પોરબંદરમાં 95ટકા જેટલા કાર્યકરોભાજપમાં જોડાયા - At This Time

પોરબંદરમાં 95ટકા જેટલા કાર્યકરોભાજપમાં જોડાયા


*પોરબંદરમાં શહેર જિલ્લા કોંગ્રેસના 1000 જેટલા કાર્યકરો એ આપ્યા રાજીનામાં*

*અર્જુનભાઈ મોઢવાડિયા ની ઉપસ્થિતિમાં યોજાઇ બેઠક*

*95% કાર્યકરો ભાજપમાં જોડાશે: લોહાણા મહાજન વાડી ખાતે યોજાઇ અગત્યની મીટીંગ*

*અર્જુનભાઈ મોઢવાડિયાએ કોંગ્રેસ અને ભાજપ બંનેનો માન્યો આભાર*

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુનભાઈ મોઢવાડિયા એ ગત સપ્તાહે કોંગ્રેસમાંથી તથા ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને તેઓ ભાજપમાં જોડાયા છે ત્યારે તેમના સમર્થનમાં શનિવારે પોરબંદર કોંગ્રેસના જિલ્લાના અને શહેરના મુખ્ય હોદ્દેદારો સહિત કાર્યકરોના રાજીનામા બાદ રવિવારે અંદાજે હજાર જેટલા કાર્યકરોએ સામુહિક રીતે રાજીનામાં આપ્યા હતા અને તેઓ કેસરિયો કેસ પહેરીને ભાજપમાં જોડાશે તેમ જાહેર કરવામાં આવ્યું હતું અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઇ હતી.

લોકસભાની ચૂંટણી પૂર્વે સમગ્ર ગુજરાતમાં પોરબંદર કેન્દ્રબિંદુ બન્યું છે કારણ કે પોરબંદર લોકસભાની સીટ ઉપર મનસુખભાઈ માંડવીયા ને ચૂંટણી લડાવવાની જાહેરાત થઈ ચૂકી છે અને એ દરમિયાન જ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય એવા અર્જુનભાઈ મોઢવાડિયા એ પણ ગત સપ્તાહે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા ત્યારબાદ ગઈકાલે તેઓ પોરબંદર આવ્યા ત્યારે વિશાળ સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો તેમને મળવા માટે આવી પહોંચ્યા હતા.

તેમના સમર્થનમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રામભાઈ મેપાભાઇ ઓડેદરા અને શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ કાર્ય ઉપરાંત જામનગર લોકસભા સીટની તેમના ખભે જવાબદારી મૂકવામાં આવી હતી તે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના સીનીયર આગેવાન સામતભાઈ ઓડેદરા એ પણ રાજીનામું આપ્યું હતું અને યુવક કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમાર સહિત કાર્યાલય મંત્રી અશ્વિનભાઈ અને અસંખ્ય કાર્યકરોએ રાજીનામાં આપી દીધા હતા.
ત્યારબાદ રવિવારે લોહાણા મહાજન વાડી ખાતે અગત્યની બેઠકનું આયોજન અર્જુનભાઈ મોઢવાડિયા ની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું જ્યાં અર્જુનભાઈ મોઢવાડિયા એવું જણાવ્યું હતું કે મેં પોરબંદરના હિતમાં આ નિર્ણય લીધો છે અને તેનો મને સંપૂર્ણપણે સહકાર મળ્યો છે.

તેમણે એવું જણાવ્યું હતું કે 40 વર્ષની મારી રાજકીય કારકિર્દીમાં 20 વર્ષ કાર્યકર તરીકે અને 20 વર્ષ આગેવાન તરીકે વિધાનસભામાં અને પ્રદેશ કોંગ્રેસના નેતા તરીકે કામ કર્યું છે. અને આ મારી કામગીરી દરમિયાન મને પ્રજાનો સંપૂર્ણપણે સહયોગ મળ્યો છે એટલું જ નહીં પરંતુ હું આજે ઉદાર મને ભાજપમાં આવકારનારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સહિત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત ભાજપનો આભાર માનું છું તેમણે એમ પણ ઉમેર્યું હતું કે મને કોંગ્રેસમાં પણ સહુનો ભરપૂર સાથ સહકાર મળ્યો એ બદલ આટલા વર્ષો દરમિયાન મને જે મોકો આપ્યો એ બદલ કોંગ્રેસનો પણ આભાર માનું છું.

અર્જુનભાઈ મોઢવાડિયા એ એવું જણાવ્યું હતું કે મારો હેતુ માત્ર ને માત્ર પોરબંદરના વિકાસનો છે અને હવે જે પરિવર્તન ફુંકાશે તે અકલ્પનીય હશે કારણ કે હવે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સહિત પોરબંદરમાં રાજકીય રીતે પણ જે આગેવાનો અને કાર્યકરોમાં કડવાસ છે તે દૂર થઈ જાય તે મુખ્ય હેતુ છે અને તે ટૂંક સમયમાં દૂર થઈ જશે અને સૌ સાથે મળીને સમરસતાથી કામ કરશે તેમ પણ અર્જુનભાઈ એ ઉમેર્યું હતું
આ બેઠકમાં એવું નક્કી થયું હતું કે અંદાજે 1000 જેટલા કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસને અલવિદા કરી છે અને તેઓ ભાજપમાં જોડાઈને કેસરિયો ધારણ કરી લેશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં એવું જાહેર કરવામાં આવ્યું હતું કે પ્રદેશ કોંગ્રેસ ડેલીગેટ,જિલ્લા કોંગ્રેસ ના તમામ હોદેદારો,શહેર કોંગ્રેસના તમામ હોદેદારો,મહિલા કોંગ્રેસ,માલધારી સેલ,યુવક કોંગ્રેસ,ઓબીસી સેલ,લઘુમતી સેલ,પૂર્વ હોદેદારો તેમજ કોંગ્રેસ કાર્યકર્તાઓ એ કોંગ્રેસ પક્ષમાંથી સામાન્ય સભ્ય પદ અને હોદા પરથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસના 95% જેટલા કાર્યકરો એ કોંગ્રેસમાંથી રાજીનામાં મૂકી દીધા છે અને તે તમામ કાર્યકરો હવે કેસરિયો કેસ પહેરીને ભાજપમાં જોડાઈ જશે અને તેના માટે ટૂંક સમયમાં જ કાર્યક્રમનું આયોજન થનાર છે તેમ જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.