જનડા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા રજામાં મજાનું શિક્ષણ શૈક્ષણિક સેમિનાર આયોજન શરૂ - At This Time

જનડા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા રજામાં મજાનું શિક્ષણ શૈક્ષણિક સેમિનાર આયોજન શરૂ


જનડા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા રજામાં મજાનું શિક્ષણ શૈક્ષણિક સેમિનાર આયોજન શરૂ

ઉનાળાનું વેકેશન ચાલુ છે ત્યારે વિદ્યાર્થીઓ શિક્ષણથી દૂર જતા રહે છે. અને મોબાઇલ,ટીવી. માં વ્યસ્ત થઈ જાય છે. ઘણી વખત ખરાબ મિત્રોની સોબત થકી વિદ્યાર્થીઓ પોતાનું જીવન ખરાબ કરી દે છે. ઉનાળો વેકેશન દરમિયાન વાલીશ્રીઓ પણ પોતાના બાળક પ્રત્યે પૂરતું ધ્યાન નથી આપતા અને "વેકેશન છે ને એટલે એને ટી.વી જોવા આપો, મોબાઈલ આપો. વગેરે જેવી વિચાર ધારા થકી પોતાની જવાબદારીથી છટકે છે ત્યારે જનડા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ગાબુ મનુભાઈ દ્વારા એક નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેનું નામ છે "રજાઓમાં મજાનું શિક્ષણ". શૈક્ષણિક સેમિનાર (નિ:શુલ્ક) તારીખ:-14/5/2024 થી તારીખ :-30/5/2024 દિન :-17દિવસ સુધી ચાલશે. વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલ અલગ અલગ કૌશલ્ય બહાર લાવે અને પોતાના પસંદગીના વિષયમાં પોતાની જીવન કારકિર્દી બનાવે તે ઉદ્દેશ્ય સાથે નાનકડો એવો પ્રયાસ શ્રી જનડા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ગાબુ મનુભાઈ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ સેમિનારમાં જનડા શાળાના વિદ્યાર્થીઓ તેમજ બહાર ગામના વિદ્યાર્થીઓ પણ જોડાઈ રહ્યા છે. આ શૈક્ષણિક સેમિનારમાં અલગ અલગ શૈક્ષણિક મુદ્દાઓને આવરી લઈ આ સેમિનારમાં અલગ અલગ વિષયના નિષ્ણાત સાહેબશ્રીઓને બોલવામાં આવી રહ્યા છે.વિદ્યાર્થીઓને રજામાં મજા આવી અને સાથે સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેઓ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરતા થાય તેવું જ કાર્ય આયોજન ગોઠવવામાં આવેલ છે. જેમ કે સંગીત વાદ્ય, ગાન, માથે પાઘડી બાંધવા માટેનું પ્રશિક્ષણ, લાઠીદાવ, કુસ્તી, કરાટે ,અંગ્રેજી વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ, હિન્દી વ્યાકરણ, ચિત્ર, વેસ્ટ માંથી બેસ્ટ, સ્પર્ધાત્મક પરીક્ષણ માર્ગદર્શન, વગેરે.વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસના ઉદ્દેશ્ય સાથે આ સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે. આ શૈક્ષણિક સેમિનારમાં કોઈ પણ ગામના વિદ્યાર્થીઓ જોડાઈ શકે તેવું સુંદર આયોજન ગોઠવવામાં આવ્યું છે.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.