તા.25મીએ વડાપ્રધાન મોદી રાજકોટમાં; એઈમ્સનું કરશે લોકાર્પણ - At This Time

તા.25મીએ વડાપ્રધાન મોદી રાજકોટમાં; એઈમ્સનું કરશે લોકાર્પણ


રાજકોટને આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ હિરાસર એરપોર્ટની ભેટ મળ્યા બાદ હવે આગામી તા.25ને રવિવારે રૂા.1105 કરોડના ખર્ચે નિર્માણાધિન એઈમ્સનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવનાર છે.
એઈમ્સની સાથોસાથ ઝનાના હોસ્પિટલ અને અટલ સરોવર સાથે સ્માર્ટસીટીનું લોકાર્પણ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવા માટે તખ્તો તૈયાર કરી દેવામાં આવેલ હોય આ અંગે રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર અને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.25ના સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રીજનું ઉદ્ઘાટન કર્યા બાદ રાજકોટ આવી પહોંચનાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રાજકોટનો કાર્યક્રમ ફાઈનલ થતાની સાથે કલેકટર તંત્ર અને ભાજપ આજથી જ જોરશોરથી તૈયારીઓ આરંભી દીધી છે.
જેના પગલે જીલ્લા કલેકટર પ્રભવ જોશીએ આજે બપોરના તાબડતોબ એઈમ્સ ખાતે દોડી જઈ કામગીરીની સમિક્ષા કરી હતી. અહીં એ ઉલ્લેખનીય છે કે અગાઉ ગાંધીનગર સીએમઓ દ્વારા રાજકોટ જીલ્લા કલેકટર પ્રભવ જોશીને એઈમ્સના લોકાર્પણ માટે તૈયારીઓ શરૂ કરવા માટે આદેશ આપી દેવામાં આવેલ હતો. જે બાદ હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રાજકોટનો તા.25નો કાર્યક્રમ ફાઈનલ થયેલ છે. રાજકોટની આ મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિરાટ રોડ-શો અને જંગી જાહેરસભા આયોજીત કરવાનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે.
પરાપીપળીયા ખાતે 1105 કરોડના ખર્ચે એઈમ્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાં પાંચ પૈકીના ત્રણ ટાવરોનું કામ પૂર્ણતાના આરે પહોંચી ગયું છે. એઈમ્સના લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થતા જ 250 બેડની હોસ્પિટલ સાથે ચાર ઓપરેશન થીયેટરની સુવિધા લોકોને મળતી થશે.
એઈમ્સની સાથોસાથ સ્વસ્થ બાળ અને સ્વસ્થ માતાની વિભાવનાને ચરિતાર્થ કરવા માટે રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રૂા.100 કરોડથી વધુના ખર્ચે કોર્પોરેટ સ્ટાઈલમાં નિર્માણ કરાયેલ આ ઝનાના હોસ્પિટલમાં ગ્રાઉન્ડ પ્લસ 11 માળની ગુજરાતની સૌથી ઉંચી અદ્યતન સુવિધા સાથે આ એમસીએચ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવેલ છે. જેનું પણ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવનાર છે.
સૌરાષ્ટ્ર કચ્છના મેટર્નલ અને બાળ દર્દીઓ માટે આ હોસ્પિટલમાં 500 બેડ ઉપરાંત વધારાના 200 બેડની સુવિધા સાથે કુલ 700 બેડની સુવિધા સૌરાષ્ટ્રની સૌ પ્રથમ મિલ્ક બેંક ટ્રાઈએજ, થ્રીલીયર અને આઈસીયુ ડીઈઆઈસી પ્લેગ્રાઉન્ડ સહિતની સુવિધાઓ આ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. 150 વર્ષ જુની આ હોસ્પિટલનું પુન:નિર્માણ કરવામાં આવેલ છે.
તેની સાથોસાથ રાજકોટના વિકાસને નવી દિશા આપતા કરોડોના સ્માર્ટસીટી પ્રોજેકટ સાથે અટલ સરોવરનું લોકાર્પણ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થતા સૌરાષ્ટ્રના પાટનગરની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાશે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.