સમરસ છાત્રાલયોમાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૨,૬૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો - At This Time

સમરસ છાત્રાલયોમાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૨,૬૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો


સમરસ છાત્રાલયોમાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૨,૬૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી ભિખુસિંહજી પરમાર

વર્ષ ૨૦૨૪-૨૫માં ગાંધીનગર તથા મોડાસા ખાતે ૩ નવા સમરસ છાત્રાલયો શરૂ કરવાનું આયોજન

ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, વિકસતી જાતિ અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને છાત્રાલય ખાતે અતિઆધુનિક સુવિદ્યાઓ મળી રહે તે માટે વર્ષ ૨૦૧૬-૧૭ થી રાજ્યમાં સમરસ છાત્રાલયો શરૂ કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૩-૨૪માં સમરસ છાત્રાલયોમાં કુલ ૧૨,૬૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જેમાં અનુસૂચિત જાતિના  ૧,૮૯૭ વિદ્યાર્થીઓને, અનુસૂચિત જન જાતિના ૩,૭૬૫, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના  ૪,૨૯૪, તેમજ આર્થિક રીતે નબળા વર્ગના  ૧,૨૦૬ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય શ્રી ડી.કે.સ્વામી દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી ભિખુસિંહજી પરમારે જણાવ્યું હતું.

રાજ્યમાં ચાલતા સમરસ છાત્રાલયોની વિગતો આપતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં હાલ ૧૦ જિલ્લાઓમાં ૨૦ સમરસ છાત્રાલયો કાર્યરત છે જેમાં ૧૦ કન્યા અને ૧૦ કુમાર છાત્રાલયો કાર્યરત છે. વર્ષ ૨૦૨૪-૨૫માં નવા ૩ નવા સમરસ છાત્રાલયો શરૂ કરવાનું આયોજન છે. જેમાં ગાંધીનગર ખાતે ૫૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું સમરસ કુમાર છાત્રાલય, મોડાસામાં ૨૫૦ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું એક કુમાર તથા એક કન્યા સમરસ છાત્રાલય શરૂ કરવાનું આયોજન છે તેમ પણ મંત્રીશ્રીએ પુરક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.