ગુજરાતના બંદરો પરથી આશરે 105 કરતા વધારે દેશોમાં 60 કરતા વધારે કોમોડીટી-જણસની નિકાસ: રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા
ગુજરાતના બંદરો પરથી આશરે 105 કરતા વધારે દેશોમાં 60 કરતા વધારે કોમોડીટી-જણસની નિકાસ: રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા
-ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 20 ટકાનો ફાળો ધરાવે છે આ માટે રાજ્ય સરકારની પોર્ટ નીતિની ભૂમિકા અગત્યની
- વર્ષ 2022-23માં રાષ્ટ્રીય સ્તરે પોર્ટ થકી માલની હેર ફેર આશરે 1,433 મિલિયન મેટ્રિક ટન જયારે ગુજરાતના નોન મેજર પોર્ટ દ્વારા 416.36 મિલિયન મેટ્રિક ટન માલ જે કુલ રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટના અંદાજે 29%
-દેશની કુદરતી ગેસની જરૂરીયાતના 50 ટકાની LNG અને LPGની આયાત ગુજરાતના બંદરો દ્વારા થાય છે
-ગીર સોમનાથના છારા ખાતે રૂ.4,293 કરોડનાં ખાનગી મૂડીરોકાણથી એલ.એન.જી.ટર્મિનલ આ વર્ષે કાર્યાન્વિત થશે
-રાજ્યમાં 2.18 લાખ સક્રીય માછીમારો દ્વારા 36,593 મત્સ્યબોટો વ્યવસાય માટે કાર્યરત
-દરીયાકાંઠે નાના માછીમારોને વધુ સુવિધાઓ મળી રહે તે હેતુસર માઢવાડ, સુત્રાપાડા, વેરાવળ અને નવાબંદર ખાતે લગભગ રૂ.9,70 કરોડના ખર્ચે મત્સ્યપોર્ટ વિકસાવવામાં આવી રહ્યા છે
-મોરબીના સીરામીક ઉદ્યોગમાં આશરે 12 લાખ કન્ટેનર જેટલા ઉત્પાદન સામે 4 લાખ કન્ટેનર્સની નિકાસ કરવામાં આવે છે
-દરિયાઈ સીમા સુરક્ષા માટે
પોરબંદર,ઓખા અને મુન્દ્રા ખાતે કોસ્ટગાર્ડ જેટીઓના બાંધકામો રૂ.431 કરોડના ખર્ચે હાથ ધરવાનું આયોજન
-વર્ષ 2047 સુધીમાં રાજ્યના પોર્ટની ક્ષમતા વધારીને 2,000 મીલીયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ કરવાનું લક્ષ્યાંક
વિધાનસભા ગૃહમાં બંદરો વિભાગની અંદાજ પત્રીય માંગણીઓ પસાર
મુખ્યમંત્રીશ્રીના બંદરો વિભાગની
માંગણીઓ સંદર્ભે વિધાનસભા ગૃહમાં રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે,બંદરો અને વાહન વ્યવહાર વિભાગ અંતર્ગત આવતા બંદરો વિભાગ માટે વર્ષ 2024-25માં રૂ.92.13 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે.
રાજ્ય મંત્રી શ્રી વિશ્વકર્માએ ગૃહમાં જણાવ્યું હતું કે,
પાછલા બે દાયકામાં દરિયાઈ માર્ગે માલ સમાન ટ્રાન્સપોર્ટનો રાષ્ટ્રીય સંકલિત વૃદ્ધિ વિકાસ દર ૬.૨૫ ટકા જેટલો રહ્યો છે. જ્યારે આ દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમારી સરકારના સતત પ્રયાસોથી ગુજરાતના બંદરો થકી માલ સામાનના ટ્રાન્સપોર્ટનો સંકલિત વૃદ્ધિ વિકાસ દર ૮.૪૫ ટકા રહ્યો છે.ગુજરાત સાચા અર્થમાં દેશના વિકાસનું અને વિકાસ માટે આવશ્યક માલ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા તંત્રનું ગ્રોથ એન્જિન છે.
મંત્રીશ્રીએ પોર્ટ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ તેમજ દેશ- રાજ્યના વિકાસમાં ફાળા અંગે ગૃહમાં જણાવ્યું હતું કે, ગુજરાત દેશનો સૌથી વધુ ૨૧ ટકા દરિયા કિનારો ધરાવે છે જેના પરિણામે બંદરોના વિકાસ-ઉપયોગમાં ગુજરાત અગ્રેસર છે. ગુજરાતના નોન મેજર પોર્ટ પરથી વર્ષ 2022–23માં 13,800 જેટલા જહાજોની અવર-જવર થઈ હતી. જે વર્ષ 2001-02ની તુલનામાં 2.76 ગણો વધારો થયો છે.
સમગ્ર દેશના નોન મેજર પોર્ટ દ્વારા ટ્રાન્સપોર્ટ કરવામાં આવતા કુલ કાર્ગોનો આશરે 64% જેટલો ગુજરાતના નોન મેજર પોર્ટ દ્વારા થાય છે.
તેમણે કહ્યું હતું કે,2022-23માં રાષ્ટ્રીય સ્તરે પોર્ટ થકી માલની હેર ફેર આશરે 1,433 મિલિયન મેટ્રિક ટન જયારે ગુજરાતના નોન મેજર પોર્ટ દ્વારા 416.36 મિલિયન મેટ્રિક ટન માલનું ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યું, જે કુલ રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટનો અંદાજે 29% છે. ગુજરાતના બંદરો પરથી આશરે 105 કરતા વધારે દેશોમાં 60 કરતા વધારે કોમોડીટીનું નિકાસ થાય છે. વર્ષ 2000–01 માં ગુજરાતમાં પોર્ટથી રૂ.190.85 કરોડની આવક હતી.જેમાં વર્ષ 2022–23 સુધીમાં 13 ગણો વધારો થઈને રૂ.2488 કરોડ થઈ છે.
મંત્રીશ્રીએ ગુજરાતની પોર્ટ નીતિ અને પોર્ટના વિકાસ થકી દેશના અન્ય ભાગોને દરિયાઈ વ્યાપારની સુવિધા સંદર્ભે કહ્યું હતું કે,ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 20 ટકાનો ફાળો ધરાવે છે આ ઔદ્યોગિક વિકાસ ફળીભૂત કરવા માટે રાજ્ય સરકારની પોર્ટ નીતિનો મોટો ફાળો છે. જેના થકી, રાજ્યના દરિયાકાંઠે થતા માલ ટ્રાન્સપોર્ટમાં 164 મિલિયન મેટ્રીક ટન એટલે કે 39 ટકા ફાળો કેપ્ટીવ કાર્ગોનો છે.
મંત્રી શ્રી વિશ્વકર્માએ ગૃહમાં જણાવ્યું હતું કે,દેશની કુદરતી ગેસની જરૂરીયાતના 50 ટકાની LNG અને LPGની સપ્લાય ગુજરાતના પોર્ટ પર થતાં ઈમ્પોર્ટ દ્વારા થાય છે. દેશની પેટ્રોલીયમ પેદાશની જરૂરીયાતોના 45 ટકા સપ્લાય ગુજરાતના પોર્ટ મારફત થાય છે.દેશના કુલ કન્ટેનર હેન્ડલિંગના 39 ટકા હેન્ડલિંગ ગુજરાતના પોર્ટ મારફત થાય છે.
મંત્રીશ્રીએ વર્તમાન પ્રયાસો તેમજ ભવિષ્યના આયોજનો અંગે કહ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના છારા ખાતે રૂ. 4293 કરોડનાં ખાનગી મૂડીરોકાણથી એલ.એન.જી.ટર્મિનલ આ વર્ષમાં કાર્યાન્વિત થનાર છે.આ ઉપરાંત ભાવનગર પોર્ટના ઉત્તર ભાગમાં બ્રાઉનફિલ્ડ પોર્ટ (CNG ટર્મિનલ અને અન્ય ટર્મિનલો) વિકસાવવા માટે અંદાજીત રૂ.4,024 કરોડનાં રોકાણના આયોજન માટે કન્સેશન એગ્રીમેન્ટને મંજૂર કરવામાં આવ્યા છે.દહેજ ખાતે પોર્ટની સુવિધાઓનાં વિસ્તૃતિકરણનાં ભાગરૂપે પેટ્રોનેટ એલ.એન.જી. દ્વારા રૂ. 1,700 કરોડનાં ખાનગી મૂડીરોકાણથી ત્રીજી જેટીના વિકાસ માટેની દરખાસ્તને સૈધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
મંત્રી શ્રી વિશ્વકર્માએ ગૃહમાં જણાવ્યું હતું કે,દહેજ ખાતે આવેલ ગુજરાત કેમિકલ પોર્ટ લીમીટેડ (GCPL) દ્વારા અંદાજીત રૂ.3,322 કરોડના ખર્ચે બીજી જેટી વિકસાવવા માટેનું બાંધકામ પ્રગતિ હેઠળ છે.હજીરા ખાતે ફેઝ-2 અને આઉટર હાર્બરના વિકાસ માટે અંદાજીત રૂ. 5,900 કરોડના બાંધકામને મંજૂરી આપવામાં આવી છે.
મંત્રીશ્રીએ મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા બાબતે કહ્યું હતું કે,રાજ્યમાં 2.18 લાખ સક્રીય માછીમારો દ્વારા 36,593 મત્સ્યબોટો કાર્યરત છે. હાલમાં રાજ્યમાં 8.97 લાખ મેટ્રીક ટન મત્સ્ય ઉત્પાદન થાય છે જે પૈકી 2.84 લાખ મેટ્રીક ટન એક્સપોર્ટ થાય છે, જેના થકી રૂ.5,865 કરોડનું વિદેશી હુંડીયામણ મળે છે. રાજ્ય સરકાર દ્વારા દરીયાકાંઠે નાના માછીમારોને સુવિધાઓ મળી રહે તે હેતુસર માઢવાડ, સુત્રાપાડા, વેરાવળ અને નવાબંદર ખાતે લગભગ રૂ.970 કરોડના ખર્ચે મત્સ્યપોર્ટ વિકસાવવામાં આવી રહ્યા છે.
મંત્રીશ્રીએ કોસ્ટગાર્ડ જેટીઓ મારફતે રાષ્ટ્રીય સુરક્ષામાં ગુજરાતના યોગદાન
અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે,
પોરબંદર, ઓખા અને મુન્દ્રા ખાતે કોસ્ટગાર્ડ જેટીઓના બાંધકામો રૂ.431 કરોડના ખર્ચે હાથ ધરવાનું આયોજન છે. જે પૈકી પોરબંદર ખાતે જેટીનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે ઓખા અને મુન્દ્રાના કામો માટે એજન્સી નકકી કરવામાં આવી છે.આમ, રાજ્યમાં પોર્ટના વિકાસની સાથોસાથ દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
તેમણે સીરામીક જેવા ઉદ્યોગને સહયોગ તેમજ કોસ્ટલ- આંતરરાષ્ટીય કાર્ગો માટેની તૈયારીની વિગતો આપતાં ગૃહમાં કહ્યું હતું કે,મોરબીના સીરામીક ઉદ્યોગમાં આશરે 12 લાખ કન્ટેનર જેટલા ઉત્પાદન સામે 4 લાખ કન્ટેનર્સ નિકાસ કરવામાં આવે છે.આ કન્ટેનરો રોડ માર્ગે મુન્દ્રા અને કંડલા પોર્ટે મોકલવાની જગ્યાએ મોરબી જિલ્લાના નવલખી પોર્ટથી એક્સપોર્ટ થાય તો ટ્રાન્સપોર્ટ માટેનું અંતર આશરે 150 કિ.મી. ઘટે તેમજ ટ્રાન્સપોર્ટ ખર્ચમાં બચત થાય અને પર્યાવરણને ફાયદો થાય તે હેતુથી નવલખી પોર્ટને 206 કરોડના ખર્ચે અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે.નવલખી ખાતે નવી જેટીનું બાંધકામ અને આનુષાંગિક સુવિધાઓના વિકાસથી પોર્ટની કાર્ગો ટ્રાન્સપોર્ટની હયાત 8 મિલિયન મેટ્રીક ટનની ક્ષમતા વધીને 20 મીલીયન મેટ્રીક ટન થશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું કે,ગીફ્ટ સીટી, સુરતની ડ્રીમ સીટી અને ધોલેરા સ્માર્ટ સીટી જેવી કન્સેપ્ટ સીટી ઈકો સીસ્ટમની જેમ જ પોર્ટ-ઔદ્યોગીકરણ-શહેરી વિકાસની સંયુક્ત પરિકલ્પના હેઠળ રાજ્યના દરિયાકાંઠે ગ્રીનફીલ્ડ પોર્ટ સિટી વિકસાવવા આયોજન છે.પોર્ટ સિટીમાં વૈશ્વીક કક્ષાનું, 250 થી 500 મીલીયન મેટ્રીક ટન કાર્ગો ટ્રાન્સપોર્ટની ક્ષમતાનું મલ્ટીકાર્ગો પોર્ટ વિકસાવવામાં આવશે.
સાથે સાથે શહેર-ઉદ્યોગ માટે 200 થી 500 ચો.કી.મી. ના જમીન અને માળખાકીય સુવિધાઓના સંકલીત વિકાસનું આયોજન કરવામાં આવશે.
ગ્રીનફિલ્ડ પોર્ટના વિકાસ માટે નવા સ્થળોની પસંદગી અંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,વર્ષ 2047 સુધીમાં રાજ્યના પોર્ટની ક્ષમતા વધારીને 2000 મીલીયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ કરવાનું વિઝન છે. આ લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવાના ભાગરૂપે રાજ્યના દરિયાકાંઠા પર નવા 10 સ્થળોએ ગ્રીનફિલ્ડ પોર્ટ વિકસાવવા સ્થળની પસંદગીની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
મંત્રીશ્રીએ પોર્ટને રોડ અને રેલ જોડાણો તેમજ આનુષંગિક આંતર્માળખાકીય સુવિધાઓ વિશે કહ્યું હતું કે,
PM ગતિ શક્તિ માસ્ટર પ્લાન અંતર્ગત ઈંટીગ્રેટેડ પાર્ટ તરીકે ગુજરાતના પોર્ટને મલ્ટી મોડેલ કનેક્ટીવીટી પુરી પાડવા વિવિધ પ્રોજેક્ટસ હાથ ધરવામાં આવી રહ્યા છે. છેલ્લા બે દાયકામાં દહેજ, પીપાવાવ, બેડી અને મુન્દ્રા પોર્ટને જોડતી આશરે 400 કિ.મી રેલ લાઈન સ્થાપવામાં આવી છે. પીપાવાવ પોર્ટ માટે દેશની પ્રથમ ડબલ સ્ટેક માલ ટ્રાન્સપોર્ટ રેલ્વે લાઈન સ્થાપવામાં આવી છે.રેલ માર્ગે માલ સામાન ટ્રાન્સપોર્ટ માટે ભારત સરકાર દ્વારા દિલ્હી અને મુંબઈ વચ્ચે નિર્માણાધીન ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર (DFC) ની 38% એટલે કે 538 કીલોમીટરની રેલવે લાઈન રાજ્યમાંથી પસાર થઈ રહી છે. નવલખી ખાતે વધતાં ટ્રાફીકની માંગને પહોંચી વળવા નવલખી પોર્ટના 23 કિ.મી.ના એપ્રોચ રોડને ફોર-લેન નેશનલ હાઇવે તરીકે વિકસાવવાની મંજૂરી આપવામાં આવી છે. અલંગને ત્રાપજ મુકામે નેશનલ હાઈવે 84-ઈ થી જોડતો 9 કિ.મી. નો ટુ-લેન રોડ ઉપલબ્ધ છે, જેને નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા આશરે રૂા. 70 કરોડના ખર્ચે ફોર-લેન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટીની સ્થાપના 2019માં કરવામાં આવી છે. જેમાં એલ.એલ.એમ. ઈન મેરીટાઈમ લૉ / ઈન્ટરનેશનલ ટ્રેડ લૉ, એમ.બી.એ. ઈન શીપીંગ એન્ડ લોજીસ્ટીક્સ, એક્ઝિક્યુટીવ ડિપ્લોમા ઉપરાંત, વિવિધ પી.એચ.ડી પ્રોગ્રામ્સ કાર્યરત છે. મેરીટાઇમ યુનિવર્સિટી દ્વારા નેધરલેન્ડ સ્થિત વિશ્વ વિખ્યાત ઇરાસ્મસ યુનિવર્સિટી, STC ઇન્ટરનેશનલ તેમજ કોપનહેગન બિઝનેશ સ્કુલ, ડેનમાર્ક સાથે MoU કરવામાં આવ્યા છે.
ગુજરાત ઈન્ટરનેશનલ મેરીટાઈમ આર્બિટ્રેશન સેન્ટર (GIMAC)
ગુજરાત ઈન્ટરનેશનલ મેરીટાઈમ આર્બિટ્રેશન સેન્ટર (GIMAC) (વૈકલ્પિક વિવાદ નિવારણ કેન્દ્ર)ની સ્થાપના ગિફ્ટસીટી ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. જે ભારતમાં સ્થાપિત 35 આર્બિટ્રેશન સેન્ટર પૈકી દરિયાઇ વેપાર ક્ષેત્ર માટેનું સૌપ્રથમ સમર્પિત વૈકલ્પિક દરિયાઇ વિવાદ નિવારણ સેન્ટર છે.
મંત્રી શ્રી વિશ્વકર્માએ ગૃહમાં જણાવ્યું હતું કે, શીપ રીસાયકલીંગથી ઉપલબ્ધ થતાં 2 મીલીયન ટન સ્ટીલ સામાન્ય સ્ટીલ પ્લાન્ટની તુલનામાં કાર્બન ફૂટ પ્રીન્ટમાં આશરે 90%ના ઘટાડા સાથે આશરે રૂ. 900 કરોડની બચત કરે છે. વર્ષ 1982–83 થી હાલ સુધી 8712 જહાજનું રીસાયકલીંગ કરી 69.10 મીલીયન મેટ્રીક ટન સ્ટીલના ઉત્પાદ્દન થકી અંદાજે 450 મીલીયન ટન જેટલો કાર્બન ફૂટ પ્રીન્ટમાં ઘટાડો થયો છે.વૈશ્વિક શીપ રીસાયકલીંગમાં ભારતનો હિસ્સો 32% છે. જયારે અલંગ શીપ યાર્ડનો દેશના શીપ રીસાયકલીંગમાં 98% હિસ્સો છે. અલંગની હાલની ક્ષમતા 4.5 મીલીયન મેટ્રીક ટન પ્રતિ વર્ષની છે તેમજ આશરે 15 હજાર ડાયરેક્ટ અને 1.5 લાખ જેટલી ઈન-ડાયરેક્ટ રોજગારીની તકો ઉપલબ્ધ કરે છે. અલંગ શીપ રીસાયકલીંગનો 99.95% જેટલો ભાગ 60થી વધુ રી-રોલીંગ મીલ, 80થી વધુ ઈન્ડક્શન ફર્નેશ, તેમજ 200 જેટલી દુકાનો મારફત પુન: ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે 0.05% જેટલા કચરાનો નિકાલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ગાઈડલાઈન મુજબ કરવામાં આવે છે.
અલંગ ખાતે ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબ શીપ રીસાયકલીંગ કરવામાં આવે છે.વર્ષ 2028–2030 સુધીમાં વૈશ્વિક શીપ રીસાયકલીંગ આશરે બમણું અને 2033 સુધીમાં લગભગ ચાર ગણું થવાની સંભાવના છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા અલંગ સોસિયા શીપ રીસાયકલીંગ યાર્ડની ક્ષમતા બમણી કરવા માટે માસ્ટર પ્લાનિંગની કામગીરી હાથ ધરવામાં આવી તેમ મંત્રી શ્રીએ ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે,
કન્ટેનર મેન્યુફેક્ચરિંગ ફેસીલીટીને
વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં
દેશને સતત વિકાસના પંથે આગળ ધપાવવાના વિઝન માટે તેમજ આત્મનિર્ભર ભારત, મેક ઈન ઈન્ડિયા અને વોકલ ફોર લોકલના સુત્રને ચરિતાર્થ કરતી ભાવનગરની કંટેનર મેન્યુફેક્ચરીંગ ફેસીલીટી, દેશ નહિ દુનિયાના કન્ટેનરની માંગને પુરી કરે છે.
મંત્રીશ્રીએ રો-પેક્સ ફેરી સર્વિસ અંગે જણાવ્યું હતું કે ,રાજ્યમાં ઘોઘા હજીરા ફેરી સર્વીસ ચાલુ કરવામાં આવી છે.રોડ માર્ગે ઘોઘા-હજીરા વચ્ચેની મુસાફરી માટે આશરે 12 કલાક જેટલો સમય લાગે છે. જ્યારે ફેરી સર્વિસ દ્વારા 5 કલાકમાં મુસાફરી શક્ય બનેલ છે. આથી મુસાફરીનો સમયગાળો 7 કલાક જેટલો ઘટાડો શક્ય બન્યો છે. જાન્યુઆરી-2024 સુધીમાં લગભગ 7.76 લાખ મુસાફરો અને 2.63 લાખ વાહનોએ મુસાફરી કરી છે. રોડ ટ્રાન્સપોર્ટ કરતાં રો-રો ટ્રાન્સપોર્ટમાં આશરે 65% જેટલો કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો છે. મૂળ દ્વારકા ખાતે ટર્મીનલનું બાંધકામ પ્રગતીમાં છે અને રાજ્યમાં અન્ય સ્થળોએ ટર્મીનલ વિકસાવવા તથા હયાત ટર્મીનલના અસરકારક ઉપયોગ માટે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે.
મંત્રી શ્રી વિશ્વકર્માએ ગુજરાત મેરીટાઇમ બોર્ડ વિઝન 2047 અંગે કહ્યું હતું કે,
ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ મેરિટાઇમ અમૃતકાળ વિઝન 2047ને આગળ ધપાવવા, તેની હાર્મનીમાં "એમ્બ્રસિન્ગ અમૃતકાળ"ના નામે ગુજરાતનું મેરિટાઇમ વિઝન 2047નું અનાવરણ વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 દરમિયાન કરવામાં આવ્યું છે. ગુજરાતનું મેરિટાઇમ વિઝન 2047, વૈશ્વિક આર્થિક પરિવર્તનોના પરીપેક્ષમાં ગુજરાતના દરીયાકાંઠાના વિકાસની સંભાવનાઓને વ્યાખ્યાયીત કરે છે. આ દૂરંદેશી યોજનાથી વિકસિત ભારત - 2047 અને વિકસિત ગુજરાત - 2047ની સંકલ્પના પરિપૂર્ણ થશે તેમ, તેમણે ગૃહમાં ઉમેર્યું હતું.
વિધાનસભા ગૃહમાં આજે બંદરો વિભાગની અંદાજ પત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.