ટ્રેકટરના શો-રૂમના સંચાલિકા પર દુષ્કર્મ આચરી રૂ.67 લાખ પડાવનાર સાણંદના શખ્સની શોધખોળ
શહેરમાં દુષ્કર્મના બનાવોમાં પણ સતત વધારો થતો જઈ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે શહેરની ભાગોળે રહેતી અને ટ્રેક્ટરનો શોરૂમ ધરાવતી મહિલાને ટ્રેક્ટર કંપનીના સેલ્સમેને પોતાની જાળમાં ફસાવી હતી. મહિલાને કંપનીના અધિકારીને મળવાના બહાને હોટેલમાં બોલાવી સેલ્સમેને દુષ્કર્મ આચર્યું હતું અને તેના ફોટા તેમજ વીડિયો ઉતારી લીધા હતા. એટલું જ નહીં તે ફોટા વાઈરલ કરવાની ધમકી આપી તે શખ્સે કટકે-કટકે રૂ.67 પડાવી લેતાં અંતે ભોગ બનનાર મહિલા પોલીસના શરણે પહોંચી હતી અને પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
બનાવ અંગે શહેરમાં રહેતી 30 વર્ષની મહિલાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે સાણંદના રિવેરા ગાર્ડન, ગ્રીન બંગ્લોઝમાં રહેતા ધીરજ બલિયાનનું નામ આપતાં મહિલા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, ભોગ બનનાર મહિલા શહેરમાં રહે છે અને ટ્રેક્ટરનો શો-રૂમ ધરાવે છે. શો-રૂમમાં જે કંપનીના ટ્રેક્ટર રાખવામાં આવતા હતા તે કંપનીનો સેલ્સમેન ધીરજ બલિયાન અવારનવાર આવતો હતો. તેની સાથે પરિચય હોય ધંધાકીય વાતો થતી હતી.
એકાદ વર્ષ પહેલાં ધીરજ બલિયાને ટ્રેક્ટરની કંપનીના મોટા અધિકારી રાજકોટ આવ્યા છે અને તેમની સાથે મિટિંગ કરવાથી ધંધામાં ફાયદો થશે તેમ કહી ધીરજ બલિયાને મહિલાને હોસ્પિટલ ચોક નજીકની ધ-ગ્રાન્ડ ઠાકર હોટેલમાં બોલાવી હતી.
ટ્રેક્ટરની કંપનીના અધિકારીને મળવાનું હોવાનું સમજી મહિલા હોટેલમાં પહોંચી ત્યારે તેને જાણ થઇ હતી કે કંપનીનો અધિકારી આવ્યો નહોતો પરંતુ સેલ્સમેન ધીરજ બલિયાને જ ખેલ પાડ્યો હતો અને મહિલાને બોલાવી હતી. હોટેલના રૂમમાં મહિલા બેઠી હતી ત્યારે ધીરજ બલિયાને બળજબરી કરી મહિલા સાથે શરીરસંબંધ બાંધી લીધા હતા અને તેના ફોટા તથા વીડિયો પણ ઉતારી લીધો હતો. દુષ્કર્મ આચર્યા બાદ ધીરજ બલિયાને મહિલાને આ અંગે કોઈને નહીં કહેવા ધમકી આપી હતી અને બાદમાં વીડિયો તથા ફોટા વાઇરલ કરી દેવાની ધમકી આપી મહિલાને અવારનવાર હોટેલમાં બોલાવી તેની સાથે શારીરિક બળજબરી કરતો હતો.
બાદમાં ફોટા અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી ધીરજ પૈસાની માંગ કરવા લાગ્યો હતો. પોતાને બદનામી મળશે તેવી ભીતિ લાગતાં મહિલા પૈસા આપવા તૈયાર થઈ હતી અને તેનો ગેરલાભ ઉઠાવી પ્રથમ વખત ધીરજે રૂ.13 લાખ પડાવ્યા હતા. પૈસા આપવાથી પોતાનો છુટકારો થશે
તેવું મહિલા સમજી રહી હતી, પરંતુ ધીરજ બલિયાન વધુ બેફામ થયો હતો અને છાશવારે ધમકી આપી પૈસા માગતો રહેતો હતો અને મહિલા પૈસા આપતી રહી હતી. એક વર્ષમાં રૂ.67 લાખ જેટલી માતબર રકમ ધીરજે પડાવી હતી. આમ છતાં ધીરજની આર્થિક ભૂખ પૂરી થઈ નહોતી અને તે સતત નાણાંની માંગ કરતો રહેતો હોય અંતે મહિલાએ પોલીસનું શરણું લીધું હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી મહિલા પોલીસે ગુનો નોંધી આરોપી ધીરજ બલિયાનને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.