જસદણ-વિંછીયા પંથકમાં શપથ, બેનર, સેલ્ફી પોઈન્ટ્સ થકી મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાયા - At This Time

જસદણ-વિંછીયા પંથકમાં શપથ, બેનર, સેલ્ફી પોઈન્ટ્સ થકી મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાયા


રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લોકોને સહભાગી બનાવવા ઠેર-ઠેર મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જસદણ-વિંછીયા પંથકમાં મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ગ્રીષ્માબેન રાઠવાના માર્ગદર્શન મુજબ વિવિધ સ્થળોએ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અધિક જિલ્લા કલેક્ટર અને નોડલ ઓફિસર જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ સ્વીપ(સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટ્રોલ પાર્ટીશીપેશન) કાર્યક્રમ હેઠળ જસદણમાં જી.આઈ.ડી.સી. ખાતે ઉદ્યોગપતિઓ અને કારીગરોને ચૂંટણી સંબંધિત જાણકારી આપીને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ તકે સૌએ અચૂક મતદાનના શપથ ગ્રહણ કર્યા હતા. તેમજ જસદણ તાલુકાના તમામ મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોએ પ્રલોભનમાં આવ્યા વિના મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. વધુમાં, વિંછીયા તાલુકાના રેશનકાર્ડ ધારકોની બેઠક યોજીને મતદાન કરવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ 72-જસદણ-વિંછીયા વિધાનસભા મતદાર વિભાગમાં નંદગોપાલ ભારત, ડેલ્ટા ઈન્ડેન, ભારમલ ગેસ એજન્સીઓ ખાતે લોકોને મતદાન કરવાની પ્રેરણા મળે તે માટે “મતદાન અવશ્ય કરીએ”ના સુત્રો સાથે મતદાનની તા.7 મેં દર્શાવતા બેનરો લગાવવામાં આવ્યા હતાં તેમજ વિવિધ સ્થળોએ મતદાનલક્ષી સેલ્ફી પોઈન્ટ્સ ઊભા કરીને લોકોને ચૂંટણીમાં જોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.