હળવદના માથક ગામે વાડાની જમીન નામે ચડાવવાનું કહી તલાટી મંત્રી ઉપર પિતા-પુત્રનો છરી વડે હુમલો - At This Time

હળવદના માથક ગામે વાડાની જમીન નામે ચડાવવાનું કહી તલાટી મંત્રી ઉપર પિતા-પુત્રનો છરી વડે હુમલો


હળવદ તાલુકાના માથક ગામે વાડાની જમીન પોતાના નામે ચડાવવાનું કહી માથક ગ્રામ પંચાયતે આવી તલાટી મંત્રી ઉપર ગામમાં જ રહેતા પિતા-પુત્રએ છરીથી હુમલો કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે બનાવ અંગે તલાટી મંત્રી દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ બંને પિતા-પુત્ર સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રબારી નેસમાં રહેતા અને માથક ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે સરકારી ફરજ બજાવતા જગદીશભાઈ કરમશીભાઈ આલ ઉવ.૪૫એ આરોપી હરપાલસિંહ જયવંતસિંહ ઝાલા તથા મીતરાજસિંહ હરપાલસિંહ ઝાલા રહે.બંને માથક ગામ તા-હળવદ જી-મોરબી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગઈકાલ તા.૨૦/૦૫ના રોજ જગદીશભાઈ આલ તેમની કાયદેસરની ફરજ બજાવવા માટે માથક ગામની ગ્રામ પંચાયત ખાતે હાજર હતા ત્યારે આરોપી હરપાલસિંહએ ત્યાં આવી બોલાચાલી કરી માથક ગામમાં આવેલ વાડાની જગ્યા પોતાના નામે ચડાવી દેવા બાબતે તલાટી મંત્રી જગદીશભાઈ સાથે ઝઘડો કરી જેમ ફાવે તેમ બિભત્સ ગાળો આપવા લાગેલ ત્યારે જગદીશભાઈએ ગાળો દેવાની ના પાડતા આરોપી હરપાલસિંહે ઉશ્કેરાઇ જઇ પોતાની પાસે રહેલ છરીથી તેમની ઉપર હુમલો કરતા જગદીશભાઈએ આરોપીનો હાથ પકડી લીધો હતો. ત્યારે ઝપાઝપી થયેલ તે દરમ્યાન આરોપી મિતરાજસિંહે જગદીશભાઈના મોઢા પર એક મુક્કો મારી ડાબી આંખના ભાગે મુંઢ ઈજા કરી હતી. અને આરોપી હરપાલસિંહે છરીથી હુમલો કરી જગદીશભાઈને હાથની કોણી પાસે મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી બંને આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. ત્યારે બનાવ મામલે તલાટી મંત્રી જગદીશભાઈ દ્વારા બંને આરોપી પિતા-પુત્ર સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સરકારી ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.