બોલેરો કાર આડી સ્કોર્પિયો નાખી સાળા-બનેવી પર હુમલો કરી હત્યાનો પ્રયાસ: બુટલેગર પ્રતીક ચંદારાણાની શોધખોળ
ભાવનગર હાઈવે પર નવા રિંગરોડ પર માંડાડુંગરમાં રહેતાં સાળા-બનેવી પર કુખ્યાત બુટલેગર પ્રતીક ચંદારાણા આણી ટોળકીએ સ્કોર્પિયો કારમાં ઘસી જઈ ધોકાથી ખૂની હુમલો કરી હત્યાનો પ્રયાસ કરી કારમાં તોડફોડ કરી હતી.
બનાવમાં ઘવાયેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપી બુટલેગર પ્રતીક ચંદારાણા આણી ટોળકીની શોધખોળ હાથ ધરી હતી. બનાવ અંગે માંડાડુંગરમાં સદગુરૂ સોસાયટીમાં રહેતાં અશોકભાઈ ભગાભાઈ ચૌહાણ (ઉ.વ.29) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પ્રતીક દિલીપ ચંદારાણા (રહે. સદગુરૂ સોસાયટી) અને બે અજાણ્યાં શખ્સના નામ આપતાં આજીડેમ પોલીસે આરોપી વિરૂદ્ધ હત્યાના પ્રયાસની સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ડ્રાઇવિંગ કામ કરે છે. તેઓની સોસાયટીમાં એક મહિલા રહે છે, જેના મકાનમાં કોઈ પણ ખરાબ ધંધો કરાવતી હોય અને માણસોની ખુબ અવર જવર રહેતી હોય જેથી સોસાયટી વાળા સાથે મળી પોલિસ સ્ટેશનમા અરજી આપેલી હતી. જેનો ખાર રાખી તે મહિલાના ઓળખીતા પ્રતીક ચંદારાણા અરજી પાછી ખેંચી લેવા માટે અમોને દબાણ કરતો હતો.
ગઈ તા.09 ના રાત્રીના અગિયારેક વાગ્યની આસપાસ તેમના બનેવી નરેશભાઈ ભાલિયા, બહેન, ભાણેજ અને પત્ની સાથે બોલેરો ગાડીમાં બેસી ચોટીલાના ચિલડા ગામ જવા નિકળેલ ત્યારે ભાવનગર હાઇવે પર નવા રિંગ રોડ પહેલા મોમાઇ હોટલ સામે પહોંચતા તેઓની બોલેરો આગળ જઈ રહેલા તેમના બનેવીની બોલેરો આગળ એક કાળા કલરની કાર ઘસી આવી અને તેમાંથી ત્રણ અજાણ્યા શખ્સો ઉતરેલ અને તેમાંથી એક શખ્સે તેના હાથમા રહેલ બેઝ બોલના ધોકા વડે યુવાનના બનેવીની બોલેરો ગાડીના આગળના કાચમા ઘા ઝીંક્યા હતાં.
તેમજ તેઓની ગાડીમાં પણ નુકશાન કરેલ અને તેમાંથી એક અગાઉ તેમની સોસાયટીમાં રહેતો પ્રતીક ચંદારાણા હતો. આરોપીએ યુવાનના બનેવીને તેની બોલેરો ગાડીમાંથી નીચે ઉતારી અને તેની સાથેના બે અજાણ્યાં શખ્સે ગાળો આપી પ્રતિકે કહેલ કે, તમો બધા સોસાયટી વાળા ભુરીબેન વિરૂદ્ધ અરજીઓ કરો છો તેમ કહી તેઓના બનેવીને જાનથી મારી નાખવાના ઇરાદે ધોકાથી માથામાં હુમલો કરી ફટકારવા લાગ્યો હતો.
દરમિયાન યુવાન તેના બનેવીને છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ ગાળો આપી કારમાં નાસી છૂટ્યા હતાં. બાદમાં ઇજાગ્રસ્ત ફરિયાદીના બનેવીને લોહીલુહાણ હાલતમાં સારવારમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપી કુખ્યાત બુટલેગર પ્રતીક ચંદારાણા સહિતના શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.
► પ્રતીક ચંદારાણાના પત્નીએ પણ તેના પતિને સમાધાન માટે બોલાવી માર માર્યાની ફરીયાદ નોંધાવી
તિરૂમાલા સોસાયટીમાં રહેતાં પ્રતિકના ઘર પાસે આવી વિજય રાઠોડ અને જેસો કોળીએ મારી નાખવાની ધમકી આપી
માંડાડુંગરમાં તિરૂમાલા સોસાયટીમાં રહેતાં બુટલેગર પ્રતીક ચંદારાણા પત્નીએ પણ તેના પતિને સમાધાન માટે બોલાવી મારમાર્યાની ફરીયાદ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવી હતી. બનાવ અંગે માંડાડુંગરમાં તિરૂમાલા સોસાયટીમાં રહેતાં રિધ્ધિબેન પ્રતીકભાઇ ચંદારાણા (ઉવ.30) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વિજય રાઠોડ અને જેસા કોળીનું નામ આપી જણાવ્યું હતું કે, ગઇ તા. 09 ના રાત્રીના સમયે તેમના પતિ પ્રતીક ચંદારાણાનો તેમને વોટ્સએપ કોલ આવેલ અને જણાવેલ કે, મારે અને કૃણાલ આહિરને સદગુરુ પાર્કમાં રહેતાં નરેશ કોળી સાથે રિક્ષા રાખવા બાબતે અગાઉ ઝધડો થયેલ હોય જે બાબતનુ સમાધાન કરવા ગયેલ હતું
પરંતુ પાછળથી નરેશ કોળી સાથે આવેલા શખ્સોએ કહેલ કે, કૃણાલ આહીર સાથે સમાધાન થઇ ગયેલ પરંતુ પ્રતીક ચંદારાણા સાથે સમાધાન કરવુ નથી તેમને જાનથી મારી નાખવો છે. બાદમાં રાત્રીના સમયે નરેશ કોળી સાથે સમાધાનમા બેસેલ ત્યારે વિજય રાઠોડ અને જેસો કોળીએ બોલાચાલી કરી કાઠલો પકડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ અમારી શેરીમા અવારનવાર આરોપી નીકળતા હોય અને મારા પતિને ઝધડો થયેલ હોય જેથી શેરીમા લોકો જોર-જોરથી બુમો પાડી મારા પતિને મારવાની વાતો કરી મારી નાખવાની ધમકી આપેલ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.