જ પાછા ફરવું જોઈએ. હું એ પણ સ્પષ્ટ કરવા માગું છું કે આ મામલે પોલીસ તપાસમાં મારી કે મારા પરિવાર તરફથી કોઈ દખલગીરી કરવામાં આવશે નહીં. મને આ અંગે કોઈ લાગણી નથી. હું માત્ર પ્રજ્વલનાં કૃત્યથી પીડાતા લોકોને ન્યાય આપવાનું વિચારી રહ્યો છું. 'જે લોકો મારી અને મારા પરિવાર વિરુદ્ધ ખરાબ બોલે છે તેમની સાથે દલીલ કરવા માગતા નથી'
તેમણે વધુમાં કહ્યું હતું કે પ્રજ્વલે મને અને મારા પરિવારને, મારા સાથીદારો, મિત્રો અને પાર્ટીના કાર્યકરોને જે દર્દ અને આઘાત આપ્યાં એમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગ્યો. મેં પહેલેથી જ કહ્યું છે કે જો તે દોષિત ઠરે તો તેને સખતમાં સખત સજા મળવી જોઈએ. પૂર્વ વડાપ્રધાને કહ્યું, હું જાણું છું કે છેલ્લા કેટલાક દિવસોમાં લોકોએ આ મામલે તેમની અને તેમના પરિવાર વિરુદ્ધ ઘણી ખરાબ વાતો કહી છે. હું આ લોકોને રોકવા માગતો નથી. હું તેમના વિશે પણ ખરાબ બોલવા માગતો નથી અને હું એમ કહેવા માગતો નથી કે તેમણે તમામ હકીકતો બહાર આવે તેની રાહ જોવી જોઈતી હતી. હું લોકોને સમજાવી શકતો નથી કે હું પ્રજ્વલની પ્રવૃત્તિઓથી વાકેફ નહોતો અને મને તેનો બચાવ કરવાની કોઈ ઈચ્છા નથી. મને તેના વિદેશપ્રવાસ વિશે પણ ખબર નહોતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.