રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ ભૌતિક સગવડો સાથે સ્માર્ટ અને ડિજિટલ બની : શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોર
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ ભૌતિક સગવડો સાથે સ્માર્ટ અને ડિજિટલ બની : શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોર
રાજ્યમાં ૬૫ હજારથી વધુ સ્માર્ટ ક્લાસરૂમ્સ બનાવાયા, અન્ય ૪૩ હજાર સ્માર્ટ ક્લાસ રૂમ્સનું કામ પ્રગતિ હેઠળ
મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક શાળાઓના અપગ્રેડેશન માટે રૂ.૨૭૮૫ કરોડથી વધુની જોગવાઇ
રાજ્યમાં નવી 162 સરકારી અને 10 RMSA માધ્યમિક શાળાઓ શરુ કરવામાં આવશે
રાજ્યમાં શ્રેષ્ઠ ગુણવત્તાવાળું રેસીડેન્શીયલ સૈનિક શિક્ષણ મળી રહે તે માટે વધુ 5 રક્ષા શક્તિ સ્કૂલ્સ અને વધુ 55 જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ્સ શરૂ કરવામાં આવશે
રાજયમાં પ્રાથમિક શિક્ષણમાં ડ્રોપ આઉટ રેટ ૩૭.૨૨ ટકાથી ધટીને વર્ષ ૨૦૨૨-૨૩માં ૨.૬૮ ટકા થયો
વર્ષ 2030 સુધીમાં માધ્યમિક શિક્ષણમાં 100 ટકા નામાંકનના ઉદ્દેશ સાથે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલનું સુદ્રઢીકરણ કરવામાં આવ્યું
રાજ્યની નવી સરકારી કોલેજોના મકાન બાંધકામ અને હયાત કોલેજોમાં વધારાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રૂ.૧૦૪ કરોડની જોગવાઈ
વિધાનસભા ખાતે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગની માંગણીઓ મંજૂર
નેલ્સન મંડેલાના વિચાર “શિક્ષણ સૌથી શક્તિશાળી હથિયાર છે, જેનો ઉપયોગ દુનિયા બદલવા કરી શકાય” ને ટાંકીને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગની અંદાજપત્રિય માંગણીઓ પર ચર્ચામાં સહભાગી થતા શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોરે કહ્યુ હતુ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનને સાકાર કરતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ–૨૦૨૦ના અસરકારક અમલીકરણ થકી અમૃતકાળમાં ભારતના જ્ઞાન આધારિત સમાજ, વિશ્વગુરૂ બનવાના તથા ફાઇવ ટ્રીલીયન ડોલર ઇકોનોમીના ધ્યેયને સાકાર કરવા માટે ગુજરાત સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે.
મંત્રીશ્રીએ કહ્યુ કે, તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12નું શ્રેષ્ઠ ગુણવત્તાવાળું રેસીડેન્શીયલ શિક્ષણ મળી રહે તે હેતુથી રાજ્યમાં વધુ 55 જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ્સ વર્ષ 2024-25માં શરૂ થશે. તે જ રીતે તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12નું શ્રેષ્ઠ ગુણવત્તાવાળું રેસીડેન્શીયલ સૈનિક શિક્ષણ મળી રહે તે માટે રાજ્યમાં વર્ષ 2023-24માં વધુ 5 રક્ષા શક્તિ સ્કૂલ્સ શરૂ કરવામાં આવશે. એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઇ.ટી. અને સંલગ્ન તકનીકો મહત્વનો ભાગ ભજવવાની છે. ત્યારે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2024-25થી નમો સરસ્વતી યોજના અંતર્ગત વિજ્ઞાન સાધના સ્કોલરશીપ શરૂ કરવામાં આવશે, જેમાં ધોરણ 10ની પરીક્ષા પાસ કરી વધુમાં વધુ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ લેવા માટે પ્રોત્સાહિત કરવા આવશે.
હાલની સ્કોલરશીપ યોજનાઓ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ, મુખ્યમંત્રી વિજ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ, જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અને રક્ષાશક્તિ સ્કૂલ્સને વર્ષ 2024-25થી નમો સરસ્વતી યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે. નમો સરસ્વતી યોજના અંતર્ગત આવરી લેવામાં આવેલ વિવિધ યોજનાઓ પેટે વર્ષ 2024-25 માટે કુલ રૂ.520 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ કહ્યુ કે, વિકસિત ગુજરાત @૨૦૪૭ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. ત્યારે તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે “નમો લક્ષ્મી યોજના"ની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી અંદાજે ૧૦ લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ ₹ ૫૦ હજારની સહાય આપવામાં આવશે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્યની મોટાભાગની સરકારી પ્રાથમિક શાળાઓ ભૌતિક સગવડો સાથે સ્માર્ટ અને ડિજિટલ બની છે. મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ હેઠળ નવા ઓરડાઓ, સ્માર્ટ કલાસરૂમ અને શાળાઓને કોમ્પ્યુટરથી સુસજ્જ કરવાની કાર્યવાહી હાલમાં થઈ રહેલ છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને શાળાઓની કામગીરીનું અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી રિઅલ ટાઇમ મોનિટરિંગ કરવા દેશનું સર્વપ્રથમ "વિદ્યા સમીક્ષા કેન્દ્ર" ગુજરાતમાં શરૂ કરવામાં આવેલ છે. દેશ-વિદેશના ઘણા મહાનુભાવોએ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લઇ તેને શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશ અને વિકાસશીલ દેશો માટે એક અનુસરણીય મોડેલ ગણાવ્યું છે.
મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ વર્ષ-૨૦૨૩-૨૪ દરમિયાન સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને સૃદ્રઢ બનાવવાના હેતુથી રૂ. ૩૫૦૦ કરોડથી વધુના ખર્ચે ઉચ્ચ કક્ષાની માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ૧૫ હજાર નવા વર્ગખંડો બનાવેલ છે તેમજ ૧૫ હજારથી વધુ નવા વર્ગખંડોનું કાર્ય પ્રગતિ હેઠળ છે. ૨૫ હજાર વર્ગખંડોનું અપગ્રેડેશન કાર્ય પૂર્ણ થયેલ છે, તેમજ ૪૫ હજારથી વધુ વર્ગખંડોનું અપગ્રેડેશન કાર્ય પ્રગતિ હેઠળ છે. ૬૫ હજારથી વધુ સ્માર્ટ ક્લાસરૂમ્સ બની ગયેલ છે અને બીજા ૪૩ હજાર સ્માર્ટ ક્લાસરૂમ્સનું અમલીકરણ પ્રગતિમાં છે. પાંચ હજારથી વધુ કોમ્પ્યુટર લેબ્સ બની ગયેલ છે અને બીજી ૧૫ હજાર કોમ્પ્યુટર લેબ્સનું અમલીકરણ પ્રગતિમાં છે. શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે વિદ્યા સહાયક અને જ્ઞાનસહાયક મળીને કુલ ૨૨,૩૪૯ વર્ષ ૨૦૨૩-૨૪માં નિયુક્તિ કરવામાં આવી છે. વર્ષ 2024-25 માટે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક શાળાઓના અપગ્રેડેશન માટે રૂ.૨૭૮૫ કરોડથી વધુની જોગવાઇ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, શિક્ષણની સુવિધાથી અંત્યોદય નાગરિક વંચિત ના રહી જાય એની સરકારે ચિંતા કરીને શિક્ષણમાં રોકાણ કર્યું છે. પ્રાથમિક શિક્ષણના સુદ્રઢીકરણ બાદ વર્ષ- 2024-25થી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના સુદ્રઢીકરણ માટે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ 2.0 શરૂ કરવામાં આવ્યું છે, મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ 2.0 અંતર્ગત રાજ્યની આશરે 5,000 જેટલી સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું સુદ્રઢીકરણ કરવામાં આવશે, જેનો સીધો લાભ 17 લાખથી વધુ વિદ્યાર્થીઓને થશે. જે માટે આ શાળાઓમાં વિવિધ સવલતો ઉભી કરવામાં આવશે. આ અંતર્ગત વર્ષ 2024-25 માટે રૂ. 250 કરોડની જોગવાઈ અને આવતા પાંચ વર્ષમાં માટે રૂ 2,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત, વર્ષ 2024-25થી રાજ્યમાં નવી 162 સરકારી અને 10 RMSA માધ્યમિક શાળાઓ શરુ કરવામાં આવશે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, સ્કૂલ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના વ્યાપ અને પ્રમાણમાં વધારા સાથે વર્ષ 2024-25 માટે કુલ રૂ. 260 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પીએમ પોષણ યોજના હેઠળ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે કુલ રૂ.1400 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજયમાં આજે ધોરણ-૧ થી ૮ માં ડ્રોપ આઉટ રેટ વર્ષ ૨૦૦૧-૦૨ માં ૩૭.૨૨% થી ધટીને વર્ષ ૨૦૨૨-૨૩માં ૨.૬૮ % થયો છે. તે જ રીતે વર્ષ ૨૦૨૩-૨૪ થી ગુજરાત રાજ્ય બાલવાટિકા શરૂ કરનાર પ્રથમ રાજ્ય છે. જે અંતર્ગત ૫ વર્ષથી વધું અને ૬ વર્ષથી નાની વયના આશરે ૫ લાખ બાળકોને ૩૧ હજાર સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા હેઠળ પ્રવેશ આપવામાં આવેલ છે. રાજયમાં પ્રાથમિક શિક્ષણમાં ધોરણ-૧ થી ૮ માં ડ્રોપ આઉટ રેટ ૩૭.૨૨% થી ધટીને વર્ષ ૨૦૨૨-૨૩માં ૨.૬૮ % થયો છે. તે જ રીતે વર્ષ 2030 સુધીમાં માધ્યમિક શિક્ષણમાં 100 ટકા નામાંકન થાય અને તમામ વિદ્યાર્થીઓ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલનું સુદ્રઢીકરણ કરવામાં આવ્યું છે. GSOS (ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલીંગ) માં ઓનલાઇન સ્ટડી મટીરીયલ, સ્ટડી સેન્ટરોનું અપગ્રેડેશન, વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે વિષય નિષ્ણાંતો વગેરે સવલતો માટે રૂ. 5 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ અંગે મંત્રીશ્રીએ કહ્યુ કે, ગુજરાતમાં શિક્ષણનું વિસ્તૃત ફલક, તકનીકી પ્રગતિ અને નવીન અભિગમો દ્વારા સંચાલિત નોંધપાત્ર પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. વર્ષ ર૦૦રમાં ગુજરાતમાં યુનિવર્સિટીની સંખ્યા ૧૪ થી વધીને ૧૦૮ થઇ છે. તેવી જ રીતે કોલેજોની સંખ્યા ૬૮૫ થી વધીને ૩૧૦૦, એન્જિનિયરિંગ કોલેજોની સંખ્યા ર૬થી વધીની ૧૩૮, પોલિટેકનીક કોલેજોની સંખ્યા ૩૦ થી વધીને ૧૪૭, પ્રોફેશનલ કોલેજોની સંખ્યા ૧૦૮ થી વધીને ૫૦૩ અને મેડિકલ બેઠકો ૧૩૭૫ થી વધીને ૫૭૦૦ થઈ છે. રાજ્યની નવી સરકારી કોલેજોના મકાન બાંધકામ અને હયાત કોલેજોમાં વધારાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૧૦૪ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
ટેકનિકલ શિક્ષણ સંદર્ભે મંત્રીશ્રીએ કહ્યુ કે, ટેકનિકલ શિક્ષણની ઈજનેરી અને પોલિટેકનિક બેઠકોનું રીસ્ટ્રક્ચરીંગ કરી શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી વિવિધ સરકારી ઇજનેરી કોલેજો ખાતે ૪૮૦ બેઠકો અને પોલિટેકનિક સંસ્થાઓ ખાતે ૪૫૦ બેઠકોના વધારા સાથે નવા Emerging અભ્યાસક્રમો શરૂ કરવામાં આવેલ છે. ઉપરોક્ત ઉલ્લેખિત બેઠકોમાંથી ૯૩% બેઠકો સંપુર્ણ ભરાયેલ જે Restructuring ની સફળતા દર્શાવે છે. સરકારી ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓ ખાતેના હેરિટેજ બિલ્ડીંગોનું Restoration કરવા માટે વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, સ્ટાર્ટઅપને વધુ વેગ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી (SSIP) લાવવામાં આવી છે. SSIP ૧.૦ : (૨૦૧૭ થી ૨૦૨૧)પોલીસીના પાંચ વર્ષ દરમ્યાન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ૬૮૦૦ થી પણ વધુ SSIP અંતર્ગત ઈનોવેટીવ પ્રોજેક્ટ્સ વિકસાવવામાં આવ્યા. આ સાથે જ ૧૩૦૦ જેટલી પેટન્ટ પણ વિદ્યાર્થીઓએ દ્વારા ફાઈલ કરવામાં આવી. જેના પરિણામ સ્વરૂપ ૨૨૦૦ થી પણ વધારે સ્ટાર્ટઅપને SSIP અંતર્ગત લાભ મળ્યો. તેવી જ રીતે SSIP ૨.૦ : (૨૦૨૨ થી ૨૦૨૭) અંતર્ગત માત્ર દોઢ વર્ષના સમયગાળામાં ૧૭૦૦ થી પણ વધુ SSIP અંતર્ગત ઈનોવેટીવ પ્રોજેક્ટ્સ વિકસાવવામાં આવ્યા. ૭૭૦ જેટલી પેટન્ટ પણ વિદ્યાર્થીઓએ દ્વારા ફાઈલ કરવામાં આવી. જેના પરિણામ સ્વરૂપ ૩૫૧ થી પણ વધારે સ્ટાર્ટઅપને SSIP અંતર્ગત લાભ મળ્યો. SSIP૧.૦ અને SSIP ૨.૦ ના આવા પરિણામો થકી સમગ્ર દેશમાં છેલ્લા ચાર વર્ષથી સતત ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ પ્રદર્શન કરનારું રાજ્ય બન્યું છે. વિધાનસભા ખાતે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગની માંગણીઓ મંજૂર કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.