કેટરર્સનો માલ ભરેલા વાહન પર બેઠેલા યુવાન નું માથું એસ્ટ્રોનના નાલાના લોખંડના એંગલમાં અથડાયું: મોત
શહેરમાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. સવારે એસ્ટ્રોનના નાલામાંથી કેટરર્સનો માલ ભરીને પસાર થઇ રહેલા છોટાહાથી નામના માલવાહક વાહનમાં પાછળ સામાન ઉપર બેઠેલા મુળ રાજસ્થાનના કર્મચારીનું માથું નાલાના લોખંડના એંગલમાં અથડાતાં ગંભીર ઇજા થતાં કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.
જાણવા મળ્યા મુજબ સવારે સવા નવેક વાગ્યે છોટાહાથી વાહન એસ્ટ્રોનના નાલામાંથી પસાર થઇ રહ્યું હતુ. જેમાં પાછળના ભાગે કેટરર્સનો સામાન ભરેલો હતો. આ સામાન ઉપર એક યુવાન બેઠો હતો. ચાલકે નાલામાંથી સડસડાટ વાહન હંકારતાં પાછળ કર્મચારી બેઠેલો છે તેનો અંદાજ ન રહેતાં આ કર્મચારીનું માથું લોખંડના એંગલમાં ધડાકાભેર અથડાતાં તે લોહીલુહાણ થઇ ફેંકાઇ ગયો હતો. બનાવને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં. ઘાયલ યુવાનને હોસ્પિટલે ખસેડાયો હતો. પરંતુ તેણે દમ તોડી દીધાનું જણાવાયું હતું.
છોટાહાથીના ચાલકનું નામ ચિરાગભાઇ દિનેશભાઇ ચોૈહાણ હતું. તેણે જણાવ્યું હતું કે મૃત્યુ પામનાર યુવાન મુળ રાજસ્થાનનો વતની અને હાલ રેલનગર શિવમ્ પાર્ક-૬માં રહેતો મણીલાલ આરી (ઉ.વ.૩૮) હતો. પોતે અને મણીલાલ કેટરર્સમાં કામ કરે છે. મણીલાલ કેટરર્સના કર્મચારીઓ પર દેખરેખનું કામ સંભાળતો હતો. આજે હેમુ ગઢવી હોલ ખાતે પ્રસંગ હોઇ ત્યાં કેટરર્સનો માલ પહોંચાડવાનો હોઇ છોટાહાથીમાં માલ ભરીને પોતે અને મણીલાલ હેમુ ગઢવી હોલ ખાતે જવા નીકળ્યા હતાં.
મણીલાલ છોટાહાથીના ઠાઠામાં કેટરર્સના માલ સામાન ઉપર બેઠો હતો. વાહન એસ્ટ્રોનના નાલામાં પહોંચ્યુ ત્યારે મણીલાલનું માથું એંગલમાં ભટકાતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી અને મોત થયું હતું. મણીલાલને સંતાનમાં ત્રણ દિકરા છે. તે બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.