નોખી માટી નો માનવી...... - At This Time

નોખી માટી નો માનવી……


નોખી માટી નો માનવી......

આજે વાત કરવી એક અલગારી વ્યક્તિત્વની કે જે ખોબા જેવડા ગામડામાં જ રહીને અદના આદમી જેવું જીવી રહ્યા છે.
     જસદણ તાલુકાના  ખોબા જેવડા નાનકડા ગામ ગુંદાળામાં પોતાના હર્યાભર્યા પરિવાર સાથે રહેતા મનુદાદા ખોખરિયા કાયમ ખેતીપ્રધાન દેશનો ખેડૂત પહેરે એવા એક ધોળા રંગના ખમીસમાં જોવા મળે છે. ગ્રામ્ય સંસ્કૃતિ મૂળથી જેમણે આજ પર્યત પકડી રાખી છે એવા મનુદાદા ખોખરીયા ગુંદાળા જેવા નાનકડા ગામમાં ખુશખુશાલ જીવન જીવી રહ્યા છે. 
      એક ઓસરીએ બાંધેલા ઓરડા ગામડાના તથા ટીપ ટોપ શણગાર અને સગવડતાઓ આધુનિકતાના દર્શન કરાવે છે. વૃક્ષો, ગીર ગાય અને ભેંસ જેવા પાલતુ પશુઓથી ભર્યું ભર્યું લાગતું એમનું વિશાળ આંગણું અને આંગણામાં ઝૂલતો ઝૂલો જાણે ધરતી પરનું સ્વર્ગ જ જોઈ લો. વળી વિશાળ આંગણામાં બે તો દરવાજા. દરવાજાની બહાર પણ મનુદાદાની રાષ્ટ્રભક્તિ ઉજાગર થતી હતી. ડેલા ની એક બાજુ સરદાર પટેલની પ્રતિમા કોતરેલી હતી તો બીજી બાજુ ભારતમાતાની પ્રતિમા કંડારી હતી. એ જોઈને જ મનુદાદાનો રાષ્ટ્રપ્રેમ કેટલો ગહન હશે એ કલ્પી શકાય છે.અરે નવાઈ ની વાત તો એ છે કે આટલા બધા ઓરડામાં એક ઓરડો એટલે મનુદાદા નું પુસ્તકાલય. વાંચનના ગઝબ શોખીન મનુદાદા કાયમ સવારે ચાર વાગ્યાં પરોઢે ઉઠી ને વાંચન કરે.એમના ધર્મ ભક્તિ જ્ઞાનની વાતો સાંભળીને લાગ્યું કે આપણે માસ્ટર ડિગ્રી મેળવીને પણ દાદા પાસે અજ્ઞાની જેવા છીએ. ધર્મ, રાજકારણ,સામાજિક વ્યવહાર જેવા કોઈ પણ વિષય પર વાતો કરે તો એમ થાય સાંભળ્યા જ કરીએ.
      સતત 20 વરસ સુધી ગામના સરપંચ બની, ગામની ધરોહર બનીને ગામના વિકાસ માટે સતત કાર્યશીલ રહ્યા છે મનુદાદા. નાનકડા ગામની પ્રાથમિક શાળાની સુવિધાની અને શાળાની પ્રગતિની વાતોથી ખબર પડી કે ગામનો મુખ્ય ધણી ઉન્નત વિચારો વાળો હોય ત્યાં જ એ બધું શક્ય બન્ને છે. અરે એટલું જ નહિ ધર્મમાં અત્યંત આસક્તિ ધરાવતા પરિવાર ગામમાં પણ ગ્રામ્યજનોના સહકારથી રામ,શ્યામ અને ઘનશ્યામને એકબીજાના સાનિધ્ય માં જ સ્થાપિત કર્યા છે. એ પણ મનુદાદા જેવા અદકેરા આદમીના મનની ઉપજ હોય શકે.
              મનુદાદા જૈફ વયે પણ સતત કાર્યશીલ રહેતા મનુદાદા ખોખરીયાને સ્વામીજી એ એક જ વાર કહ્યું કે 'હવે બધી માયા મૂકીને સંપૂર્ણ ભક્તિમાં લાગી જા.' તો એક પળનો પણ વિચાર કર્યા વિના બધું જ પોતાના બન્ને દીકરાઓના હાથમાં સોંપીને પોતે જાણે ભક્તિ કરવા સાવ નિવૃત્ત થઈ ગયા અને આજે સંપૂર્ણ સેવા ભક્તિમાં લીન બની ગયા છે.
        ગર્વિલી ખુશી સાથે એક ખાસ અને નોંધવા લાયક વાત કહું તો આજના શહેર તરફની દોટના જમાનામાં પણ મનુદાદાના બન્ને યુવાન દીકરાઓ પોતાની જીવન સંગીની સાથે ગામડામાં જ એટલે કે ગુંદાળા માં જ રહે છે. ધન્ય છે બન્ને દીકરાઓ ને અને વિશેષ ધન્યવાદ છે મનુદાદાની બન્ને પુત્રવધૂ ને કે જેઓ આજના યુગમાં શહેરી દોટની માયા મૂકી ગ્રામ્યજીવન જીવવા તૈયાર છે. જો કે નસીબદાર છે કે આવા સદવિચાર થી પોતે અને પોતાની પેઢીને,સંતાનોને પોતાના જ દાદા રૂપી ભક્તિમય વાત્સલ્યના વડલાની શીતળ છાયા મળી છે. બાકી આપણે જોઈએ જ છીએ કે અત્યારે કોઈને ગામડે રહેવું ગમતું જ નથી. પણ હું અહી ચોક્કસ કહીશ કે બન્ને પુત્રવધૂઓ ખાનદાની માતાપિતાની દીકરીઓ જ હશે. બન્ને દીકરાઓએ પણ સત્તા, સંપતિ,સુખ બધું જ હોવા છતાં પણ બિલકુલ નિરાભિમાની વ્યક્તિત્વ કેળવ્યું છે. જે મનુદાદાના જ સંસ્કારોનું પ્રતિબિંબ છે. દાદાના ધર્મપત્ની એ ગળથૂથીમાં પાયેલા સદગુણોની મૂર્તિ છે.
            મનુદાદા વિશે લખવા માટે શબ્દો પણ ઓછા પડે એવા એક મુઠ્ઠી ઉંચેરા માનવી ને પહેલી જ વાર મળવાનું થયું ને પ્રભાવિત થઈ જવાયું. જે ભાવ દાદાની આંખો વાંચ્યો, જોયો,અનુભવ્યો એને શબ્દો આપવા માટે મારી પાસે શબ્દો ઓછા પડે છે. એવા નોખી માટીના માનવી ને પારૂલબેન મનનભાઈ બડમલિયાના શત શત પ્રણામ🙏🙏🙏

- પારુલ મનન બડમલિયા
Pearl of Mann sarovar


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.