રાજકોટમાં મોબાઇલમુક્ત બાળપણ માટે અનોખો પ્રયોગ: ફન સ્ટ્રીટમાં સંખ્યાબંધ બાળકો વિસરાયેલી 30 રમતો રસપૂર્વક રમ્યાં - At This Time

રાજકોટમાં મોબાઇલમુક્ત બાળપણ માટે અનોખો પ્રયોગ: ફન સ્ટ્રીટમાં સંખ્યાબંધ બાળકો વિસરાયેલી 30 રમતો રસપૂર્વક રમ્યાં


આગામી 26 મે અને 2 અને 9 જૂને પણ ભૂલકાંઓ કરશે ગમ્મતનો ગુલાલ.

કમ્પ્યૂટર અને સ્માર્ટ ફોન પહેલાંના જમાનામાં આપણે બધા વેકેશનમાં લૂડો, સાપસીડી, ડોમિનોઝ અને બેંક, વ્યાપાર જેવી રમતો રમતા હતા. પરંતુ આજે દરેક વાલીની એક જ ફરિયાદ સંભાળવા મળે છે મારું બાળક મોબાઈલ મૂકતું નથી. રાજકોટના રેસકોર્સમાં રવિવારે બાળકો માટે એવી ઇવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં બાળકો મોબાઈલને ભૂલી જાય. આ ઇવેન્ટનું નામ છે ફન સ્ટ્રીટ. સામાન્ય રીતે વેકેશનમાં આ ફન સ્ટ્રીટમાં બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે, વિસરાયેલી રમતો જીવંત થાય, બાળકો મોબાઈલને બદલે ફિઝિકલ રમતો રમે જેનાથી સ્વાસ્થ્ય પણ સારું રહે તેવી 30થી વધુ રમતો રમાડવામાં આવી હતી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્રનગરી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વેકેશન પડતા આજથી ફરી ફન સ્ટ્રીટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વિસરાયેલી વિવિધ રમતો રમાડવામાં આવી હતી. ફન સ્ટ્રીટમાં વૃદ્ધોએ પણ લીંબુ ચમચી સહિતની વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. કેટલાક યુવાનો અને વૃદ્ધો ભમરડો ફેરવતા પણ નજરે પડ્યા હતા. હજુ આગામી 26 મે, 02 અને 09 જૂને પણ સવારે 7થી 9 કલાક દરમિયાન બાળકોને રસ્સા ખેંચ, કોથળા દોડ સહિતની રમતો રમાડવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.