વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસીત ભારતના નિર્માણ માટે ગુજરાત લીડ લે એવા સંનિષ્ઠ પ્રયાસો કરીએ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ - At This Time

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસીત ભારતના નિર્માણ માટે ગુજરાત લીડ લે એવા સંનિષ્ઠ પ્રયાસો કરીએ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસીત ભારતના નિર્માણ માટે ગુજરાત લીડ લે એવા સંનિષ્ઠ પ્રયાસો કરીએ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

પ્રજાકીય પ્રશ્નોના નિવારણ માટે હર હંમેશ સરકારની પોઝિટિવ પ્રેઝેન્સ વર્તાય તેવા માનવીય અભિગમ સાથે કાર્યરત રહેવા મુખ્યમંત્રીશ્રી નું પ્રેરક આહવાન

રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નવનિયુક્ત ૧૯૯૦ ઉમેદવારોને નિમણૂક પત્ર અર્પણ નો ગૌરવશાળી સમારોહ ગાંધીનગરમાં યોજાયો

નવી નિમણુંક પામી સરકારી સેવામાં જોડાઈ રહેલા યુવાઓને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાઠવેલા શુભેચ્છા સંદેશ નું પઠન કરાયું

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે
રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં સીધી ભરતીથી પસંદગી પામેલા કુલ ૧૯૯૦ જેટલા ઉમેદવારોને ગાંધીનગરમાં આયોજિત સમારોહમાં નિમણૂક પત્ર એનાયત કર્યા હતા.
ગુજરાત સરકાર માં જોડાઈ રહેલા આ નવનિયુક્ત યુવાઓને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શુભેચ્છા સંદેશ પત્ર પાઠવ્યો હતો.

ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં નવી નિમણૂક પામેલા આ ઉમેદવારો માટે પાઠવેલા સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે, નવનિયુક્ત ઉમેદવારો પાસે સરકારી સેવામાં જોડાઈને દેશ સેવા કરવા માટેની આ ઉત્તમ તક છે.
સરકારી સેવાના સમયગાળા દરમિયાન સૌ ઉમેદવારોની પ્રાથમિકતા દેશવાસીઓના જીવનને સરળ બનાવવા સાથે જ તેમના જીવનમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવાની પણ હોવી જોઈએ.

વડાપ્રધાનશ્રીના સંદેશામાં જણાવાયું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવમાં દેશના દરેક નાગરિકે આગામી ૨૫ વર્ષમાં અને વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે. ભારતના અમૃતકાળમાં આજે નવનિયુક્ત થયેલા ઉમેદવારોએ કરેલા સંકલ્પો અને રાષ્ટ્રીય હિતમાં લીધેલા નિર્ણયો રાષ્ટ્રના વિકાસને વેગ આપશે. સાથે જ આ જવાબદારી નવી તકો અને પડકારો પણ લાવશે.

વડાપ્રધાનશ્રીએ આ સંદેશના માધ્યમથી ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, તમારે સૌએ હંમેશા વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમારા કામથી સામાન્ય લોકોની તકલીફ ઓછી થાય, સમસ્યાઓ દૂર થાય, જીવનમાં સરળતા આવે અને આવનારા સમય માટે સમૃદ્ધિ આવે. ત્યારે જ વિકસિત ભારતના નિર્માણનું સ્વપ્ન સાકાર કરવામાં સફળતા મળશે.

નવી જવાબદારીઓ સંભાળ્યા પછી પણ સૌ ઉમેદવારો નવું શીખવાની અને સ્વ-વિકાસની પ્રક્રિયા ચાલુ રાખે, તેવો વડાપ્રધાનશ્રીના સંદેશમાં નવનિયુક્ત ઉમેદવારોને અનુરોધ કરાયો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવનિયુકત યુવા કર્મયોગીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની યુવાશક્તિના સામર્થ્યને વિકસાવવાની યોગ્ય તકો આપીને યુવાશક્તિના આધારે વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે.
વિકસિત ગુજરાતના નિર્માણ થકી વિકસિત ભારતના નિર્માણ માટે ગુજરાત લીડ લેશે.

વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા સરકારી સેવામાં જોડાઈ રહેલા નવનિયુક્ત ઉમેદવારોને પણ સંકલ્પબદ્ધ બની ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ‘ના મંત્ર સાથે નિષ્ઠાપૂર્વક લોકોની સેવા કરવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

સરકારી સેવા દરમિયાન લોકોની ભાવના સમજી પ્રજાકીય પ્રશ્નોના નિવારણ માટે માનવીય અભિગમ સાથે એ રીતે કામ કરીએ કે હરહંમેશ સરકારની પોઝિટિવ પ્રેઝેન્સ વર્તાય, તેવું પ્રેરક આહવાન મુખ્યમંત્રીશ્રીએઆ
નવનિયુક્ત કર્મયોગીઓને કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ ભારતનું નામ સમગ્ર વિશ્વ સમક્ષ ઉજાગર કરી દેશનું ગૌરવ વધાર્યું છે.
સરકારી ફરજ માં જોડાયા બાદ આપ સૌ પાસે પણ ખંત અને સંપૂર્ણ પારદર્શિતા સાથે કામ કરીને દેશના ગૌરવમાં વધારો કરવાની તક છે.
એક વ્યક્તિથી સરકારી કામકાજમાં કેટલો બદલાવ આવી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ વડાપ્રધાનશ્રીએ પૂરું પાડ્યું છે.
નવી નિમણુંક મેળવેલા યુવાઓ પણ તે જ રીતે ઉદાહરણરૂપ કામગીરી કરીને લોકોનો વિશ્વાસ જીતે તેવી મુખ્યમંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી.

મુખ્ય સચિવ શ્રી રાજકુમારે શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનોના સપનાઓ પૂર્ણ કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના પ્રભાવશાળી નેતૃત્વ હેઠળ રાજ્યમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ સંપૂર્ણ પારદર્શીતા સાથે ભરવામાં આવી રહી છે. દર વર્ષે પરીક્ષાઓ યોજાય અને સંપુર્ણ પ્રક્રિયા નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તેની દરકાર પણ સરકાર રાખી રહી છે.

ટેક્નોલોજીની મદદથી વધુને વધુ યુવાનો સરકારી સેવામાં જોડાય તે હેતુથી ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારમાં રહેલી ખાલી જગ્યાઓ, ભરતીની તારીખ, પરિક્ષા પધ્ધતિ, ભરતીના નિયમો વગેરે જેવી સંપૂર્ણ માહિતી એક જ પોર્ટલ પર ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવનિયુક્ત પામેલા ઉમેદવારો પૈકી સંશોધન અધિકારી તરીકે ૩૫, બાળ યોજના વિકાસ અધિકારી તરીકે ૬૯, ગુજરાતી સ્ટેનોગ્રાફર અને અંગત મદદનીશ તરીકે ૧૩૪, વર્ક આસિસ્ટન્ટ તરીકે ૭૭૧, રેખનકાર તરીકે ૫૦, મ્યુનિસિપલ એન્જિનિયર તરીકે ૧૧૬, જુનિયર સાયન્ટીફિક આસિસ્ટન્ટ તરીકે ૩૦, જુનિયર ક્લાર્ક તરીકે ૧૯૨ તેમજ તલાટી કમ મંત્રી તરીકે ૫૯૩ ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાયા હતા.

આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગપાલિકાના મેયર શ્રી હિતેષભાઇ મકવાણા, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાણી, પંચાયત વિભાગના અગ્ર સચિવ શ્રી મોના ખાંધાર, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમાર, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શ્રી હસમુખભાઈ પટેલ, નર્મદા જળ સંપત્તિ વિભાગના સ્પેશિયલ સચિવ શ્રી કે. બી. રાબડીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ ઉમેદવારો અને તેમના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.