જસદણમાં ચોહલીયાપાર્ક સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં જમીન માલિકે લોખંડ અને ઘાસચારો ભરી ગેટને તાળા મારી દેતા રહીશોમાં રોષ ફાટી નીકળ્યો - At This Time

જસદણમાં ચોહલીયાપાર્ક સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં જમીન માલિકે લોખંડ અને ઘાસચારો ભરી ગેટને તાળા મારી દેતા રહીશોમાં રોષ ફાટી નીકળ્યો


- પાલિકાએ લોકોની સુખાકારી માટે રૂ.5.50 લાખના ખર્ચે સાર્વજનિક પ્લોટ ફરતે કમ્પાઉન્ડ વોલ પણ બનાવી આપ્યો છે.

જસદણમાં બાયપાસ રોડ પર આવેલ ચોહલીયાપાર્ક સોસાયટીમાં આવેલ સાર્વજનિક પ્લોટમાં પાલિકાએ લોકોની સુખાકારી માટે રૂ.5.50 લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવી આપ્યો હતો. જેથી આજુબાજુના રહીશો દ્વારા આ સાર્વજનિક પ્લોટમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને તેનો ઉછેર પણ કરવામાં આવ્યો હતો. જો કે આ સાર્વજનિક પ્લોટ સમયાંતરે ડેવલોપ થઈ જતા જમીન માલિક દ્વારા આ સાર્વજનિક પ્લોટમાં કબજો કરી લેવામાં આવ્યો છે અને સાર્વજનિક પ્લોટમાં લોખંડ અને ઘાસચારો ભરી દઈ ગેટને તાળા મારી દેતા આજુબાજુના રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. હાલ આ સાર્વજનિક પ્લોટમાં જમીન માલિકનો કબજો છે અને ગેટને તાળા મારી દેવામાં આવ્યા છે. જેથી પાલિકા દ્વારા સાર્વજનિક પ્લોટમાં કબજો જમાવનાર જમીન માલિકને પ્લોટ ખુલ્લો કરી આપવાની નોટીસ ફટકારી તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી આજુબાજુના રહીશોની માંગ ઉઠવા પામી છે. જો પાલિકા દ્વારા આ સાર્વજનિક પ્લોટ ખુલ્લો કરાવવામાં નહી આવે તો આજુબાજુના રહીશો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે લડત ચલાવવામાં આવશે તેવી રહીશો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

બધા જ પ્લોટ હોલ્ડરની સંમતીથી જો તેમાં કોઈ કાર્ય થતું હોય તો તે કરી શકે છે: રાજુભાઈ શેખ-પાલિકાના ચીફ ઓફિસર,જસદણ.

સરકારના પરિપત્રની જોગવાઈ અનુસાર કોઈપણ સોસાયટી હોય તેનો જે કોમનપ્લોટ હોય. તે કોમનપ્લોટ સહિયારા માલિકી પ્લોટ હોલ્ડરની હોય છે. જ્યાં સુધી તે રોડ-રસ્તાના અને સાર્વજનિક પ્લોટના રાજીનામાં ન આવે ત્યાં સુધી એ નગરપાલિકાની માલિકી થતી નથી. જ્યારે તે પાલિકાને રાજીનામાં સોંપશે ત્યારપછી તેમાં દબાણ ન થાય તેની જવાબદારી પાલિકાની હોય છે. છતાં અમને જે આ પ્રશ્ન મળ્યો છે તે અંગે શું કાર્યવાહી થઈ શકે એ અમે તપાસ કરી આગળની કાર્યવાહી કરીશું. સાર્વજનિક પ્લોટની માલિકી બધા પ્લોટ હોલ્ડરની હોય છે. બધા જ પ્લોટ હોલ્ડરની સંમતીથી જો તેમાં કોઈ કાર્ય થતું હોય તો તે કરી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.