માધાપર ચોકડી પાસે અજાણ્યાં વાહનની હડફેટે સસ્તા અનાજના વેપારી નું કમકમાટીભર્યું મોત
શહેરમાં અને ભાગોળે અકસ્માતના બનાવોમાં સતત વધતો જઈ રહ્યો છે ત્યારે આજે બપોરે પણ માધાપર ચોકડી પાસે ઓવરબ્રિજ ઉપર અજાણ્યાં વાહનની હડફેટે સસ્તા અનાજના કોટા ધારક 56 વર્ષીય પ્રૌઢનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, ગાંધીગ્રામમાં આવેલ મહાવીર નગર-2 માં રહેતાં સતુભા ઉમેદસિંહ ઝાલા (ઉ.વ.56) બેડી ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવતાં હતાં. આજે તેઓ સવારે પોતાની સસ્તા અનાજની દુકાને ગયાં હતા. જ્યાંથી તેઓ પોતાના ઘરે પરત ફરતાં હતાં ત્યારે 11 વાગ્યાની આસપાસ તેઓ એક્ટિવા લઈ બેડી ચોકડીથી આવતાં માધાપર ચોકડી પાસે ઓવરબ્રિજ પર પહોંચતા પાછળથી પૂરપાટ ઝડપે આવતાં અજાણ્યાં વાહનના ચાલકે હડફેટે લેતાં તેઓ રોડ પર ફૂટબોલના દડાની માફક ફંગોળાયા હતાં અને માથામાં ગંભીર ઇજા પહોંચતા રોડ પર લોહીની નદી વહેવા લાગી હતી. ગંભીર ઇજા પહોંચતા પ્રૌઢનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
બનાવ અંગે જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ અકસ્માત સર્જી નાસી છૂટનાર અજાણ્યાં વાહન ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.વધુમાં મળેલ વિગત મુજબ, મૃતક બેડી ગામમાં સસ્તા અનાજની દુકાન ધરાવતાં અને સંતાનમાં બે પુત્ર હોવાનું સામે આવ્યું હતું. બનાવથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.