જસદણ પાલિકા લાતીપ્લોટને જોડતા કાળીયા બ્રીજને બંધ કરે છે, પોલીસ કોઈ કાર્યવાહી કરતી ન હોવાથી લોકો જાતે જ રસ્તો ખુલ્લો કરી વાહનો અને લોકોનું આવન-જાવન ચાલુ કરી દે છે
જસદણ પ્રાંત અધિકારી અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટની તા.22-03-2024 ની દરખાસ્તથી જસદણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ડો.બાબાસાહેબ આંબેડકર સ્ટેચ્યુથી લાતીપ્લોટને જોડતા કાળીયા બ્રીજ ઉપર રીપેરીંગ/રીટ્રોફીટીંગ કર્યા પછી પણ જાહેર જનતાના સંચય માટે કોઈ પણ પ્રકારની લારીઓ અથવા અન્ય માધ્યમો રાખવા માટે સખત પ્રતિબંધનો અમલ કરવો જરૂરી હોવાનું જણાવેલ હતું. જેને ધ્યાને લઈ આ બ્રીજ ઉપર તમામ પ્રકારના વાહન વ્યવહાર તેમજ જાહેર જનતાની અવરજવરથી દુર્ઘટના થવાની સંભાવના હોવાથી બ્રીજનું રીપેરીંગ/નવીનીકરણ ન થાય ત્યાં સુધી અથવા તો નગરપાલિકા દ્વારા જયાં સુધી ઉકત બ્રીજ જાહેર જનતા માટે ઉપયોગમાં લેવાનો નિર્ણય ન કરે ત્યાં સુધી આ બ્રિજ ઉપરથી તમામ પ્રકારના વાહનો-રાહદારીઓની અવરજવર ઉપર જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ મુકી તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પાલિકાને જવાબદારી સોંપતા પાલિકા દ્વારા આ બ્રિજને બંધ કરી દેવાયો હતો. પરંતુ ગણતરીના દિવસોમાં જ લોકોએ જાતે જાહેરનામાંનો ભંગ કરી ડો.બાબાસાહેબ આંબેડકર સ્ટેચ્યુથી લાતીપ્લોટને જોડતા કાળીયા બ્રીજ ઉપર રાહદારીઓ અને વાહનોની આવન-જાવન ચાલુ કરી દેતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. છતાં સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી ખુદ જિલ્લા કલેકટર દ્વારા જ જાહેરનામાનો અમલ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ત્યારે સવાલ એ થાય છે કે, જિલ્લા કલેકટરના આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યકિત સને-1951 નાં ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 માં દર્શાવેલ શિક્ષાને પાત્ર બનતા હોવાથી શું તંત્ર દ્વારા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જાહેરનામાનો ઉલ્લંઘન કરનારાઓ વિરુધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે ખરા? કે પછી અગાઉની માફક ચુપચાપ તમાશો જોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપશે એ તો આવનારો સમય જ બતાવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.