13 દેશોના શિક્ષણમંત્રીશ્રી અને મહાનુભાવોએ વર્લ્ડ બેંકની ટીમ સાથે લીધી વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત
13 દેશોના શિક્ષણમંત્રીશ્રી અને મહાનુભાવોએ વર્લ્ડ બેંકની ટીમ સાથે લીધી વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત
“અમારા દેશમાં શિક્ષણક્ષેત્રેના પડકારોનું નિરાકરણ લાવવા માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવું મોડલ ઉભું કરીશું, જે અન્ય આફ્રિકન દેશો માટે એક અનુકરણીય મોડલ બની રહેશે.”
- યુવેસ કૌરો ચાબી, મીનીસ્ટર ઓફ સ્કુલ એજ્યુકેશન, ટીવીઈટી, બેનિન
લુઇસ બેન્વેનીસ્ટ, ગ્લોબલ ડીરેક્ટર, એજ્યુકેશન, વર્લ્ડ બેંકની અધ્યક્ષતા હેઠળ વર્લ્ડબેંકની ટીમ સાથે 13થી વધુ દેશોના શિક્ષણમંત્રીશ્રી, અધિકારીઓ અને શિક્ષણક્ષેત્રે સંકળાયેલા આશરે 65 જેટલા મહાનુભાવોએ આજ રોજ ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિ મંડળને ડૉ.કુબેર ડીંડોર, શિક્ષણમંત્રીશ્રી, ગુજરાત અને પ્રફુલ પાનશેરિયા, શિક્ષણમંત્રીશ્રી (રા.ક.), ગુજરાત એ આવકાર્યા હતા.
આ ટીમે માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરુ થયેલી ગુજરાતની છેલ્લા બે દાયકાની એજ્યુકેશન ટ્રાન્સફોરમેશન જર્ની તેમજ ગુજરાતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મિશન સ્કુલ્સ ઓફ એક્સેલેન્સની તમામ વિગતો વિશે માહિતી મેળવી હતી. આ ટીમના સભ્યોએ એ.આઈ. (Artificial Intelligence) બેઝડ બોટ થકી કરવામાં આવતા લાઈવ રીઅલ ટાઈમ એટેન્ડન્સ, એસેસમેન્ટ અને સ્કુલ એક્રેડીટેશનના ડેશબોર્ડ દ્વારા શાળા શિક્ષણની અધ્યતન માહિતી મેળવી હતી. તેમણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને વર્તમાન સુધારાઓથી શું લાભ થયો તેની વિસ્તૃત જાણકારી મેળવી હતી.
વધુમાં, યુવેસ કૌરો ચાબી, મીનીસ્ટર ઓફ સ્કુલ એજ્યુકેશન, ટીવીઈટી, બેનિન એ જણાવ્યું હતું કે, “અમારા દેશમાં શિક્ષણક્ષેત્રેના પડકારોનું નિરાકરણ લાવવા માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવું મોડલ ઉભું કરીશું, જે અન્ય આફ્રિકન દેશો માટે એક અનુકરણીય મોડલ બની રહેશે. શિક્ષણક્ષેત્રે ગુજરાતમાં થઇ રહેલ વિકાસમાંથી અમને ઘણું શીખવા મળ્યું છે. શિક્ષણક્ષેત્રે Artificial Intelligenceનો ઉપયોગથી ગુજરાત ખુબ જ મહત્વપૂર્ણ રીતે કરી રહ્યું છે જેનું અનુકરણ અમારા દેશને પણ શિક્ષણક્ષેત્રે વિકાસ કરવામાં મદદરૂપ બનશે.”
વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત બાદ, આ પ્રતિનિધિ મંડળે જ્ઞાનશક્તિ રેસિડેન્શીયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સ અને રક્ષા શક્તિ સ્કૂલ્સ ફોર ગર્લ્સ, (ગણપત યુનીવર્સીટી કેમ્પસ),ખેરવા અને સ્કૂલ્સ ઓફ એક્સેલેન્સ, બાલવા પ્રાથમિક શાળા, ગાંધીનગરની મુલાકાત પણ લીધી હતી અને શાળામાં કરવામાં આવતા શિક્ષણકાર્ય વિશે માહિતી મેળવી હતી.
આ પહેલાં વિવિધ દેશોમાંથી પ્રતિનિધિઓ અને વર્લ્ડ બેંકના પ્રમુખશ્રી, અજય બાંગા દ્વારા પણ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેવામાં આવી છે. ભારત સરકાર દેશના અન્ય રાજ્યોમાં પણ આ મોડલ લાગુ કરી રહી છે જયારે વર્લ્ડ બેંકના પ્રમુખશ્રીએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર દુનિયાના અન્ય દેશો માટે અનુકરણીય મોડેલ છે તેવું જણાવ્યુ હતુ. વધુમાં, આંતરરાષ્ટ્રીય મહાનુભાવો પણ પોતાના દેશમાં આ પ્રકારનું મોડલ લાગુ કરવા અને વિસ્તૃત માહિતી મેળવવા માટે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે આવી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.