રૈયાગામ નજીક રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માતમાં આધેડનું મોત
શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાને લીધે લોકોના જીવ જઈ રહ્યા છે ત્યારે આજે ફરી વખત અકસ્માતમાં બનાવ સામે આવ્યો છે. રૈયાગામ પાસે રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માતમાં રૈયા રોડ પર આવેલા અંબિકા પાર્કમાં રહેતા ઉપેન્દ્રભાઈ વાલજીભાઈ પાણ (ઉ.વ 49)નામના આધેડનું મોત નિપજ્યું હતું. જ્યારે રીક્ષા ચાલક સાજન પરમાર (ઉ.વ 25) ને ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવની વિગત મુજબ, રૈયા રોડ પર અંબિકા પાર્કમાં રહેતા ભુપેન્દ્રભાઈ નામના આધેડ ગઈકાલ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈ ધોકળીયા ગામે આવેલી પોતાની વાડીથી ઘરે પરત ફરતા હતા ત્યારે રૈયા ગામ નજીક સામેથી આવેલી ઓટો રિક્ષા સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ભુપેન્દ્ર ભાઈને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ત્યારબાદ તેઓને સેલસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બનાવની જાણ યુનિવર્સિટી પોલીસને કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ઇકબાલભાઈ મોરવાડિયા સહિતના સ્ટાફે હોસ્પિટલએ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. વધુમાં મૃતક ભૂપેન્દ્રભાઈ ખેતી કામ કરતા હતા અને ત્રણ ભાઈમાં વચેટ હતા. બનાવથી પરિવારમાં ઘેરો શોક છવાયો છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત રીક્ષા ચાલક ઘંટેશ્વર 25 વારિયામાં રહેતા સાજણને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. યુનિવર્સિટી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.