જન્મદિન, સગાઈ, લગ્ન અવસરે વૃક્ષદાનની નવતર પરંપરા
જન્મદિન, સગાઈ, લગ્ન અવસરે વૃક્ષદાનની નવતર પરંપરા
ઉમરાળા તાલુકાના દડવા ગામના મુંબઈસ્થિત હીરા ઉદ્યોગકાર વિશાલભાઈ માંગુકિયાએ ચીંધ્યો નવો રાહ : સદભાવના વૃદ્ધાશ્રમની વૃક્ષારોપણ પ્રવૃત્તિ પુરજોશમાં
સૌરાષ્ટ્ર – ગુજરાતને હિમાચલ પ્રદેશ જેવું હરિયાળું બનાવવા પ્રકૃતિપ્રેમીઓએ કમર કસી છે. સદભાવના વૃદ્ધાશ્રમની વૃક્ષારોપણની ઝુંબેશને સાર્થક કરવા ભાવનગર જિલ્લના ઉમરાળા તાલુકાના દડવા ગામના ઉદ્યોગપતિએ જુદા જુદા અવસરે વૃક્ષોનું દાન કરી – કરાવી પોતાના વતનને લીલુંછમ બનાવ્યું છે અને એ નવતર રાહ હવે આખા ગુજરાતમાં સ્વીકૃતિ પામી રહ્યો છે.દડવા ગામના વતની મુંબઈમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વિશાલભાઈ માંગુકિયાને પહેલેથી જ વૃક્ષારોપણની પ્રવૃત્તિમાં રસ હતો. તેઓ વતન છોડીને મુંબઈ સ્થાયી થયા ત્યારે વતનમાં વૃક્ષારોપણ કરવાની ઝુંબેશ આરંભી. લોક ફાળાથી 3100 થી વધુ વૃક્ષો ગામના ગૌચરમાં વાવ્યાં. એ પછી તેમણે પોતાનાં સંતાનોના જન્મદિવસ નિમિત્તે સદભાવના વૃદ્ધાશ્રમ સાથે જોડાઈને વૃક્ષોનું દાન કર્યું.વિશાલભાઈને વારંવાર શુભ પ્રસંગોએ વતનમાં આવવાનું થતું હોય તેમણે આવા શુભ પ્રસંગોએ વર કન્યા અને તેમના માતા પિતાને સમજાવીને દીકરા દીકરીનાં નામે વૃક્ષોનું દાન કરવા અપીલ કરી. તેમની અપીલને સૌએ સ્વીકારી લીધી અને ગામની કન્યાઓનાં નામે વૃક્ષારોપણ થવા લાગ્યું. નાનકડી રકમમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જે તે ગામમાં વૃક્ષારોપણ કરી તેમના ઉછેર અને જાળવણીની જવાબદારી પણ સ્વીકારવામાં આવે છે અને વૃક્ષ દાતાઓને દર ત્રણ મહીને વૃક્ષનો ફોટો પણ મોકલવામાં આવે છે સાથે દાતાનાં નામની તકતી પણ વૃક્ષ પર લગાવવામાં આવે છે.
વિશાલભાઈ માંગુકિયાએ આવી રીતે જન્મદિન, સગાઇ, લગ્ન, રામકથા સહિતના અવસરોને વૃક્ષ દાન માટેના અવસરો બનાવી દીધા અને હાલ તેઓ જ્યાં જાય ત્યાં વૃક્ષ દાન માટેની જ અપીલ કરતા રહે છે. તેમનો આ અભિગમ હવે આખા ગુજરાતમાં સ્વીકૃતિ પામ્યો છે. આ અંગે વધુ માહિતી માટે વિશાલભાઈ માંગુકિયા (મો. 99302 01470) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.