પોરબંદરમાં બોર્ડનું ધોરણ-૧૦નું પરિણામ ઓછું આવવા બદલ સૌએ સહિયારુ ચિંતન કરવુ જરૂરી
*પોરબંદરમાં બોર્ડનું ધોરણ-૧૦નું પરિણામ ઓછું આવવા બદલ સૌએ સહિયારુ ચિંતન કરવુ જરૂરી*
*વિદ્યાર્થી, માતા-પિતા અને શિક્ષકોના ત્રિકોણમાં કંઇક ખૂટતુ હોવાથી પોરબંદરે મેળવ્યો છે રાજ્યમાં સૌથી છેલ્લો ક્રમઃ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાઈ ચિંતા*
ધોરણ-૧૦નું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ જાહેર થયુ છે તેમાં પોરબંદર જિલ્લાનું પરિણામ રાજયભરમાં સૌથી ઓછુ છે અને પોરબંદર જિલ્લો સૌથી છેલ્લા ક્રમે છે ત્યારે જિલ્લામાં સામાજિક, શૈક્ષણિક પ્રવૃત્તિ કરતી સંસ્થા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એવી ચિંતા સેવી છે કે વિદ્યાર્થી, માતા-પિતા અને શિક્ષકોના ત્રિકોણમાં કંઇક ખૂટી રહ્યુ છે તેથી ખૂટતી નબળી કળીઓને દૂર કરીને હકારાત્મક વાતાવરણ ઉભુ કરવુ જરૂરી બન્યુ છે.
ધોરણ-૧૦નું પરિણામ જાહેર થતા પોરબંદર જિલ્લો ૭૪.૫૭% સાથે રાજ્યમાં સૌથી છેલ્લા ક્રમે આવ્યો છે ત્યારે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડીયાએ જણાવ્યુ છે કે નબળુ પરિણામ આવવા પાછળ માત્ર વિદ્યાર્થીઓ જ જવાબદાર નથી એટલે તેના ઉપર જવાબદારી ઢોળી શકાય નહીં આવું પરિણામ આવવા બદલ સંતાનો ઉપર ખોટો ગુસ્સો કરવાના બદલે તેમના માતા-પિતા કે વાલીએ આત્મમંથન કરવુ જોઇએ કારણકે પોરબંદર જિલ્લામાં ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓમાં એવું પણ જોવા મળ્યુ છે કે ત્યાં તેમને શ્રેષ્ઠતમ શિક્ષણ આપવામાં આવે છે પરંતુ તેનુ જે ફોલોઅપ થવું જોઇએ તે તેમના માતા-પિતા અથવા વાલીઓ કરતા નથી કયારેક તો એવુ પણ બને છે કે પેરેન્ટસ મીટીંગ માં પણ હાજર રહેવાનો વાલીઓને સમય હોતો નથી. આજના સોશ્યલ મિડીયાના યુગમાં મોટાભાગના મા-બાપ પોતાના કામકાજમાં અને સોશ્યલ મીડિયામાં વ્યસ્ત હોય છે તેમને ભાગ્યેજ સંતાનો માટે સમય હોય છે. કમનસીબી એ છે કે એવું પણ જોવા મળ્યુ છે કે ઘણીવખત મા- બાપને તેમનું સંતાન કયા ધોરણમાં ભણે છે કયા વર્ગમાં છે તેની પણ ખબર હોતી નથી. સ્કૂલમાંથી વારંવાર લેવાતી વીકલી કે મન્થલી ટેસ્ટના શું પરિણામ આવ્યા તે પણ જોવાની ભાગ્યેજ વાલીઓ દરકાર કરતા હોય છે. આથી માતા-પિતા પક્ષે એવી ઘણી બધી બાબત ખૂટે છે. વળી અમુક માતા-પિતા તેમના બાળકોના પરિણામની બીજા સાથે સરખામણી કરતા હોય છે. બધાની કેચઅપ શક્તિ સરખી હોતી નથી તેથી એ બાબત પણ તદ્ન અયોગ્ય છે.સંતાનો પાસેથી બિનજરૂરી અપેક્ષા રાખવાના બદલે તેઓ જે રીતે મહેનત કરી રહ્યા છે તેમાં પ્રોત્સાહન આપવુ જરૂરી છે.
રામદેવભાઈ મોઢવાડીયાએ વધુમાં જણાવ્યુ છે કે ઘણીવખત શિક્ષકો દ્વારા પણ કયાંક ક્ષતિઓ અને ખામીઓ રહી જતી હોય તેવુ બનતુ હોય છે કારણકે સ્વાભાવિક રીતે જ તમામ સ્કૂલોમાં કવોલીટીયુકત અને શ્રેષ્ઠતમ ટીચીંગ સ્ટાફ ના હોય તેવુ બનતુ હોય છે. આથી મેનેજમેન્ટ અને શિક્ષકો વચ્ચે એ બાબતે ચિંતન, મનન અને મનોમંથન કરીને શિક્ષકોને પૂરતા પ્રમાણમા વળતર મળે તે રીતે કામ લેવું જોઇએ.
વિદ્યાર્થીઓએ પણ સોશ્યલ મીડિયામાં વધુ સમય પસાર કરવાના બદલે પોતાની નૈતિક જવાબદારી સમજીને અભ્યાસમાં પૂરતુ ધ્યાન આપવુ જોઇએ અને પોતાની જવાબદારીને સમજવી જોઇએ. આજના સ્પર્ધાત્મક યુગમાં જો વિદ્યાર્થીઓ પોતાનો ગોલ નક્કી કરે નહીં તો તેનું ભવિષ્ય સ્વાભાવિક રીતે જ ધુંધળુ રહેવાનું છે માટે રામદેવભાઈ મોઢવાડીયાએ આ ત્રણેય મુદ્દે જે ખૂટતી અને નબળી કળીઓ છે તેને દૂર કરવા અપીલ કરી છે અને પોરબંદર જિલ્લામાં બોર્ડનું પરિણામ વધુ સારુ આવે તે માટે સૌએ પ્રયત્નશીલ બનવુ જોઇએ તેવી અપીલ પણ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.